૪૬૭ ગ્રામીણ મહિલાઓને ૩.૧૭ લાખ માસ્ક તૈયાર કરવાના ઓર્ડર

૧૦૩ સ્વસહાય જૂથની ૪૬૭ મહિલાઓ દ્વારા માસ્ક બનાવવાની કામગીરી શરૂ
……..
૩.૧૭ લાખ માસ્ક તૈયાર કરવાના ઓર્ડર ગ્રામીણ મહિલાઓને મળ્યા
……….
કોરોના મહામારીની લડતમાં રાજયના ૧૦૩ સ્વસહાય જૂથની અંદાજિત ૪૬૭ ગ્રામીણ મહિલાઓ માસ્ક બનાવી રાજયના નાગરિકોને કોરોનાથી સંક્રમિત થતા અટકાવવાની દિશામાં વિશેષ યોગદાન આપી રહી છે. અત્યાર સુધી અંદાજીત રૂપિયા ત્રીસ લાખના માસ્ક બનાવવાનો ઓર્ડર પણ મળ્યો છે તથા ૩,૧૭,૫૦૦ જેટલા માસ્ક બનાવવાના ઓર્ડર પણ મળી ચૂક્યો છે. વિવિધ સરકારી વિભાગો તથા સ્થાનિક કંપનીઓ દ્વારા ગ્રામીણ સ્વસહાય જૂથની મહિલાઓને બહોળા પ્રમાણમાં માસ્કના ઓર્ડર છે.

ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય તથા ગુજરાત સરકારના ગ્રામીણ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. અંતર્ગત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (મિશન મંગલમ) હેઠળની રાજયના અમદાવાદ, અમરેલી, ભાવનગર, કચ્છ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્રારકા, નર્મદા, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, ભરૂચ, બોટાદ, દાહોદ જિલ્લાની સિલાઈ કામની તાલીમ લીધેલ ગ્રામીણ મહિલાઓ દ્વારા માસ્ક બનાવવાની સતત કામગીરી કરવામાં આવી રહી છે.

ગ્રામ વિકાસ કમિશ્રનર મનોજ અગ્રવાલે ગ્રામીણ સ્વસહાય જૂથની મહિલાઓને પ્રોત્સાહન આપતા કહ્યું હતુ કે, મહિલાઓના આ અનોખા પ્રયાસોથી ગુજરાતના નાગરિકોને નજીવી કિંમતે માસ્ક મળી રહેશે તથા મહિલાઓને આજીવિકા પણ પ્રાપ્ત થશે.