દિલીપ પટેલ, 5 જૂન 2022
કૃષિ વિભાગે ઉનાળુ વાવેતરના આખરી અહેવાલ જાહેર કર્યો છે. જેમાં રાજ્યની 1.10 કરોડ હેક્ટર જમીનમાંથી ઉનાળામાં 11.25 લાખ હેક્ટરમાં આખરી વાવેતર જાહેર કર્યું છે. જેમાં નર્મદા, કુવા, તળાવ, બીજા બંધો અને બોર દ્વારા થતી સિંચાઇ આવી જાય છે.
ઉનાળામાં નર્મદા નહેર દ્વારા સિંચાઇ કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. તેથી ખરેખર જ્યારે નર્મદા નહેરથી સિંચાઇ થવી જોઈએ ત્યારે થઈ શકી નથી. આવું નર્મદા બંધ બન્યો ત્યારથી ચાલતું આવે છે. ઉનાળા પહેલા સરકાર તળાવો અને નદીઓમાં પાણી છોડીને નર્મદાનું પાણી વેડફી નાંખે છે. તેથી ઉનાળીમાં નર્મદાની સિંચાઇ થઈ શકતી નથી.
નર્મદા નહેરથી ઉનાળામાં 18 લાખ હેક્ટરમાં સિંચાઇ થવી જોઈતી હતી. પણ હાલ માત્ર 1 લાખ હેક્ટર વિસ્તારમાં નર્મદાના પાણીથી સિંચાઇ થઈ હોવાનું ઉદારતાથી માની શકાય.
નર્મદા બંધથી ઉનાળા અને શિયાળામાં સિંચાઇ થાય તો જ તેનો મતલબ છે. ચોમાસામાં તો બધે વરસાદ હોય છે. તેથી નર્મદા નહેરનો ચોમાસામાં ઓછો ફાયદો રહે છે. નર્મદા નહેરનું ખરું ઉત્પાદન તો શિયાળા અને ઉનાળામાં મળી શકે.
નર્મદાનું પાણી જતું હોય એવા જિલ્લામાં ઉનાળામાં વાવેતર
પાટણ 20100
મહેસાણા 40000
ગાંધીનગર 23100
અમદાવાદ 37900
વડોદરા 25600
મહિસાગર 17300
સુરેન્દ્રનગર 30800
બોટાદ 7600
ભરૂચ 8400
કૂલ 4,21,600
રાજ્યમાં ઉનાળું વાવેતર 11.25 લાખ હેક્ટરમાં થયું છે. જેમાં નર્મદાની નહેર નિકળે છે તે જિલ્લાઓમાં બધું મળીને 4.12 લાખ હેક્ટરમાં વાવેતર છે. નર્મદા, બીજા બંધો, કુવા કે બોર આધારિત સિંચાઈ તેમાં આવી જાય છે.
હવે રાજ્યમાં 50 ટકા ભૂગર્ભ આધારિત સિંચાઈ છે. તે ગણતાં 2.06 લાખ હેક્ટર બાકી રહે છે. જેમાં બીજા બંધોની સિંચાઈ ગણવામાં આવે તો 1.50 લાખ હેક્ટર સિંચાઈ બાકી રહે છે. તેનો સીધો મતલબ કે 1 લાખ હેક્ટરથી વધારે સિંચાઈ નર્મદા નહેરના આધારે થતી નથી.
નર્મદા નહેરની સૌથી વધારે સિંચાઇ સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે. જ્યાં 30 હજાર હેક્ટર વાવેતર છે. જેમાં 50 ટકા કુવાની સિંચાઈ ગણવામાં આવે તો 15 હજાર હેક્ટરથી વધારે સિંચાઇ નર્મદાના આધારે નથી.
રવિ- શિયાળામાં 47.45 લાખ હેક્ટરમાં વાવેતર થયા હતા. જેમાં નર્મદા આધારિત સિંચાઇ કેટલી તે અંગે સરકારે કોઈ આંકડા જાહેર કર્યા નથી. પણ તે 4 લાખ હેક્ટરથી વધારે નથી એવું નિષ્ણાંતો માની રહ્યાં છે. કૂલ 4 લાખ હેક્ટર વિસ્તારમાં નર્મદાની સિંચાઇ થતી હોવાનો અંદાજ છે. સરકાર તો 11 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ થતી હોવાનો દાવો કરે છે.
પણ ઉનાળામાં સિંચાઇ થાય તે જ સાચી સિંચાઇ છે. જેમાં નર્મદા બંધ સફળ નથી. માત્ર પિવાના પાણી અને ઉદ્યોગોને પાણી આપવામાં જ નર્મદા બંધ સફળ છે.