ગુજરાતના હિજરતી આદિવાસી મજૂરો બીડીના જંગલી પત્તા એકઠા કરીને ગુજરાન ચલાવે છે

લુણાવાડા, 26 મે 2020

ગુજરાતના મહિસાગર જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલા કડાણા અને સંતરામપુર તાલુકામાં વસતા આદિવાસી લોકો વતનથી બહાર દૂર દૂર સુધી ગુજરાતના ખૂણે ખૂણે જઇને મજૂરી કરી ઘર ચલાવે છે. કોરોનાવાયરસથી લોકડાઉન થતાં આદિવાસી મજૂરોએ રોજગારી ગુમવી દીધી છે. હીજરત કરીને 50 લાખ આદિવાસીઓ વતન આવી ગયા છે. તેમાંથી ઘણાં લોકો હવે, બીડી બનાવવા વપરાતા પાન જંગલોમાંથી એકઠા કરીને રોજગારી મેળવી રહ્યાં છે.

ડુંગરાળ અને ગાઢ જંગલોના આદિવાસી વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી કઠિન પરિસ્થિતિમાં આદિવાસી પરિવારો માટે ખુશાલી લઈને આવી છે.

આદિવાસી લોકો વરસાદ આધારીત ખેતી અને જંગલોમાં થતી ગૌણ વનપેદાશો ને વેચીને જીવન નિર્વાહ કરે છે. મહિસાગર જિલ્લાના જંગલોમાં ટીમરૂ પાનની સીઝન પુર બહાર ખિલી છે. ટીમરૂ પાન એકત્રિત કરી પોતાની રોજીરોટી કમાઇ જીવન ચલાવતા ઘણા આદિવાસી પરિવારો મોટા પ્રમાણમાં જોવા મળે છે.
કોરોના સંકટમાં ટીમરૂ પાનનો વ્યવસાય જીવનનિર્વાહ માટે આશીર્વાદ રૂપ પુરવાર થયો છે.

સવારે વહેલા ઊઠીને જંગલમાં જઈને ઝાડ ઉપર ચઢીને ટીમરૂના પાન તોડી ભેગા કરી તેને ઘરે લાવી આખો દિવસ એક પાન પર બીજું પાન ગોઠવી ૫૦ પાનની ઝુડી બનાવવામાં આવે છે. બનાવેલ ઝુડી સાંજે ગામમાં ફાળવાયેલ ફળમુન્શી પાસે વેચવા જાય છે. રોકડા નાણાં ચૂકવી આપે છે.

ગત વર્ષ ટીમરૂ પાનના ૧૦૦ પુળાનો ભાવ રૂપિયા ૯૦ જેટલો હતો. આ વર્ષે ભાવમાં રૂપિયા ૨૦ નો વધારો થયો છે. ચાલુ વર્ષે ૧૦૦ પુળાનો ભાવ ૧૧૦ રૂપિયા છે.

એક વ્યક્તિ દિવસમાં ૨૦૦ થી ૨૫૦ જેટલી ઝુડી બાંધે છે. ૨૦૦થી ૩૦૦ રૂપિયા જેટલી રોજગારી મેળવી રહ્યા છે. મોટું કુટુંબ હોય તો કુટુંબની દિવસની આવક ૨૦૦૦થી ૩૦૦૦ રૂપિયા જેટલી થાય છે. ટીમરુ પાનની આવક ખેતી માટે બિયારણ, ખાતર લાવવા માટે ખર્ચે છે.

ઉનાળા દરમિયાન આદિવાસી વિસ્તારોમાં લગ્નની સિઝન હોય છે. જેથી લગ્નના ખર્ચ પણ નીકળી જાય છે. હાલ લોકડાઉન હોવાથી લગ્ન પ્રસંગ નથી.

ટીમરૂના પાન બીડી બનાવવાનાં ગૃહ ઉદ્યોગમાં વપરાય છે. સારી જાતના ટીમરૂ પાનની દેશભરમાં માંગ રહે છે. વન વિકાસ નિગમ દ્વારા ખરીદી કરવામાં આવે છે.

ટીમરુ પાનને જમીન પર પાથરી સૂકવવામાં આવે છે. તાંબા જેવો રંગ મળ્યા પછી તેને પેક કરી માંગ હોય ત્યાં પહોંચતા કરવામાં આવે છે.

મહિસાગર જિલ્લાના આદિવાસી વિસ્તારોની ૬૬ ગ્રામ પંચાયતોના ૧૪૦ ગામોમાં આદિવાસીઓ વસે છે. તેઓ ટીમરૂ પાનના વ્યવસાય થકી રૂપિયા ૩.૨૫ કરોડની આવક લોકડાઉનમાં કરી રહ્યાં છે.