કોરોનાના કારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય જળવાઈ રહે તે માટે ભારત સરકારે કેટલીક માર્ગદર્શિકાઓ નક્કી કરીને દેશના તમામ રાજ્યોને પહોંચાડી છે, ગુજરાત માટે આનંદ અને ગૌરવનો વિષય એ છે કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આજથી ત્રણ અઠવાડીયા પહેલા આ કામગીરી શરુ કરી દીધી છે જે આજે સફળતાપૂર્વક સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે. તેમ શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું.
તેનો મતલબ કે શિક્ષણની કામગીરી શરૂ કરવામાં મોદી એક અઠવાડિયું પાછળ છે. આમ રૂપાણી સરકારએ એવું જાહેર કર્યું કે તેઓ મોદી સરકારથી એક ડગલું આગળ છે.
પ્રાથમિક શિક્ષણમાં ધો. ૩ થી ૯ ના અંદાજે ૨૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ સુધી સોશિયલ મીડિયા, માઈક્રોસોફ્ટના માધ્યમથી વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને શૈક્ષણિક સામગ્રી પહોંચાડવામાં આવી છે. વિદ્યાર્થીઓ ઘરે બેઠા જ આ શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનો શૈક્ષણિક અભ્યાસ ચાલુ રહેતા આગામી શૈક્ષણિક વર્ષમાં આગળના ધોરણમાં વિદ્યાર્થીઓને ખૂબ જ સરળતા રહેશે.
૪૦% થી મહતમ ૮૦% સુધીના વિસ્તારોમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી પહોંચાડવામાં આવી છે. સ્ટડી ફ્રોમ હોમ, વર્ચ્યુઅલ ક્લાસરૂમ, પાઠ્યપુસ્તકોનું વિતરણ ઉપરાંત ધો. ૧૦ અને ૧૨ ના ઉતરવહીઓના મૂલ્યાંકનની કામગીરીનો સમાવેશ થાય છે.
શિક્ષણ મંત્રી એ જણાવ્યું હતું કે ધો ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ પણ ગુજરાતમાં ખુબ સફળતાપૂર્વક આ વિપરીત પરિસ્થિતિમાં પૂર્ણ કરી શકાઈ છે એટલું જ નહિ પરંતુ ૧૬મી એપ્રિલથી ધો ૧૦ અને ૧૨ ની ઉતરવહીઓનું મૂલ્યાંકન પણ શરુ થઇ ગયું છે. આજ સુધીમાં મળેલી માહિતી મુજબ ૨૦૮ કેન્દ્રો પર ૧૨૩૧૦ શિક્ષકો દ્વારા ૧૮૭૦૦૦ ઉતરવહીઓને તપાસવાની કામગીરી પૂર્ણ થઇ ગયેલી છે.
સ્ટડી ફ્રોમ હોમ અંતર્ગત રાજ્યના ધો ૩ થી ૯ ના રાજ્યના ૨૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી, અંગ્રેજી, ગણિત વિષયનું વીકલી લર્નિંગ મટીરીયલ પહોચાડવામાં આવે છે. બીઆરસી સીઆરસી કો ઓ. દ્વારા રાજ્યની તમામ શાળાઓના શિક્ષકોને દર શનિવારે વોટ્સ એપ અને ઈ મેઈલના માધ્યમથી સાહિત્યનું વિસ્તરણ કરવામાં આવે છે. શિક્ષકો દ્વારા વાલીઓને આ સાહિત્ય મોકલવામાં આવે છે. શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓ સાથે દૈનિક વોટ્સ એપના માધ્યમથી અનુકાર્ય કરવામાં આવે છે.
વર્ચુઅલ ક્લાસરૂમ અંતર્ગત સમગ્ર શિક્ષાના માર્ગદર્શન દ્વારા કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટરના માધ્યમથી માઈક્રોસોફ્ટ ટીમ્સ પ્લેટફોર્મ દ્વારા ધો ૫ થી ૧૨ ના વિદ્યાર્થીઓને ઘરે બેઠા શિક્ષણનું આયોજન કરાયું છે. વર્ચુઅલ ક્લાસરૂમથી શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને શાળાના વર્ગની માફક જ ઘરે બેઠા જ અભ્યાસ કરાવી શકે છે. ઉપરાંત શિક્ષક વિદ્યાર્થીઓને ઈ કન્ટેન્ટ દર્શાવી અધ્યાપન પણ કરાવી શકે છે તેમજ વિદ્યાર્થીઓ પ્રશ્નોત્તરી કરી શકે છે. શિક્ષક મૂલ્યાંકન પણ કરી શકે છે.
ગુજરાતી
English




