ગાંધીનગર,
કોરોનાની સ્થિતીમાં લોકડાઉન ખુલી ગયા પછી હવે ફરીથી ગુજરાત ભાજપના નવા સંગઠનને લઇને ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે, સાથે જ રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી પક્ષપલટો કરનારા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળશે કે નહીં તેના પર પણ સૌ કોઇની નજર છે ?
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની ટર્મ પુરી થઇ રહી છે, તેમના સ્થાને હવે નવા પ્રદેશ પ્રમુખના નામ પર ભાજપ હાઇકમાન્ડ વિચાર કરી રહ્યું છે, સાથે જ સંગઠનમાં પણ મોટાપાયે ફેરફાર કરવામાં આવશે.
છેલ્લા ઘણા સમયથી ભાજપમાં જૂથવાદ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે ભાજપ હાઇકમાન્ડે આગામી ચૂંટણીઓને જોતા ગુજરાતમાં મજબૂત સંગઠન બનાવવા પર ધ્યાન કેન્દ્રીય કર્યું છે.
નવા સંગઠનને લઇને ભાજપની એક બેઠક છે, જેમાં પાર્ટીના પદાધિકારીઓ અને સિનિયર મંત્રીઓને હાજર રહેવા જણાવી દેવાયું છે. શક્યતા છે કે રાજ્યસભાની 19 જૂને ચૂંટણી યોજાવાની છે, તેના પહેલા જ નવા સંગઠનને લઇને કોઇ મહત્વની જાહેરાત કરાઇ શકે છે.
બેઠકમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, સીએમ વિજય રૂપાણી, ડે.સીએમ નીતિન પટેલ સહિત ભાજપના સંગઠનના અગ્રણીઓ અને સિનિયર મંત્રીઓ હાજર રહેશે, ખાસ કરીને સૌ કોઇની નજર ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામ પર છે, અગાઉ પૂર્વ મંત્રી શંકર ચૌધરી,પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનાના નામો પર ચર્ચા હતી, જો કે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે ?