ગાંધીનગર, 10 એપ્રિલ 2020
મધ્યાહન ભોજન યોજનાના કમિશનર સમક્ષ પ્રાથમિક શાળાના બધા બાળકોને એડવાન્સ મિડ ડે મિલ આપવાની માંગણી થઈ રહી છે
ગુજરાતની 32891 પ્રાથમિક શાળામાં 51 લાખ બાળકો ભણે છે. ખુબજ ગરીબ પરિવાર માંથી આવે છે. હાલમાં રાજ્યમાં કોવિડ 19 નામક મહામારીના લીધે બધી શાળાઓ બંધ છે. શાળામાં આ બાળકોને બપોરનું ભોજન મળતું હતું. લોક ડાઉનના લીધે નથી મળી રહ્યું.
ભારત સરકારે 16-3 થી 29-3 સુધીનું અનાજ અને રાંધણ ખર્ચ ચૂકવવાનો હુકમ કર્યો છે. પરંતુ 30 માર્ચથી અત્યાર સુધી મિડ ડે મિલ માટે કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી.
બાળકોમાં કુપોષણ અને ભૂખના લીધે થતાં મૃત્યુ અટકાવવાનો છે.
બધા બાળકોને એક માસનું (એપ્રિલ) એડવાંસમાં મિડ ડે મિલ નું અનાજ અને રાંધણ ખર્ચ તુરંત જ આપવામાં આવે તેવો હુકમ કરવામાં આવે.
દરેક બાળક ને અન્ન બ્રહ્મ યોજનામાં શામેલ કરવામાં આવે.
કુપોષણ દૂર કરવા કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી રાઇટ ટુ એજુકેશન ફોરમના મુજાહિદ નફીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલી માહિતી મુજબ 2020માં કુપોષણમાં થયેલી વૃદ્ધિએ ગુજરાતનું ચિંતાજનક ચિત્ર ઊભું કર્યું છે. કોરોનાના કારણે 35થી 40 લાખ બાળકો અને એટલી જ મહિલાઓને જો યોગ્ય ખોરાક નહીં મળે તો કુપોષણ વધશે. આમ 80 લાખથી 1 કરોડ લોકોને પોષણક્ષમ ખોરાક ન મળતાં હાલ 4 લાખ બાળકો અને 6 લાખ મહિલાઓ મળીને 10 લાખ લોકો માટે મોટી સમસ્યા ઊભી થઈ શકે છે.
ડિસેમ્બર-2019ની સ્થિતિ મુજબ કુપોષિત બાળકોની સંખ્યામાં 2.41 લાખનો વધારો થયો છે. ડિસેમ્બર-2019ની સ્થિતિ મુજબ ગુજરાતમાં 3.8 લાખ બાળક કુપોષિત છે.
જુલાઈ-2019માં આ આંકડો 1.42 લાખનો હતો. વર્ષે રૂ.600 કરોડ કુપોષણ માટે ખર્ચવામાં આવી રહ્યાં છે જે ખર્ચ કોરોનામાં વ્યર્થ જવાનો છે.
જુલાઈ-ડિસેમ્બર 2019 દરમિયાન કુપોષિત બાળકોની સંખ્યા સૌથી વધુ વૃદ્ધિ બનાસકાંઠામાં થઈ છે, જ્યાં 22,194 બાળકોનો ઉમેરો થયો હતો.
26,021 કુપોષિત બાળકો સાથે આણંદ બીજા ક્રમે છે. જુલાઈ-2019માં આ આંકડો 19995નો હતો.
આદિવાસી વિસ્તાર દાહોદ 22,613, પંચમહાલ 20,036 તથા વડોદરા 20,806 તથા મધ્ય ગુજરાતનું ખેડા 19,269 ચિંતાજનક ચિત્ર ઊભું કરે છે.
ગુજરાતના મહિલા તથા બાલ વિકાસ પ્રધાન વિભાવરી દવેએ વિધાનસભામાં આ આંકડા રજૂ કર્યા હતા. જે બતાવે છે કે ભાજપની વિજય રૂપાણી સરકાર બાળકોનું આરોગ્ય જાળવવામાં નિષ્ફળ રહ્યાં છે. હવે કોરોનામાં આ બાળકો અને મહિલાઓની સ્થિતી અત્યંત ખરાબ થવાની છે.