1થી 11 ધોરણ સુધી માસ પ્રમોશન આપી દેવાયું

કોર કમિટીએ રાજ્યમાં ધોરણ ૧ થી ૮ અને ૯ તથા ૧૧ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને ઉપલા ધોરણમાં લઇ જવામાં આવશે તેવો નિર્ણય કર્યો છે.

૩૧ માર્ચ-ર૦ર૦ સુધી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલું છે. ટાસ્કફોર્સની બેઠક દરરોજ બપોરે ૧ર વાયે મળશે અને પુરવઠાની સ્થિતીના સમીક્ષા કરશે. જિલ્લાકક્ષાએ જિલ્લા પુરવઠા અધિકારી આ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરશે

શાકભાજી અને ફળફળાદિનો પુરતો જથ્થો મળતો રહે તેવી વ્યવસ્થા ગોઠવાયેલી છે. રાજ્યમાં આજની તારીખે ૬૪ શાકભાજી માર્કેટ કાર્યરત છે તેમજ દૂધ, શાકભાજી, ફળફળાદિ, અનાજ, કરિયાણાના પુરવઠામાં કોઇ જ દુવિધા નથી.

રાજ્યમાં રોજનું અંદાજે પપ લાખ લિટર દૂધ પાઉચનું વિતરણ થાય છે. આ પુરવઠો પણ બેરોકટોક મળતો રહેશે. ગુજરાતમાં ૧૬૦૦ જેટલા અમૂલ પાર્લરમાંથી ૧ હજાર જેટલા પાર્લર ૪ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં કાર્યરત છે. ૬૦૦ જેટલા પાર્લર નાના નગરો-ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે. આ બધા જ પાર્લર ચાલુ છે અને દૂધનો સપ્લાય ત્યાં ઉપલબ્ધ રહેશે.

વિભાગના સચિવ કામની અગત્યતા અનુસાર ન્યૂનત્તમ કર્મચારીઓ-સ્કેલેટન સ્ટાફ સાથે પોતાની કચેરી ચાલુ રાખવાનો નિર્ણય કરી શકશે.

રાજ્યની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકો, કોલેજોના પ્રાધ્યાપકોએ પણ તા. ૩૧-૩-ર૦ર૦ સુધી શાળા-કોલેજ જવાનું રહેશે નહિ. જિલ્લાની ડી.પી.ઓ. અને ડી.ઇ.ઓ. કચેરીઓ પણ બંધ રહેશે.

કોરોના વાયરસ અંગે આરોગ્ય વિભાગ સંબંધિત વિગતો આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જ્યંતિ રવિ દરરોજ સવારે ૧૦ અને રાત્રે ૮ કલાકે મિડીયાને આપશે.

કાયદો વ્યવસ્થા અને લોકડાઉન અમલીકરણ અંગેની વિગતો પોલીસ મહાનિદેશકશ્રી રોજ બપોરે ૪ કલાકે આપશે.

તેમજ જીવન આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની સ્થિતી અને અન્ય અગત્યના નિર્ણયોની માહિતી દરરોજ બપોરે ર વાગ્યે માહિતી સચિવશ્રી અને અન્ન નાગરિક પુરવઠા સચિવશ્રી મિડીયાને આપશે.

રાજ્યમાં સર્જાયેલી આ કોરોના વાયરસની સ્થિતીની રોજબરોજની વિગતો, મહત્વના નિર્ણયો તથા સર્વગ્રાહી સમીક્ષા માટે કોર કમિટીની રચના પણ કરી છે.
નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય રાજ્યમંત્રી તેમજ મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ સચિવોની આ કોર કમિટીની બેઠક રોજ સાંજે પાંચ કલાકે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળશે.