મુખ્ય પ્રધાનના કારણે ગુજરાત કોરોનાના ભરડામાં હવે શાળા બંધ રખાવે છે

ગાંધીનગર, 19 માર્ચ 2021

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધતા જતા કોરોના સંક્રમણ સંદર્ભમાં રાજ્યના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને ભવિષ્યની ચિંતા કરીને ઉચ્ચસ્તરીય બેઠકમાં શિક્ષણ જગતને સ્પર્શતા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. મુખ્ય પ્રધાનની બેકાળજીના કારણે સમગ્ર ગુજરાત કોરોનાના ભરડામાં ફરીથી આવી ગયું છે. મુખ્ય પ્રધાને સ્થાનિક ચૂંટણીમાં રાજકીય નેતાઓને ભીડ ભેગી કરવા દીધી. અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમમાં 1 લાખ લોકોને ભેગા થવા દીધી. આ બે ભૂલના કારણે ગુજરાતના ઉદ્યોગ ધંધા અને નોકરીઓ ગુમાવવી પડી છે. તેના માટે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જવાબદાર છે.

રાજ્યમાં કોરોનાની સ્થિતી ધ્યાનમાં રાખી તકેદારીના પગલાં રૂપે આઠ મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં તમામ પ્રાથમિક( ધો- 1-8), માધ્યમિક (ધો- 9-10) અને ઉચ્ચત્તર માધ્યમિક (ધો- 11-12) શાળાઓમાં 19મી માર્ચ-2021-શુક્રવારથી પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ કરવામાં આવશે.

મહાનગરપાલિકા વિસ્તારની શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ-હોમલર્નીંગ અપાશે તેમજ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પ્રથમ પરીક્ષા ઓનલાઇન લેવામાં આવશે.

આઠ મહાનગરોમાં ઓફલાઇન શિક્ષણ તા.10 એપ્રિલ-2021 સુધી બંધ રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાથમિક શાળાઓમાં હાલના સમયપત્રક મુજબ ઓનલાઇન પરીક્ષા લેવામાં આવશે.

મહાનગરપાલીકા સિવાયના અન્ય તમામ વિસ્તારોમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં સ્વૈચ્છિક રીતે જે વિદ્યાર્થીઓ આવશે તેમના માટે પ્રત્યક્ષ શિક્ષણકાર્ય ચાલુ રહેશે.

પ્રથમ પરીક્ષા તેના નિયત કાર્યક્રમ મુજબ તા.૧૯ માર્ચથી તા.ર૭ માર્ચ દરમ્યાન ઓફલાઇન પદ્ધતિએ લેવામાં આવશે. હાલમાં ચાલતું ઓનલાઇન-હોમલર્નીંગ શિક્ષણ ચાલુ રખાશે.

મહાનગરપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તારોની પ્રાથમિક શાળાઓમાં હાલની પદ્ધતિ મુજબ અને સમયપત્રક મુજબ ઓનલાઇન/ઓફલાઇન પરીક્ષા લેવામાં આવશે તેમજ સ્વૈચ્છિક રીતે ઉપસ્થિત થનાર વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ શિક્ષણની હાલની વ્યવસ્થા યથાવત રહેશે તેવો નિર્ણય પણ આ બેઠકમાં લેવાયો છે.

૧૯ માર્ચ-ર૦ર૧ શુક્રવારથી તા.૧૦ એપ્રિલ સુધી નિર્ધારીત સ્નાતક-ગ્રેજ્યુએટ કક્ષાની ઓફલાઇન પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષાઓ અંગે નવેસરથી સમયપત્રક યુનિવર્સિટીઓ જાહેર કરશે.

તા.૧૦ એપ્રિલ સુધી તમામ શિક્ષણ ઓનલાઇન અપાશે. યુનિવર્સિટીની હોસ્ટેલ ચાલુ રહેશે અને વિદ્યાર્થીઓ તેમના હોસ્ટેલ રૂમમાં રહીને શિક્ષણ મેળવી શકશે.

રાજ્યની યુનિવર્સિટીઓમાં અનુસ્નાતક-પોસ્ટ ગ્રેજ્યુએટ પરીક્ષાઓ, ઓફલાઇન કલાસીસ તથા પી.જી.ના તમામ પ્રેકટીકલ ચાલુ રહેશે.

રાજ્યની તમામ જાહેર અને ખાનગી યુનિવર્સિટીઓ માટે લાગુ પડશે.