આદિજાતિ વિસ્તારના ૧ર ગામોમાં પાઇપલાઇનથી ર૬ તળાવો ભરવા રૂ.૭૩.ર૭ કરોડની યોજના

ગાંધીનગર, 25 જૂલાઈ 2020
ગુજરાત સરકારે મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરસડીથી કડાણા ઉત્તર ભાગ લિફટ ઇરીગેશન સ્કીમ અને કડાણા તાલુકાના ગામ તળાવોને પાઇપલાઇનથી લીંક કરી સિંચાઇ પાણી આપવા માટે ૭૩ કરોડ ર૭ લાખ રૂપિયાની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
યોજનાકીય મંજૂરીને પરિણામે કડાણા તાલુકાના ૧ર જેટલા આદિજાતિ ગામોના ર૬ તળાવોને ઉદવહન પાઇપલાઇન યોજનાથી કડાણા જળાશયના પાણીથી ભરીને ૧૬૦૦ હેકટર જમીનને સિંચાઇ લાભ અપાશે.
કડાણા જળાશયની પાછળના ભાગમાં ઊંચાઇએ આવેલા કડાણા તાલુકાના આ ગામોના આદિજાતિ ધરતીપુત્રો લાંબાગાળાથી સિંચાઇ સુવિધાથી વંચિત રહેલા છે.
આ વિસ્તાર ડુંગરાળ હોવાને કારણે વરસાદી પાણી વહી જાય છે તેમજ ચેકડેમ પણ વિષમ ભૌગોલિક પરિસ્થિતીને કારણે થઇ શકતા નથી.

યોજના અંતર્ગત કડાણા તાલુકાના સરસડી ગામ પાસે કડાણા જળાશયમાં ઇન્ટેકવેલ દ્વારા ૩૮.૬ર કિ.મીટરની પાઇપલાઇનથી રવિ ઋતુમાં પાક લઇ શકશે. એટલું જ નહિ, જે ર૬ તળાવો કડાણાના પાણીથી ભરાશે તેના પરિણામે આસપાસના વિસ્તારોના ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવતાં ખેતીવાડી-પાકની તકો પણ વ્યાપક થશે.