રિલાયન્સ અને ફેસબૂક : મુકેશ અંબાણીની ગપ્પાંબાજી*
– *પ્રો. હેમંતકુમાર શાહ*
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ૯.૯૯ ટકા શેર રૂ. ૪૩,૫૭૪ કરોડમાં ફેસબૂકને વેચવા માટે જે સોદો થયો તે ભારતની આર્થિક ગુલામી તરફનું વધુ એક કદમ છે. આ સંદર્ભમાં કેટલાક મુદ્દા:
(૧) આ સોદા અંગે મુકેશ અંબાણીએ એક ડિજિટલ સંદેશમાં અંતે “જય હિંદ” બોલવા સાથે એમ કહ્યું કે આ સોદો ભારતના ડિજિટલ અર્થતંત્રને શક્તિમાન, સુલભ અને સમૃદ્ધ (empower, enable and enrich) બનાવશે. જો કે તેમણે એ નથી કહ્યું કે આ કેવી રીતે થશે!
(૨) અંબાણીએ એમ પણ કહ્યું કે તેથી દેશના કરિયાણાના ત્રણ કરોડ નાના દુકાનદારો તેમના ગ્રાહકોને ઘેર બેઠા વસ્તુઓ મોકલી શકશે. કારણ કે ગ્રાહકો વોટ્સ એપ પર દુકાનદારોને ઓર્ડર આપી શકશે. અરે મુકેશભાઈ, આ કામ અત્યારે પણ થાય છે જ. એમાં નવું શું થયું એ તો કહો?
(૩) તેમણે દાવો કર્યો કે તેથી કરિયાણાના દુકાનદારોનો ધંધો વધશે અને રોજગારી વધશે. આશ્ચર્યજનક દાવો છે આ. કોઈ પણ જાતના આંકડા વિનાનો. કેવી રીતે આ થશે એનો તો જરા ફોડ પાડો. અને હા, પહેલાં એ કહો કે રિલાયન્સના મોલ અને રિલાયન્સ ફ્રેશને લીધે નાના દુકાનદારોને જે નુકસાન થયું છે એનો કોઈ આંકડો તમારી પાસે છે ખરો? એ નુકસાન બંધ કરવાની તમારી કોઈ ઈચ્છા છે ખરી? કરિયાણાના ત્રણ કરોડ નાના દુકાનદારોનું નામ લઈને તમે એમની ચિંતા કરો છો એવું જતાવવાની કોઈ જરૂર તમે શા માટે અનુભવો છો?
તમારે ફેસબૂક સાથે લગન કરવાં હોય તો કરો ને, એમાં નાના દુકાનદારો પ્રત્યે સહાનુભૂતિ બતાવવાની ક્યાં જરૂર છે? આ તો ‘મુખમેં રામ બગલમેં છૂરી’ જેવો ઘાટ છે!
(૪) બધા જ નિષ્ણાતો અને આર્થિક પત્રકારો એમ કહી રહ્યા છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું દેવું બહુ વધી ગયું છે અને એ ભરપાઈ કરવા માટે આ સોદો થયો છે. જરા એને વિશે બોલો ને!
(૫) આધુનિક અર્થશાસ્ત્રના પિતા ગણાતા મહાન અંગ્રેજ અર્થશાસ્ત્રી એડમ સ્મિથ તેમના ૧૭૭૬માં લખાયેલા ‘વેલ્થ ઓફ નેશન્સ’ પુસ્તકના પ્રકરણ-૧૦માં લખે છે: “એક જ ચીજનો વેપાર કરનારા લોકો ભાગ્યે જ ભેગા મળે છે, આનંદપ્રમોદ કે બીજા કશા માટે પણ ભાગ્યે જ, પણ તેઓ મળે અને વાત કરે તો તે લોકો સામેના કાવતરામાં પરિણમે છે.” હે ભારતના લોકો, હવે કાવતરાનો ભોગ બનવા તૈયાર રહો.
(૬) ગયા ઓગસ્ટ મહિનામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ૨૦ ટકા શેર રૂ,૧.૧૫ લાખ કરોડમાં સાઉદી અરેબિયાની આરામકો કંપનીને વેચવા માટેની વાત થઈ હતી. હજુ એ સોદો પાકો નથી થયો. પણ થશે. દુનિયાભરમાં વહાબી ઇસ્લામ એટલે કે ધર્મઝનૂની ઇસ્લામ ફેલાવવામાં સાઉદી અરેબિયાનો ફાળો સૌ કોઈ જાણે છે. તો પછી ભારતની દેશભક્ત સરકાર અને તેના દેશભક્ત સમર્થકોએ આ સોદા સામે કેમ એકદમ મોં સીવી લીધું છે?
(૭) આમ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ૨૯.૯ ટકા શેર બે વિદેશી કંપની પાસે જતા રહેશે. યાદ રહે કે, ૧૯૭૩માં ધીરુભાઈ અંબાણી દ્વારા સ્થપાયેલી આ કંપનીના શેર તેઓ ૨૦૦૨ સુધી જીવતા હતા ત્યાં સુધી આ રીતે વિદેશી કંપનીને સીધેસીધા વેચવામાં આવ્યા નહોતા. ધીરુભાઈ હયાત હોત તો શું તેઓ આવા સોદા કરત ખરા? મુકેશ અંબાણી ગુજરાતી છે અને વડા પ્રધાન પણ ગુજરાતી છે ત્યારે આ સોદા થઈ રહ્યા છે! કોરોના વાયરસના જમાનામાં ચીની કંપનીઓ ભારતમાં પગદંડો ના જમાવે તે માટે પગલાં લેવાય તો બીજી વિદેશી કંપની આવે. ફરક શો છે?
(૮) ફેસબૂક સાથેના સોદાની જાહેરાત થયા પછી ગઈ કાલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં ૧૦.૩ ટકાનો વધારો થયો હતો. શેર બજારમાં રોકાણ કરનારા માત્ર લાભ જુએ તે આનું નામ.
(૯) તા. ૩૧-૧૨-૨૦૧૭ના રોજ ભારતમાં ૪૬૩૫ વિદેશી કંપનીઓ છે! કોંગ્રેસ હોય કે ભાજપ, બંનેએ વિદેશી કંપનીઓને ૧૯૯૧ પછી લગભગ બેફામપણે આવકારી છે. વિશ્વગુરુ બનવા થનગનતું અને ધમપછાડા કરતું ભારત વિદેશી કંપનીઓના હાથમાં વધુ ને વધુ સરકી રહ્યું છે! હા, ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરીએ તિરંગાને સલામી મારવાનું ભૂલશો નહિ! બોલો, ભારત માતાકી જય! વંદે માતરમ્! જય હિંદ!