અમદાવાદ, 17 ફેબ્રુઆરી 2020
કોઈ પણ કૃષિ પાકમાં 3 મહિના સુધી ચલાવી શકાય એવી ખેતરમાં બનતી બે દવાનો ઉપયોગ વધી રહ્યો છે. જે ખેડૂતો જાતે બનાવે છે. મોંઘી દવાથી સસ્તી બનતી દવા ખેતર અને તે વસ્તુ ખાનારાનું આરોગ્ય જાળવે છે. રસાયણોથી ખેતર અને તે પાક ખાનારાઓનું આરોગ્ય ખરાબ થાય તે આ દવાથી થતું નથી. માત્ર રૂ.100માં અગ્નિઅસ્ત્રથી 10 એકર ખેતરના પાકને રોગથી સુરક્ષા આપી શકાય છે.
ખેડૂતોના અનુભવ આધારિત ખેતરમાં બનતી આ દવા છે જેને કૃષિ વિજ્ઞાનીઓએ માન્યતા આપી નથી. પણ ખેડૂતોએ તેને માન્યતા આપી છે.
લાલ માખી અને ઇયળ માટે અકસીર
બનાવવાની રીત
લીલું મરચું, ડુંગળી, લસણ, આદું એમ ચાર વસ્તું દરેક 250 ગ્રામ ( બધું સરખા ભાગે) લઈને તેને મીક્સરમાં ચટણી બનાવીને તેને 8 લીટર પાણીમાં 6 કલાક સુધી ધીમે તાપે અડધું થાય ત્યાં સુધી ઉકાળવું. ઠરી જાય એટલે ગાળી લેવું. 3 મહિના સુધી તેને બોટલમાં રાખી શકાય છે.
તૈયાર થયેલી 500 મી.લી. દવા 16 લિટર પાણીના પંપમાં ભરીને તેને પાક પર છંટકાવ કરવામાં આવે છે.
ફાયદા
છંટકાવથી નાની અને મધ્યમ ઈયળને અંકૂશમાં રાખી શકાય છે. થીપ્સ, લાલ માખીને નિયંત્રીત કરી શકાય છે. કીટ નિયંત્રણની સાથે રોગ નિયંત્રણ કરે છે.
વૈજ્ઞાનિક આધાર
કીટ અને રોગ નિયંત્રણ માટેના સક્રિય તત્વ તેમાં મળે છે. મરચામાં કેફીસી, લસણમાં લાઈસીન, ડૂંગળીમાં સલ્ફર, આદુમાં જીંજીરોડ તત્વ મળે છે.
બીજો ઉપાય – અગ્નિઅસ્ત્ર
ગૌમૂત્ર 200 લિટર, લીમડાના પાનની ચટણી 2 કિલો, તમાકુ પાઉડર 500 ગ્રામ, તીખા મરચાની ચટણી 500 ગ્રામ, લસણ ચટણી 125 ગ્રામ, હળદર પાવડર 200 ગ્રામ લઈને તેને ધીમા તાપે ઉકાળીને ઊભરો આવે એટલે ઉકાળવાનું બંધ કરી તેને ઠારીને છાંયામાં પીપમાં ભરીને સવાર સાંજ 4 હલાવવું. પછી ગાળી લઈને બોટલમાં ભરી લેવું. જે 3 મહિના સુધી ટકી શકશે. જ્યારે કીટકના નાશ માટે ઉપયોગ કરવો હોય ત્યારે થઈ શકે છે.
ઉપયોગ
15 લિટર પંપમાં 300 થી 400 મિલી અગ્નિઅસ્ત્ર ભેળવી છંટકાવ કરવો. અગ્નિઅસ્ત્રથી ઈયરનું નિયંત્રણ થાય છે, પણ ફળ છેદક ઈયરનું નિયંત્રણ થતું નથી. બજારમાં એક હજાર રૂપિયાની કિંમતની સામે આ રૂ.100ની એક લીટર દવાનો સર્વોત્તમ વિકલ્પ છે.