સાચા નેતા – ગરીબીમાં જીવતાં પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ, આજ સુધી કેટલાં ધારાસભ્યો ચૂંટાયા

પૂર્વ ધારાસભ્યનું BPL કાર્ડ પર જીવન

बीपीएल कार्ड पर एक पूर्व विधायक का जीवन

Life of Ex. MLA on BPL card in Gujarat, how many MLAs were elected in history

દિલીપ પટેલ, ગાંધીનગર, 25 જૂન 2022

પેન્શન માટે પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ ભૂરાભાઈ રાઠોડે અદાલતમાં સરકાર સામે કેસ કર્યો હતો. લાંબા સમયની કાયદાકીય લડત પછી કોર્ટે તેમના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. પરંતુ, હજુ સુધી તેમને પેન્શન નથી મળ્યું કે કોઈ સરકારે તેમને સહાય નથી કરી. આજે તેઓ ગરીબીમાં જીવે છે. સરકારના સસ્તા અનાજથી જીવે છે. ભાજપના 28 વર્ષના રાજમાં આજ સુધી તેમને પેન્શન આપવા અંગે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. તે સરકારી કામકાજની પદ્ધતિ સામે પણ સવાલો ઉભા કરે છે. સરકારને વારંવાર રજૂઆતો કરી છે. સરકારે સહાય આપવા જાહેર કર્યું હતું પણ મળી નથી. એક મકાન પણ બનાવી આપ્યું નથી.  પૂર્વ ધારાસભ્ય માટે વિશેષ આયોગ બનાવ્યા બાદ પણ ન્યાય નથી મળ્યો.

હાલ 400 જેટલાં પૂર્વ ધારાસભ્યો હોવાનો અંદાજ છે. કુલ 1200 ધારાસભ્યો ગુજરાતમાં આજ સુધીમાં ચૂંટાયા છે. મુંબઈ રાજ્ય અને સૌરાષ્ટ્ર રાજ્યના ધારાસભ્યોની જેમાં ગણતરી નથી.

આજે 25 કરોડ

આજના નેતા અને ગરીબીને કોઈ સંબંધ હોતો નથી. ધારાસભ્યનો એક મહિનાનો પગાર 2 લાખથી 2.5 લાખ રૂપિયા સુધીનો છે. આવી સ્થિતિમાં 5 વર્ષના કાર્યકાળમાં અંદાજે 12 કરોડ રૂપિયાની આવક થાય છે પરંતુ ગુજરાતના પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ રાઠોડની દયનીય સ્થિતિ જોતા અનેક સવાલો ઉભા થાય છે. ગુજરાતના એક ધારાસભ્ય પાછળ  સુવિધા માટે સરકારમહિને રૂ.2થી 2.40 લાખનું સરેરાશ ખર્ચ કરે છે. આમ પગાર અને સુવિધા ગણવામાં આવે તો 5 વર્ષમાં 25 કરોડ તો પ્રજાના વેરામાંથી ચૂકવવામાં આવે છે.

કરોડોમાં ધારાસભ્યોની ખરીદી

ગામના સરપંચો પણ વૈભવી લાઈફ સ્ટાઈલમાં જીવતા હોય છે. મોટા ભાગના ધારાસભ્યો 5 વર્ષમાં અબજોપતિ થઈ જાય છે. હવે તો ધારાસભ્યની ખરીદી કરોડમાં થઈ રહી છે. રાજ્યસભાની 28 જુલાઈ 2017ની ચૂંટણીમાં ભાજપે હોર્સટ્રેડિંગ કરીને કોંગ્રેસના ધારાસભ્યોને રૃા.10થી 16 કરોડ આપવાનું કહ્યું હોવાનો આરોપ હતો. આદિવાસી ધારાસભ્યો પૂના ગામિત, મંગળ ગામિત, ઇશ્વર પટેલ  ઓફરો ઠુકરાવી દીધી હતી.

જ્યારે ગુજરાતમાં સાબરકાંઠામાં જેઠાભાઈ રાઠોડને પોતાનું ઘર સસ્તા અનાજની સરકારી દુકાન પરથી લઈને ચલાવવું પડે છે. બીપીએલ કાર્ડ પર આધાર રાખવો પડી રહ્યો છે.

અપક્ષ ચૂંટાયા

જેઠાભાઈ રાઠોડ સાબરકાંઠાની ખેડબ્રહ્મા-વિજયનગરના 1967થી 1971માં અપક્ષ ધારાસભ્ય હતા. તેમણે કોંગ્રેસના ઉમેદવારને 17 હજાર કરતા વધુ મતોથી હરાવ્યા હતા. એ સમયે બધે સાયકલ પર ફરીને પ્રચાર કર્યો હતો. વિધાનસભાના રેકર્ડમાં એમનું નામ જેથાભાઈ છે. પણ સાચું નામ જેઠાભાઈ છે. ગાંધીનગરમાં પ્લોટ મળ્યા ન હતા.

ટેબડા ગામમાં રહે છે

વિજયનગર તાલુકાના પોશીનાના રાજસ્થાન સરહદે આવેલા તેમના પિતૃક ગામ ટેબડા ગામમાં જેઠાભાઈ ઝૂંપડા જેવા ઘરમાં રહે છે. આવકનું કોઈ સાધન નથી. ઝૂંપડામાં ગરીબી વચ્ચે બીમાર અવસ્થામાં દયનિય જીવન જીવે છે. બિમાર પત્નીને સારી હોસ્પિટલમાં સારવાર કરાવી શકતા નથી. ખેતી. ખેત મજૂરી અને નાની દુકાન તેના સંતાનો ચલાવે છે.

કામો

વિસ્તારમાં સિંચાઈ અને આધુનિક એવી ટપક સિંચાઈ – ડ્રિપ ઈરીગેશનનો પાયો ધારાસભ્યે નાખ્યો હતો. મત વિસ્તારમાં સાયકલ પર ગામે ગામ જઈને લોકોના પ્રશ્નો ઉકેલતાં હતા. સચિવાલય એસટી બસમાં જતાં હતા. તેમણે પોતાના મત વિસ્તારમાં રસ્તા અને 44 તળાવો બનાવ્યા હતા. ઘણા સારા કામો કરાવ્યા હતા. લોકોની સેવા માટે જાત ખસી નાખી હતી. જેઠાભાઈને અને તેના કામને હાલ બધા ભૂલી ગયા છે. પાંચ દીકરા અને સંયુક્ત કુટુંબમાં પૌત્ર-પૌત્રીઓ સાથે રહેતા 80 વર્ષના જેઠાભાઈને બીપીએલ લાભાર્થી તરીકે જીવવું પડી રહ્યું છે. હવે પોતાના જીવન ટકાવી રાખવાના કામ માટે કલેક્ટરની કચેરીએ ધક્કા ખાવા પડે છે. દુષ્કાળમાં લોકોના દુઃખના દિવસોમાં રાહત કામો કરાવ્યા હતા.

સરકારી દવાખાનામાં પથારીઓ બધારી આપી હતી. તબિબિ સ્ટાફ વધારી આપ્યો હતો.

54 વર્ષ પહેલાં શાળા પ્રવેત્સોવ

શાળામાં જે ગામમાં બાળકો ઓછા ભણવા જતાં હતા ત્યાં તેમણે બાળકોને શાળાએ મોકલવાનું મોટું કામ કર્યું હતું. શાળા પ્રવેત્સોવ તેમણે 1967થી શરૂ કરાવ્યો હતો. જેને 55 વર્ષ પહેલાં શાળા પ્રવેશ કરાવ્યો હતો. મોદી સરકાર શાળા પ્રવેત્સોવનો ભલે જશ લેતી હોય પણ ખરો જશ તો જેઠાભાઈને જાય છે.

પ્રમાણિક જીવન

પ્રામાણિકતાથી રહીને જીવનભર ખોટી કમાણી કરી નથી. વારસામાં મળેલા ઝૂંપડા જેવા ઘરમાં રહે છે. 5 દીકરા ખેત મજૂરી કરે છે. નીતિ અને સિદ્ધાંતો પર જ જીવ્યા. 80 વર્ષની વય વટાવી ચુકેલા ધારાસભ્યને પ્રમાણિક્તાથી જીવવાનો સમાજે આવો બદલો આપ્યો છે. લોકોનાં આંસુ લુછનારા આવા ધારાસભ્યનાં આંસુ લુછનારા કોઈ નથી. વૈભવી જીવન જીવતા રાજકારણીઓને ખબર પણ નહીં હોય કે આવો એક ગરીબ પૂર્વ ધારાસભ્ય ગુજરાતમાં જીવે છે.  ગાડી, બંગલા કે બેંક બેલેન્સ નથી. વિસ્તારની ગરીબ અને ભોળી – અભણ પ્રજાની સેવા કરી હતી. ખબર પૂછવા પણ આજના રાજકારણીઓ કે નેતાઓ તસ્દી સુદ્ધાં લેતા નથી. ગુજરાતના જીવીત એક માત્ર બીપીએલ કાર્ડ ધરાવતાં પૂર્વ ધારાસભ્ય છે.

સાબરકાંઠા જિલ્લામાં આદિવાસી અનામત બેઠક પર ખેડબ્રહ્મા વિધાનસભા કેટલાય ધારાસભ્યો થયા છે. કોઈની આવી હાલત નથી. સ્થાનિક જનતા માટે આજે પણ જેઠાભાઈ રાઠોડનું નામ જાણીતું છે.

આવા નેતાની જરૂર

ગુજરાતમાં જે રીતે ધારાસભ્યોને કરોડો રૂપિયામાં ખરીદવામાં આવી રહ્યા છે અને પક્ષાંતર કરાવવામાં આવી રહ્યું છે ત્યારે આજે આવા નેતાઓની જરૂર છે. જેઠાભાઈ પ્રામાણિકતાના કારણે ગુજરાતને સમર્પિત રહ્યા છે.

શું કહે છે

નબળી આર્થિક સ્થિતી ધરાવતાં ધારાસભ્યોને સહાય આપો. તે માટે સરવે કરો.

મહિલા ધારાસભ્યને 50 કરોડની કિંમત

કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારૈયાને ભાજપમાં આવી જવા માટે 50 કરોડમાં આવવા કહ્યુ હતું. ગાડી, બંગલા માટે હું જતી રહું એવી નથી. જીતુ ચૌધરી અને મંગળ ગાવીત રૂપિયા લઈને જતા રહ્યા હતા, એવો આરોપ બારૈયાએ આપ્યો હતો. ચંદ્રિકાબેનને રાજ્યસભની ચૂંટણી માટે 10 કરોડ રૂપિયા અને પ્રધાન બનાવવા અને ચૂંટણી ખર્ચ આપવાની ઓફર કરી હતી.

મહિલા ધારાસભ્યો કેટલા

2017માં 13 મહિલા ધારાસભ્યો ચૂંટાયા હતા. તેની સાથે 1960થી 2017 સુધી કુલ 137 મહિલા ધારાસભ્યો માંડ ચૂંટાયા છે. આઝાદી પછી તુરંત મહિલાઓ કુલ સંખ્યાના પ્રમાણમાં વધું ચૂંટાતી હતી.

વર્ષ 2012ની ચૂંટણીમાં કુલ 61 મહિલા ઉમેદવારો એકદંરે મેદાનમાં ઉતર્યા હતા, જે પૈકી ભાજપ તરફથી 19 મહિલાઓને ટિકિટ આપવામાં આવી હતી. જેમાંથી 12ની જીત થઇ હતી અને તેમની સફળતાની ટકાવારી 63.16 ટકા રહી હતી. આવી જ રીતે કોંગ્રેસ તરફથી છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં 12 મહિલાઓને ટિકિટ આપવામાં આવી હતી, જે પૈકી ચાર મહિલાઓ ચૂંટાઈ આવવામાં સફળ રહી હતી. સફળતાની ટકાવારી 33.33 ટકા રહી હતી. 1960માં મહિલા ધારાસભ્યની સંખ્યા 12 રહી હતી.

મહિલા ધારાસભ્યોની સંખ્યા ક્યારેય પણ 16થી વધારે થઇ નથી. જે કુલ સંખ્યાબળના નવ ટકાથી ઓછી છે. ગુજરાત વિધાનસભામાં 2012, 2007 અને 1985માં ત્રણ વખત 16 મહિલાઓ ધારાસભ્યો જોવા મળ્યા છે.

અત્યાર સુધી કેટલાં ધારાસભ્યો થઈ ગયા

જૂન 2019માં ધારાસભ્યોને પેન્શન આપવા પૂર્વ ધારાસભ્ય (એક્સ એમ.એલ.એ.) કાઉન્સિલની 24મી સામાન્ય સભા ગાંધીનગરમાં મળી હતી. જેમાં માંગણી કરી હતી કે, બીજા રાજ્યોમાં પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવામાં આવે છે તો ગુજરાતમાં કેમ આપવામાં આવતું નથી. ગુજરાતના તમામ સાંસદોને પેન્શન મળે છે. તો ધારાસભ્યોને કેમ નહીં. એવો સવાલ બેઠકમાં કરવામાં આવ્યો હતો. કાઉન્સિલના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ મેઘજીભાઈ શાહના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં  પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ, દિલીપ સંઘાણી, વાડીલાલ પટેલ સહિત પૂર્વ ધારાસભ્યો હતા.

2019માં 400 પૂર્વ ધારાસભ્યો

ગુજરાતમાં કૂલ 1200 જેટલાં ધારાસભ્યો ચૂંટાયા હતા. જેમાં હયાત હોય એવા 400ની અંદર  ભૂતપૂર્વ ધારાસભ્યો સમગ્ર રાજ્યમાં છે. કેટલાંક પૂર્વ સભ્યો માટે ખરાબ આર્થિક સ્થિતી છે, જેમાં તેમને જીવન જીવવમાં મદદ મળી શકે એવી તેમની લાગણી હતી. આ માટે ગુજરાત વિધાનસભામાં કાયદો પસાર કરવો જોઈએ. જેમને પેન્શન લેવું હોય તે લે અને જે પેન્શન લેવા માંગતા ન હોય તે ન લે. જે પૂર્વ ધારાસભ્યોને આપવું હોય તેને સરકાર આપે. એવી જોગવાઈ કાયદામાં કરવી જોઈએ. કેટલાંક પૂર્વ ધારાસભ્યો એવા છે કે જેમને ખરા અર્થમાં આર્થિક મદદની જરૂર છે.

લોકોનો વિરોધ

રાજકારણીઓને નિવૃત્તિ વેતન ન આપવું જોઈએ એવી મત પ્રબળ છે.  તેઓ ધારાસભ્ય હોય છે ત્યારે તેમને સારો એવો પગાર મળતો હોય છે. હાલ રૂ.1.25 લાખ જેટલો પગાર મળે છે. એક મત એવો પણ છે કે પાંચ વર્ષ માટે પ્રજાએ જેમને ચૂંટી કાઢ્યા હોય છે. તેમને પગાર પણ આપવો ન જોઈએ, તેમને સરકારી કોઈ સુવિધા પણ આપવી ન જોઈએ. કારણ કે તે અધિકારી નથી તે પ્રજાના પ્રતિનિધિ છે. પ્રજા તેને પાંચ વર્ષ ચૂંટીને મોકલે છે, જો સેવા ન કરવી હોય તો ચૂંટણી ન લડવી જોઈએ. તેથી પેન્શન કોઈ સંજોગોમાં મળવું ન જોઈએ, એવું ગુજરાતનો મોટો વર્ગ માની રહ્યો છે. જેમની આર્થિક સ્થિતી ખરાબ હોય તેમને સરકારે વૃદ્ધ નાગરિકોને અપાતી સહાય કે અન્ય ખાસ વ્યવસ્થા કરવી જોઈએ પણ તેમને પેન્શન તો ન જ આપવું જોઈએ.

20 હજાર આપો

સરકાર સમક્ષ પડતર માંગણી છે કે, રૂ.10થી રૂ.20 હજારનું પેન્શન આપવામાં આવે. જે લોકસભાના સભ્યને આપવામાં આવે છે તે નીતિ પ્રમાણે આપવામાં આવે. સરકારે લોકસભાના ધોરણે મહિને રૂ.10 હજારથી રૂ.20 હજાર પ્રમાણે પેન્શન આપવું જોઈએ. લોકસભાના પૂર્વ સભ્યને 1991થી પેન્શન આપવામાં આવી રહ્યું છે તો ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને કેમ નહીં ? આ માટે વર્ષે રૂ.10થી 20 કરોડનો બોજ વર્ષે પડે છે.

તો રાજાઓના સાલીયાણા કેમ બંધ કર્યા

જો પૂર્વ રાજાઓના સાલીયાણા બંધ થઈ શકતાં હોય તો પછી પૂર્વ ધારાસભ્યોને કઈ રીતે પેન્શન આપી શકાય ? એવો પ્રશ્ન વારંવાર પૂછવામાં આવી રહ્યો છે. નેશનલ કાઉન્સિલના રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય વાલજીભાઇ દનીચાએ પેન્શન તથા અન્ય સવલતો અન્ય રાજયોની જેમ ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને મળે તે માટે પહેલી માંગણી કરી ત્યારે પણ આ જ સવાલ સામે આવ્યો હતો. કે સરદાર પટેલે જેમના માટે સાલીયાણા આપવાનું વચન આપ્યું હતું તે બંધ કરી દેવામાં આવ્યું હતું.

1997થી પેન્શનની માંગણી

1997માં કાઉન્સિલની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીની ભૂતપૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવાની માંગણી હંમેશ થતી રહી છે. તેનો ગુજરાતના લોકો વિરોધ કરતાં આવ્યા છે.

શંકરલાલ ગુરુએ પેન્શનને ધારાસભ્યનો હક્ક તરીકે ગણ્યો હતો. પ્રથમ વિધાનસભામાં નડિયાદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર દેસાઈ ધારાસભ્યપદ મટી ગયા પછી કાઉન્સિલના સભ્ય બન્યા હતા અને તેઓ નિવૃત્તિ વેતનની વિરૂદ્ધમાં હતા. એમણે તો તેના વિરોધમાં અમદાવાદના સાબરમતી આશ્રમમાં બે વાર જાહેર ઉપવાસ કર્યા હતા. પેન્શન માંગનાર અને તેના વિરોધ કરનારા એક જ પક્ષના હતા. જે પક્ષ ભાઈકાકાનો સ્વતંત્ર પક્ષ હતો. હવે તો ભાજપ, કોંગ્રેસ અને બીજા પક્ષના ધારાસભ્યો નિવૃત્તિ વેતન માટે માંગણી કરી રહ્યા છે.

ભ્રષ્ટાચારથી નાણાં મેળવેલા હોય તેમની સામે મૌન

આઝાદી સમય પછી 5 વિધાનસભા સ્વચ્છ ધારાસભ્યોની રહી ત્યાર પછી ભ્રષ્ટ ધારાસભ્યોની વિધાનસભા બનતી રહી છે. પાંચ વર્ષ ધારાસભ્ય રહે એટલે જીવનભાર, પેઢી દર પેઢી ચાલે એટલું ધન કમાઈ લે એટલો ભ્રષ્ટાચાર કેટલાંક ધારાસભ્યો કરે છે. બીજી ચૂંટણીમાં ઊભા રહે ત્યારે આગળના વર્ષ કરતાં બે ગણી મિલકત જાહેર કરે છે. પણ કાળા નાણાની મિલકતો તેના કરતાં 100 ગણી વધી હોય છે તે ઘણાં જાહેર કરતાં નથી. જો પૂર્વ ધારાસભ્ય કાઉન્સીલે પહેલી માંગણી કરી હોત તો જે ભ્રષ્ટાચાર કરીને પૂર્વ ધારાસભ્ય બન્યા છે તેમની મિલકતની તથા તેમની સામે ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે અને તેમની પાસેથી જે નાણાં મળે તેનું પેન્શન આપવામાં આવે, તો ગુજરાતના લોકો બાબુભાઈ શાહ અને જયનારાયણ વ્યાસની માંગણી સ્વીકાર કરત. પણ આવી માંગણી તો ક્યારેય થઈ નથી. એવો એક મત નાગરિકો વ્યક્ત કરી રહ્યાં છે.

મહેન્દ્ર મશરૂ

જૂનાગઢની  બેઠક પ્રારંભે અપક્ષ પાછળથી ભારતીય જનતા પક્ષની બેઠક પર ચૂંટાઈ આવ્યા પગાર માટે  દર મહિને માત્ર એક રૂપિયો લેતા આવ્યા હતા. તેઓ પગારનો વિરોધ કરતાં રહ્યાં હતા. સાથે તેમણે પેન્શન ન લેવાનું પણ નક્કી કર્યું છે.

શંકરલાલ ગુરૂ

‘ગુજરાત એક્સ એમ.એલ.એ કાઉન્સિલ’ની 1997માં સ્થાપના થઈ ત્યારથી આજીવન અધ્યક્ષ તરીકે શંકરલાલ ગુરુ – શંકરભાઈ મોહનલાલ પટેલ – રહ્યાં હતા. રાજકીય અને સહકારી ક્ષેત્રમાં રહ્યા હતા. સ્વતંત્ર પક્ષના ઊંઝા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા.

બીજી માંગણી

પૂર્વ ધારાસભ્યોએ મફત દવાની માંગણી, 20 હજાર કિમીની રેલ્વેની મફત મુસાફરી, એસ ટીમાં મફત મુસાફરી જેવા માંગણી તો છે જ.

400 પૂર્વ ધારાસભ્યો વર્ષે રૂ.20 કરોડનું આજીવન નિવૃત્તિ વેતન માંગી છે, પણ લોકો નહીં આપવા દે