મમ્મીઓ માટે ચેતવણી – તમારા બાળકની નેપી-લંગોટ ગંદા ઝેરી રસાયણોથી ભરેલી છે! છીં.

નવી દિલ્હી, સપ્ટેમ્બર, 2020

જો આપ કોઈ નાના ભૂલકા કે હમણાં જ ચાલતા શીખેલા નાના બાળકના પ્રેમાળ અને સમજદાર માતાપિતા છો તો આ બાબત આપના માટે ચોક્કસ અગત્યની છે. “ટોક્સિકસ લિંક” નામની દિલ્હી સ્થિત સંશોધન સંસ્થા દ્વારા પ્રકાશિત અભ્યાસ અહેવાલ, ”What’s in the Diaper: Presence of Phthalates in Baby Diapers” માં ભારતીય બજારમાં ઉપલબ્ધ ડિસ્પોઝેબલ બેબી નેપ્પીઝમાં મળી રહેલી ઝેરી ફેટેલેટ્સ એટલે કે રસાયણો અંગે ચિંતા વ્યક્ત કરાઈ છે. ફેટેલેટ્સ એ અંતસ્ત્રાવોમાં વિક્ષેપ પાડતા રસાયણો (endocrine disrupting chemicals) છે જે ટૂંકમાં EDC તરીકે ઓળખાય છે અને તેના સંપર્કમાં આવવાથી શરીરમાં આરોગ્યના ગંભીર પ્રશ્નો ઉભા થાય છે.

“આ અભ્યાસમાં બેબી ડાયપરમાં 2.36 ppm થી 302.25 ppm સુધીની વધારે માત્રામાં ફેટેલેટેસ (phatalates) મળ્યાં છે. ડી.ઈ.એચ.પી (DEHP) એ સૌથી વધુ ઝેરી ફેટેલેટ્સ છે અને તે બાળકોના ઘણા ઉત્પાદનોમાં પ્રતિબંધિત છે. પરંતુ અભ્યાસ માટેના પરીક્ષણના નમૂનાઓમાં તેનું પ્રમાણ 2.36 ppm થી 264.94 પીપીએમની વચ્ચે મળી આવ્યું હતું,” આ માહિતી ટોક્સિકસ લિંકના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર અલ્કા દુબેએ આપી હતી. અભ્યાસ માટે દિલ્હીના સ્થાનિક બજારો અને કેમિસ્ટની દુકાનોમાંથી 20 ડાયપર નમૂના તરીકે રેન્ડમ રીતે એકત્રિત કરવામાં આવ્યા હતા; કેટલાક ડાયપરના નમૂના જાણીતા ઇ-કોમર્સે પ્લેટફોર્મ પરથી ઓનલાઈન ખરીદવામાં આવ્યા હતા. આ બધા નમૂનાઓની તપાસ NABL(National Accreditation Board for Testing and Calibration Laboratories) માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળા સ્પેક્ટ્રો એનાલિટિકલ લેબ. લિ. ઓખલા, નવી દિલ્હીમાં કરાવવામાં આવી હતી.

“સામાન્ય રીતે ફેટેલેટ્સ એ બિન સહસંયોજક બંધનરૂપે ડાયપરમાં વપરાતા પોલિમર સાથે બંધાયેલા હોય છે; તેઓ સરળતાથી ડાયપરથી મુક્ત થાય છે. ડાયપર ઘણા મહિનાઓ કે વર્ષો સુધી શિશુઓ/ભૂલકાઓના બાહ્ય જનનાંગો સાથે સીધા સંપર્કમાં રહે છે, તેથી સંભાવના છે કે ફેટેલેટ્સ ત્વચીય શોષણ દ્વારા બાળકોના શરીરમાં પ્રવેશી શકે અને બાળકો પર આરોગ્યની પ્રતિકૂળ અસર પેદા કરી શકે. ફેટેલેટ્સ અંતરસ્ત્રાવી વિક્ષેપકારક રસાયણો તરીકે ઓળખાય છે જે અંતરસ્ત્રાવી પ્રણાલીને સીધી અસર કરે છે અને તે ડાયાબિટીઝ, હાયપરટેન્શન, મેદસ્વીતા અને પ્રજનન વિકાર જેવી અનેક બિમારીઓનું કારણ બની શકે છે. ડાયપરથી ફટેલેટ્સના ત્વચીય શોષણની પુષ્ટિ કરતા વૈજ્ઞાનિક અભ્યાસો પણ છે.”એવું ટોક્સિક્સ લિંકના એસોસિએટ ડિરેક્ટર સતીષ સિંહાએ જણાવ્યું હતું. વધુમાં, તેમણે ચેતવણી આપી કે આ રસાયણો ઘરમાંથી મ્યુનિસિપલ કચરાના પ્રવાહમાં ભળીને બહારના વાતાવરણમાં પહોચી શકે છે અને પર્યાવરણમાં પણ ગંભીર પડકારો પેદા કરી શકે છે, ”

“ભારતમાં આ અંગેનો આ સૌપ્રથમ અભ્યાસ છે. વૈશ્વિક સ્તરે વિવિધ ઉત્પાદનોમાંથી, ખાસ કરીને બાળકોના ઉત્પાદનોમાંથી આ રસાયણો એટલે કે ફેટેલેટ્સને દૂર કરવાના પ્રયાસો શરુ થયા છે. ભારતે બાળકોના વિવિધ ઉત્પાદનોમાં પાંચ સામાન્ય ફેટેલેટ્સ (DEHP, DBP, BBP, DIDP, DNOP અને DINP) માટેનાં પ્રમાણિત ધોરણો પણ નિર્ધારિત કર્યા છે. જોકે, આપણા દેશમાં ‘બેબી ડાયપર’ માટે આ પ્રકારનું કોઈ નિયમન નથી.” એવું જણાવતા ટોક્સિક્સ લિંકના સિનિયર પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પિયુષ મહાપત્રાએ કહ્યું કે વિશ્વના કેટલાક દેશોએ બેબી ડાયપરમાં ફટેલેટ્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.

આ અભ્યાસ સાથે ઉત્પાદનોનું લેબલિંગ પણ એક મોટી ચિંતા તરીકે બહાર આવ્યું છે, કેમ કે પરીક્ષણ કરેલા નમૂનાઓના ઉત્પાદકોમાંથી કોઈએ પણ ડાયપર બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ઘટકો અને રસાયણોની યાદી લેબલ પર સૂચિબદ્ધ કરી નથી. ઉત્પાદકોએ આ મુદ્દાને તપાસવાની જરૂર છે, તેમણે ફેટેલેટ્સને કારણે સ્વાસ્થ્ય પર થતી અસરો તેમજ પર્યાવરણીય ચિંતાઓને ધ્યાનમાં રાખીને ડાયપરમાં ફેટેલેટ્સ ઉમેરવાનું ટાળવું જોઈએ. વધુમાં, સરકારે યોગ્ય નિયમનો બનાવીને ડાયપરને “ફેટેલેટ્સ ફ્રી” બનાવવા માટે કડક પગલા લેવાની જરૂર છે. આ ઉપરાંત, આ ઉત્પાદનોના પેકેજીંગ અને લેબલિંગ માટે યોગ્ય ધારા-ધોરણો લાગુ થાય તે માટે વધુ સખત થવાની જરૂર છે.

અભ્યાસના મુખ્ય તારણો
• અભ્યાસના 40% નમૂનાઓ સ્થાનિક સાપ્તાહિક બજારમાંથી ખરીદવામાં આવ્યા હતા જ્યારે 60% નમૂનાઓ જાણીતી બ્રાન્ડના હતા.
• વર્તમાન અભ્યાસમાં ડીઇએચપી (DEHP), ડીબીપી (DBP), ડીઆઇબીપી (DIBP), બીબીપી(BBP) અને અન્ય ફેટેલેટ્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
• ડીઇએચપી (DEHP), ડીબીપી (DBP), બીબીપી (BPP)ની હાજરી તમામ નમૂનાઓમાં મળી હતી.
• નમૂનાઓમાં ફટેલેટ્સનું સૌથી વધુ પ્રમાણ 302.25ppm જેટલું નોંધાયુ છે.
• સૌથી વધુ ઝેરી ફેટલેટ્સ ગણાતા DEHPનું પ્રમાણ વિશ્લેષિત નમૂનાઓમાં 2.36ppm થી 264.94ppm ની રેન્જમાં જોવા મળ્યું હતું.
• DBP તરીકે ઓળખાતા ફેટલેટ્સનું પ્રમાણ 2.35ppm થી 37.31ppm ની વચ્ચે જોવા મળ્યું હતું. જયારે ડાયપરના નમૂનાઓમાં કુલ ફેટેલેટ્સનું પ્રમાણ 8.2 પી.પી.એમ થી 302.25 પી.પી.એમ. ની વચ્ચે હતું
• BBP ની હાજરી મોટાભાગના નમૂનાઓમાં જોવા મળી નથી અથવા તે ઉત્પાદનમાં તપાસની મર્યાદાથી નીચે હતું એવું કહી શકાય. માત્ર એક નમૂનામાં BBP ની હાજરી 24.224 ppm નોંધાઈ છે.
• DIBP ની હાજરી ત્રણ નમૂનાઓમાં જોવા મળી હતી જે 1.92 ppm થી 12.6 ppm વચ્ચેની રેન્જમાં હતી.