નળ સરોવરના પક્ષીવિદ અને નાવિક ગની સમા

ગની સમાની નજર સ્થળાંતર કરનારા તે પક્ષીઓ પર છે, જેઓ ગુજરાતના વિરમગામ નજીક તેમના ઘરની નજીકના આ મોટા તળાવ પર રોકાણ કરે છે
લેખક – જીસાન ત્રીરમીઝી
ફોટો – જીસ્માન તીરમીઝી
તંત્રી – પરી ડેસ્ક
અનુવાદ – ફૈઝ મોહમ્મદ

37 વર્ષીય ગની સમા ગુજરાતના નળ સરોવર તળાવ અને પક્ષી અભયારણ્યમાં પ્રકૃતિવાદી અને નાવિક છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આવેલું આ 120 ચોરસ કિલોમીટરનું તળાવ આર્કટિક મહાસાગરથી હિંદ મહાસાગર સુધી મધ્ય એશિયન ફ્લાયવે દ્વારા આવતા ઘણા યાયાવર પક્ષીઓને આકર્ષે છે.

તેઓ કહે છે, “હું પક્ષીઓની 350થી વધુ પ્રજાતિઓને ઓળખી શકું છું.” જેમાં નળ સરોવરમાં આવતા ઘણા યાયાવર પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. “અગાઉ અહીં પક્ષીઓની લગભગ 240 પ્રજાતિઓ જોવા મળતી હતી, હવે આ સંખ્યા 315થી વધુ થઈ ગઈ છે.”

ગનીએ પોતાનું બાળપણ આ તળાવમાં અને તેની આસપાસ વિતાવ્યું હતું. તેઓ કહે છે, “મારા પિતા અને દાદાએ આ પક્ષીઓની સુરક્ષા માટે વન વિભાગને મદદ કરી હતી. તેઓ બન્ને વન વિભાગમાં નાવિકો તરીકે કામ કરતા હતા અને હવે હું પણ તે જ કામને આગળ ધપાવી રહ્યો છું. જ્યારે મેં 1997માં શરૂઆત કરી હતી, ત્યારે ક્યારેક મને કામ મળતું હતું તો ક્યારેક નહોતું પણ મળતું.”

2004માં જ્યારે વન વિભાગે તેમને પક્ષીઓનું પેટ્રોલિંગ અને સુરક્ષા રાખવા માટે બોટમેન તરીકે નોકરીએ રાખ્યા ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ અને “હું હવે દર મહિને લગભગ 19,000 રૂપિયા કમાઉં છું.”

ગુજરાતના નળ સરોવર તળાવ પર છબી લેવા માટે પક્ષીઓની શોધમાં પોતાના કેમેરાના સાધનો સાથે હોડી પર આવેલા ગની

ત્રીજી પેઢીના નાવિક અને ઉત્સુક પક્ષીવિદ ગની નળ સરોવરથી ત્રણ કિલોમીટર દૂર વેકારિયા ગામમાં ઉછર્યા હતા. આ તળાવ પર પ્રવાસન સંબંધિત કામ ગામના લોકોની આવકનો એકમાત્ર સ્રોત છે.

ગનીએ ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો. પરંતુ તેમણે તેમના પરિવારને પૈસાની જરૂર પેદા થઈ હોવાથી સાતમા ધોરણ પછી શાળા છોડી દેવી પડી હતી. તેમને બે ભાઈઓ અને બે બહેનો છે. જ્યારે તેઓ 14 વર્ષના હતા, ત્યારે ગનીએ એક ખાનગી નાવિક તરીકે નળ સરોવરની સફર ખેડવાની શરૂઆત કરી હતી.

તેમણે ઔપચારિક શિક્ષણ છોડી દીધું હોવા છતાં, ગની પ્રથમ નજરમાં જ કોઈપણ પક્ષીને ઓળખી શકે છે અને તેનું નામ આપી શકે છે. શરૂઆતમાં વ્યાવસાયિક કેમેરા ન હોવાને કારણે તેઓ વન્યજીવનના ફોટોગ્રાફ લઈ શક્યા ન હતા. તેઓ કહે છે, “જ્યારે મારી પાસે કેમેરા ન હતો, ત્યારે હું મારો ફોન ટેલિસ્કોપ પર મૂકતો અને પક્ષીઓની તસવીરો લેતો.” આખરે તેમને 2023માં નિકોન કૂલપિક્સ P950 કેમેરા અને દૂરબીન મળ્યું. તેઓ ઉમેરે છે, “આર.જે. પ્રજાપતિ [નાયબ વન સંરક્ષક] અને ડી.એમ. સોલંકી [રેન્જ ફોરેસ્ટ ઓફિસર] એ મને કેમેરા અને દૂરબીન ખરીદવામાં મદદ કરી હતી.”

ગનીએ સંશોધકોને પણ મદદ કરી હતી અને તેનાથી નળ સરોવર ખાતે તેમના યાયાવર પક્ષીઓના ફોટાને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે. તેઓ ઉત્સાહથી કહે છે, “મેં રશિયામાં એક જ માળામાંના બે પક્ષીઓની તસવીરો લીધી હતી, જેને U3 અને U4 તરીકે ટેગ કરવામાં આવ્યા હતા. 2022માં, જ્યારે તે અહીં આવ્યું ત્યારે મને U3 મળ્યું હતું; આ વર્ષે [2023]માં, મને U4 પણ મળ્યું હતું. જ્યારે આને વાઇલ્ડલાઇફ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રશિયન વૈજ્ઞાનિકને મોકલવામાં આવ્યા ત્યારે વૈજ્ઞાનિકે અમને જાણ કરી કે તે પક્ષીઓ એક જ માળામાંથી આવ્યાં છે. બન્ને પક્ષીઓએ નળ સરોવરની મુલાકાત લીધી હતી.”

તેઓ કહે છે કે રશિયન વૈજ્ઞાનિકોએ તેમણે જે દૃશ્યને કંડાર્યું હતું તેની નોંધ લીધી હતી. “મને કુંજ (ગ્રુસ વર્ગો) નામના લગભગ આઠ રીંગવાળા પક્ષીઓ મળ્યા હતા. મેં આ પક્ષીઓની તસવીરો લીધી હતી, જેમને પછી મોકલવામાં આવી હતી અને તેમની નોંધ લેવામાં આવી હતી.”

ગનીએ આબોહવા પરિવર્તનને કારણે નળ સરોવરમાં થઈ રહેલા ફેરફારોના ચશ્મદીદ ગવાહ છે. તેઓ કહે છે, “જૂનમાં ગુજરાતમાં ત્રાટકેલા બિપરજોય ચક્રવાતની અસરોને કારણે, અહીં દરિયાઈ પક્ષીઓની કેટલીક નવી પ્રજાતિઓ જોવા મળી હતી, જેમ કે બદામી વાઘોડમી (એનોસ સ્ટોલિડસ), એક નાની વાબગલી(ઓનીકોપ્રિયન ફુસ્કેટસ), નાનો દરિયાઈ શિકારી (સ્ટેરકોરિયસ પેરાસિટિકસ), અને દરિયાઈ બદામી વાબગલી(ઓનીકોપ્રિયન એનેથેટસ).”

મધ્ય એશિયન ફ્લાયવે દ્વારા લાલ છાતીવાળો હંસ (બ્રાન્ટા રુફિકોલિસ) આવ્યો છે, જે શિયાળામાં નળ સરોવરમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે. તે છેલ્લા ત્રણ વર્ષથી અહીં આવી રહ્યો છે. તે મંગોલિયા અને કઝાકિસ્તાન જેવા સ્થળોથી અહીં આવે છે. ગની કહે છે, “તે એક પક્ષી છેલ્લા ત્રણ વર્ષથી અહીં આવી રહ્યું છે. તે અહીં સતત આવી રહ્યું છે.” તેઓ કહે છે કે ગંભીર રીતે લુપ્તપ્રાય મળતાવડી ટીટોડી (વેનેલસ ગ્રેગેરિયસ) પણ આ પક્ષી અભયારણ્યની મુલાકાત લે છે.

તેઓ યાદ કરીને કહે છે, “એક [પક્ષીનું] નામ મારા નામ પરથી રાખવામાં આવ્યું છે.” ગની એક સારસની વાત કરી રહ્યા છે. “તે સારસ અત્યારે રશિયામાં છે; તે રશિયા ગયું હતું અને પછી ગુજરાત પરત ફરીને પાછું રશિયા ગયું છે.”

ગની કહે છે, “હું અવારનવાર અખબારોમાં ઘણી તસવીરો આપું છું. તેઓ મારું નામ પ્રકાશિત નથી કરતા. પણ હું મારી લીધેલી તસવીરો જોઈને ખુશ છું.”

અનુવાદક: ફૈઝ મોહંમદ