મૃત્યુ પામીને બીજાને જીવતાં કરતાં લોકો
દેહ બદલતા દધિચી
દિલીપ પટેલ 23 જૂન 2022
ગાંધીજીના સાબરમતી આશ્રમ પાસે દધિચી ઋષિનું મંદર છે જ્યાં દધિચીએ પોતાના અંગોનું- શરિરનું દાન કરીને પાંડવોને જીવતદાન આપ્યું હતું. ગુજરાતમાં હવે અંગદાન કરનારા દધિચીમાં વધારો થયો છે. 2012માં ગુજરાત 3જા સ્થાને આખા દેશમાં હતું આજે તે 6ઠ્ઠા ક્રમે છે. હવે તેમાં સુધારો થઈ રહ્યો છે.
અમદાવાદ સિવિલ કેમ્પસમાં સ્ટેટ ઓર્ગન એન્ડ ટિસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (SOTTO)ના કારણે ગુજરાતમાં અંગદાનનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત SOTTOની ટીમના રાઉન્ડ ધ ક્લોક માનવસેવાના નિર્ધારના પરિણામે આજે દરરોજ સરેરાશ 4 વ્યક્તિઓને નવજીવન મળી રહ્યું છે. 24 કલાક અંગોના રીટ્રાઇવલ અને અંગોના પ્રત્યારોપણ માટે કામ કરે છે. મૃત્યુ બાદ અંગો દાન આપવાનો એક વ્યક્તિનો નિર્ણય 8 જીંદગી બચાવી શકે છે.
જો હોસ્પિટમાં તમામ સુવિધા હોય તો એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું અંગદાન 50 જેટલા જરૂરિયાતમંદ લોકોને મદદ કરી શકે છે. એક આંકડા પ્રમાણે ભારતમાં દર વર્ષે લગભગ 5 લાખ લોકો અંગદાનના અભાવે મૃત્યુ પામે છે. ભારતમાં 10 લાખ લોકોમાં માત્ર 0.26 ટકા લોકો અંગોનું દાન કરે છે. ગુજરાતમાં આટલું જ પ્રમાણ ગણવામાં આવે તો. અંગો મળે તો 30 હજાર લોકોને મરતા બચાવી શકાય છે.
તમિલનાડુને સતત છઠ્ઠા વર્ષે અંગદાનમાં દેશમાં સર્વશ્રેષ્ઠ જાહેર કરવામાં આવ્યું છે. 1,392 દાતાઓમાંથી 8,245 અંગો કાપવામાં આવ્યા છે. ગુજરાતના આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા હોવા છતાં ગુજરાત દેશમાં અંગદાન માટે પછાત છે.
ભારતમાં 2 લાખ લોકો લીવરની બિમારીથી અને 2 લાખ હ્રદયની બિમારીથી મોતને ભેટે છે. જેમાં ગુજરાતના 8 ટકા લોકો હોવાનું અનુમાન છે.
5 હજાર લોકો અંગદાનની રાહ દરેક પળે જોઈ રહ્યાં હોય છે પણ તેમાં માત્ર 1 સદભાગીને અંગ મળે છે. જો રોજ 500 લોકો અંગદાન કરે તો ભારતમાં રોજ 5 હજાર લોકોને બચાવી શકાય તેમ છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગત 16 મહિનામાં 74 વ્યક્તિના 234 અંગોનું દાન મળ્યું છે, જેનાથી 212 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. અમદાવાદ શહેરમાં 15થી 18 જૂન સુધીમાં સિવિલ હોસ્પિટલમાં દરરોજ એક અંગદાન થયું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસમાં થયેલા 71થી 74માં અંગદાનમાં સુરેન્દ્રનગરના સંજય કુમાર ગોહિલના અંગદાનથી હ્યદય, બંને કિડની અને લીવર, 72માં અંગદાનમાં મહેસાણાના મનોજ પરમારના અંગદાનમાં હ્યદય, બંને કિડની, લીવર અને સ્વાદુપિંડ, 73માં અંગદાનમાં સુરેન્દ્રનગરના સંગીતા વનાલીયાના અંગદાનમાં હ્યદય, બંને કિડની અને લીવર, 74માં અંગદાનમાં અમદાવાદના 25 વર્ષીય રાહુલ રાજભરના અંગદાનમાં લીવરનું દાન મળ્યું છે.
ચારેય દર્દીઓના કિસ્સામાં ખાસ નોંધનીય બાબત એ હતી કે, બ્રેઇનડેડ થયા બાદ અંગદાન માટે પરિજનોએ કાઉન્સેલીંગ બાદ કલાકોમાં જ અંગદાન માટે સંમતિ દર્શાવી હતી. આ તમામ અંગદાતાઓના પરિજનો અંગદાનના મહત્વથી વાકેફ હતા.
જ્યારે અમદાવાદની ખાનગી કે.ડી. હોસ્પિટલમાં દલ્લુ વિનાયગમ બ્રેઇનડેડ થયા ત્યારે તેમના પરિવારજનોએ સ્વૈચ્છાએ અંગદાન કર્યું હતું. જેમના અંગદાનમાં બંને કિડની , લીવર અને બંને કોર્નિયાનું દાન મળ્યું છે.
2021ના ગુજરાતમાં દશેરાનો દિવસ ઐતિહાસિક હતો. 14 લોકોના 50 અંગદાનથી 38ના જીવ બચ્યા; 32 આંખો પ્રકાશ આવ્યો હતો.
અગાઉ સુરત અને અમદાવાદની સરકારી હોસ્પિટલ પૂરતા જ સીમિત રહેલું અંગદાન રાજ્યની ખાનગી હોસ્પિટલમાં પણ શક્ય બન્યું છે.
અંગદાન ક્ષેત્રે સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી અને તેમની ટીમ તેમજ SOTTO(State Organ Tissue And Transplant Organization)ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદી અને તેમના ટીમના પ્રત્યારોપણ માટેના પ્રયાસોના પરિણામે અંગોની ખોડખાપણ કે તકલીફના કારણે પીડામય જીવન જીવી રહેલા દર્દીઓને નવજીવન મળી રહ્યું છે.
14 જૂન 2022માં 1301 કિ.મી. દૂર નેપાળના 25 વર્ષના યુવાન લક્ષ્મણ મેગેતાના અંગનું દાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરાયું હતું. ગુજરાતમાં અન્ય દેશના દર્દીએ અંગદાન કર્યું હોય તેવી પહેલી ઘટના હતી.
26 મે 2022ના દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલ, વડોદરા અને જૂનાગઢમાં એક જ દિવસમાં ત્રણ સ્થળોએ અંગદાન થયું હોય તેવી આ પ્રથમ ઘટના બની હતી.
ગુજરાતમાં 13 વર્ષમાં મૃત દાતા કિડની પ્રત્યારોપણ 943 રહ્યું હતું. અમદાવાદ કિડની હોસ્પિટલમાં 2014માં 39, 2015માં 71, 2016માં 103 લોકોના અવયવોનું દાન થયું હતું.
ભારતમાં 1.50 લાખ લોકોને કિડનીની જરૂર છે. પણ તેમાં માત્ર 3 હજારને જ મળે છે. ભારતમાં લીવરની જરૂરીયાત 25 હજારની છે. પણ માત્ર 800 મળે છે.
હ્રદય અને ફેફસા 40 વર્ષની ઉંમરના દર્દી દાન કરી શકે છે. બીજા અવયવો ગમે તે ઉંમરે થઈ શકે છે.
ગુજરાતમાં અંગદાન અંગેની નબળી જાગૃતતા દર્શાવે છે. ગુજરાત એક તબક્કે અંગદાનમાં મોખરે હતું. 100 બ્રેન ડેડ લોકોમાંથી 1 ટકો બચવાની શક્યતા હોય છે.
ગુજરાતમાંથી વર્ષ 2013થી વર્ષ 2017માં 580 અંગદાન થયા હતા. જે ઓછા હતા. તમિલનાડુ 2291 અંગદાન સાથે મોખરે હતું.
28 મી મે 2008 ના દિવસે કિડની ઇન્સ્ટીટ્યુટમાં પ્રથમ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. ઈન્સ્ટિટયુટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા 25 વર્ષમાં 6500 અંગ પ્રત્યારોપણ પૂર્ણ કરાયા છે. મૃતક કિડની ટ્રાન્સપ્લાન્ટ માર્ચ 2020 સુધીમાં ઘટીને 19 થઇ ગયા છે, જે ગત વર્ષે 87 હતા. ગુજરાત માટે કોઇ ડેટા ઉપલબ્ધ નથી. પરંતુ એક અંદાજ પ્રમાણે 1.8 લાખ રેનલ ફેલ્યોરથી પીડાય છે. જ્યારે ભારતમાં 2 લાખ લોકો લીવરની ખરાબીને કારણે મૃત્યુ પામે છે.
ભારત
ભારતમાં 10 લાખે અંગદાનનો દર 0.86 છે જ્યારે તેની સરખામણીમાં સ્પેનમાં 49.9, અમેરિકામાં 31.96 પ્રતિ મિલિયન દર જોવા મળે છે.
ભારતમાં અંગદાનની ખૂબ જ જરૂરિયાત છે. ભારતનો અંગ દાન દર મિલિયન વસ્તી (PMP) દીઠ 0.65 નિરાશાજનક હતી. જે વૈશ્વિક સ્તરે સૌથી ઓછા અંગો પૈકીનું એક હતું. હવે સારા દાન મળવા લાગ્યા છે.
અંગોની અછતને કારણે દર વર્ષે સરેરાશ 5 લાખ – અડધા મિલિયન ભારતીયો મૃત્યુ પામે છે. નેશનલ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (NOTTO)ની વિગતો પ્રમાણે વાર્ષિક 200,000 કોર્નિયાના દાનની જરૂર છે, જ્યારે માત્ર 50,000 કોર્નિયા વાર્ષિક દાન કરવામાં આવે છે – કોર્નિયલ દાનની રાહ જોઈ રહેલા 4 માંથી 3 લોકો અંધ રહે છે.
દર વર્ષે 500,000 લોકોને અંગ પ્રત્યારોપણની જરૂર પડે છે અને તેમાંથી ઘણા અંગોની અનુપલબ્ધતાને કારણે મૃત્યુ પામે છે. ભારતમાં દર વર્ષે 5 લાખ લોકો સમયસર મદદના અભાવે મૃત્યુ પામે છે.
કેટલી જરૂર
પ્રત્યારોપણ માટે 200,000 કિડની, 50,000 હૃદય અને 50,000 લિવરની જરૂર છે, ત્યારે NOTTO દ્વારા 2018માં લગભગ 7936 કિડની ટ્રાન્સપ્લાન્ટ, 1945 લીવર ટ્રાન્સપ્લાન્ટ, 241 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, 191 ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ, 25 સ્વાદુપિંડ અને બે નાના આંતરડા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા.
ભારત દાનવીર
દેશમાં દર વર્ષે કરવામાં આવતા અંગ પ્રત્યારોપણની કુલ સંખ્યા 2013 માં 4,990 થી વધીને 2019 માં 12,746 થઈ છે. ગ્લોબલ ઓબ્ઝર્વેટરી ઓન ડોનેશન એન્ડ ટ્રાન્સપ્લાન્ટેશન (GODT) વેબસાઈટના આંકડા મુજબ, ભારત હવે માત્ર યુનાઈટેડ સ્ટેટ્સ અને ચીન પછી વિશ્વમાં ત્રીજા ક્રમે છે.
ગુજરાત પાછળ
માર્ચ 2020માં ઓર્ગન ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટેશનની બાબતમાં મહારાષ્ટ્રે તમિલનાડુ અને તેલંગાણાને પાછળ છોડી દીધું હતું. ભારતમાં અંગ પ્રત્યારોપણની કિંમત લગભગ 5 થી 25 લાખ રૂપિયા છે, જે મધ્યમ નિમ્ન વર્ગ અથવા નીચલા વર્ગ માટે ખૂબ મોટી કિંમત છે. તેથી અંગદાન શ્રીમંત વર્ગો માટે વધારે કામ કરે છે. ગુજરાત સરકારે આ અંગે નીતિ બનાવવાની અને સરકારી હોસ્પિટલોમાં સહાય જાહેર કરવાની જરૂર છે. જેથી ગરીબ અને મધ્યમ વર્ગને મદદ મળી શકે. અંગદાન કરનારાનેઓને સરદારે દાન કરવું જોઈએ.
ગુજરાતમાં બ્રેઈન ડેડ
ગુજરાતમાં અનેક બ્રેઇનડેડ દર્દીઓ છે. સ્વજનોમાં જાગૃતિ વધે તો અંગદાતાઓનું અત્યારનું લાંબુ વેઇટિંગ લિસ્ટ ઘટવા લાગે તે નિશ્ચિત છે. દર્દીનું મોત નીપજે અને બાદમાં તેને અગ્નિદાહ આપવામાં આવે તો તે, તો અંતે તો રાખ જ બની જવાનું છે, પરંતુ જો તેના ઓર્ગન ડોનેટ કરાવામાં આવે તો કેટલાયને નવજીવન આપી શકાય.
દેશમાં દોઢ લાખ ઉપરાંત લોકો અકસ્માતમાં બ્રેનડેડ થાય છે. ગુજરાતમાં 10-15 હજાર લોકો વર્ષે અકસ્માતથી બ્રેનડેડ થાય છે. તો તેના કુટુંબીજનો દાન આપવા રાજી થાય તો એક વ્યક્તિએ 8 લોકોને નવું જીવન આપીને અને 50 લોકોને નવ જીવન કે જીવવામાં મદદ મળી શકે.
57 માન્ય હોસ્પિટલો
13 ઓગસ્ટે વિશ્વ અંગ દાન દિવસ મનાવવામાં આવે છે. 15 ડોક્ટરોની અંગદાન મોનિટરિંગ સમિતિ હોય છે. 2018-19 સુધી સુરતની સરકારી મેડિકલ કોલેજમાં ઓર્ગન હાર્વેસ્ટિંગ કાર્યવાહી થતી હતી. નવી માર્ગદર્શિકા આવતાં તે બંધ થઈ ગઈ હતી. હવે ફરી સરકારી મેડિકલ કોલેજને મંજૂરી મળી છે. હવે ગુજરાતમાં કુલ 57 હોસ્પિટલો છે, જ્યાં અંગદાનની મંજૂરી છે.
મંજૂરી
ગુજરાતમાં આરોગ્ય વિભાગે ‘સોટો’ (સ્ટેટ ઓર્ગન અને ટિસ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન)ની 26 જાન્યુઆરી 2019માં મંજૂરી આપી હતી. હવે દર્દીને સરળતાથી ઓર્ગન ડોનર મળી રહ્યાં છે. દર્દીઓને અંગદાન અને પ્રત્યારોપણની પ્રક્રિયા ઝડપી અને સરળ બની છે.
અત્યાર સુધી હોસ્પિટલ દ્વારા જ દર્દી અને ઓર્ગન ડોનરને મેળવવાની પ્રક્રિયા કરવામાં આવતી હતી. આવી કોઈ સંસ્થા ગુજરાતમાં નહોતી. ‘સોટો’ની રચનાથી રાજ્યમાં કોઈ પણ જગ્યાએ રહેલા ડોનર દ્વારા દર્દીનો સંપર્ક કરાય છે. ઓર્ગન ડોનેશન માટે મેળવવા પાત્ર ઓનઓસી જવાબદાર છે. ઘણી વખત ઓર્ગન ડોનેશન કરવા માટે સામાન્ય લોકોને એનઓસી સર્ટીફિકેટ સરકારી અધિકારીઓ પાસેથી ઝડપી મળતા નથી, એનઓસીની સરકારી પ્રક્રિયા જટીલ છે.
ઓર્ગન ડોનર સિટી – 2017
ગુજરાતના ‘ઓર્ગન ડોનર સિટી’ તરીકે સુરત છે.
કોરોના રોગચાળા દરમિયાન સુરતે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં અંગદાનમાં અલગ સ્થાન મેળવ્યું છે. 2021ના એક વર્ષમાં 111 અંગોનું દાન અને 102 દર્દીઓને પ્રત્યારોપણ કરીને નવજીવન મળ્યું છે. સૌથી નાના બાળકના અંગદાનનો રેકોર્ડ પણ સુરતના નામે છે. 13 ઓગસ્ટ વિશ્વમાં વિશ્વ અંગદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેનો હેતુ સમાજમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાનો છે.
ગુજરાતમાં 2017માં જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન 180 લોકોએ અંગદાન કર્યું હતું. જેમાંથી અડધા એટલે કે 91 ઓર્ગન ડોનેશન સુરતમાં થયા હતા. અમદાવાદમાંથી 28 લોકોએ ઓર્ગન ડોનેશન કર્યું હોવાનું ‘ડોનેટ લાઈફ’ દ્વારા જાહેર કરાયું હતું. ભાવનગરમાંથી 26 લોકોએ ઓર્ગન ડોનેશન કર્યું હતું. 2017માં 106 કેડેવર કિડની ડોનેશનમાંથી 52 સુરતમાંથી થઈ હતી. 17 કિડની ડોનેશન સાથે ભાવનગર બીજા અને અમદાવાદ 15 સાથે ત્રીજા સ્થાને છે. 2017માં 62 લીવર ડોનેશનમાંથી 28 સુરતમાં થયા હતા. ગુજરાતમાંથી કુલ 10 લોકોએ હાર્ટ ડોનેટ કર્યું હતું અને તેમાંથી 9 સુરતના હતા.
સન્માન
સુરત શહેરની 300 સંસ્થાઓની હાજરીમાં કિરણ હોસ્પિટમાં દક્ષિણ ગુજરાતના 221 અંગદાતા પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. ડોનેટ લાઈફ દ્વારા સેવા આપતા પ્રમુખ નિલેશ માંડલેવાલા સહિત શહેરના 25 અગ્રણી તબીબોનું પણ અંગદાનમાં મહત્વપૂર્ણ યોગદાન બદલ સન્માન કરવામાં આવ્યું હતું.
ડોનેટ લાઈફ
ડોનેટ લાઇફ સંસ્થાના સ્થાપક અને પ્રમુખ નીલેશ માંડલેવાલા 2005થી પોતે અંગદાન માટે કામ કરી રહ્યા છે. આ સંસ્થાની સૌપ્રથમ શરૂઆત આજથી 12 વર્ષ અગાઉ સન 2005માં સુરતમાં કરવામાં આવી હતી. ગુજરાતમાં જે ઓર્ગનનાં ટ્રાન્સપ્લાન્ટ થાય છે તેમાંથી પચાસ ટકાથી વધુ ઓર્ગન ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા ડોનેશન કરાવવામાં આવ્યાં છે. ડોનેટ લાઇફ દ્વારા 2017 સુધીમાં સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી બ્રેનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી 245 કિડની, 99 લિવર, 6 પેન્ક્રિયાસ, 17 હૃદય અને 208 ચક્ષુઓનું દાન મેળવીને દેશનાં વિવિધ રાજ્યો તથા વિદેશની 572 વ્યક્તિઓને નવું જીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી છે. આણંદમાં આ સંસ્થા ઓર્ગન ડોનેટ લેતા દર્દીએ માત્ર શસ્ત્રક્રિયાનો ખર્ચ માત્ર ઉઠાવવો પડે છે.
1999માં ભારતમાં પહેલી વખત આંતરડાનું પ્રત્યારોપણ અમદાવાદમાં થયું હતું.
ફેફસા – હ્રદય
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે રૂપિયા 20 લાખનો ખર્ચ થતો હોય છે. 2020 સુધીમાં 38 હૃદયનું દાન કરવામાં આવ્યું છે2020માં ગુજરાતમાંથી 4 હૃદય અને 4 જોડી ફેફસાં અન્ય રાજ્યોમાં મોકલવામાં આવ્યા હતા. જેમાંથી માત્ર 12 હૃદય રાજ્યના દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તે જ સમયે, 26 હૃદય ભારતના અન્ય રાજ્યોમાં મોકલવામાં આવ્યા હતા. રાજ્યમાં હાર્ટ અને લંગ ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલોનો અભાવ છે તેથી સ્થાનિક લોકોને લાભ મળતો નથી. ગુજરાતની હોસ્પિટલોમાં ઓર્ગન ડોનેશન મોટા પાયે કરવામાં આવે છે. પરંતુ તેનો ફાયદો સ્થાનિક લોકોને નહીં પરંતુ ભારતના અન્ય ભાગોમાં રહેતા લોકોને થાય છે. આ રાજ્યની હોસ્પિટલોમાં ટ્રાન્સપ્લાન્ટની સુવિધાના અભાવ તરફ સીધો નિર્દેશ કરે છે.
આ ઉપરાંત સુરતમાં બ્રેઈન ડેડ દાતાઓના સંબંધીઓ દ્વારા દાન કરાયેલા 6 જોડી ફેફસાં ગુજરાતના દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ થયા નથી.
ગુજરાતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે 17 અને લીવર ટ્રાન્સપ્લાન્ટેશન માટે 5 કેન્દ્રો નોંધાયેલા છે.
સરકારે યુએન મહેતા હોસ્પિટલમાં હૃદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. પરંતુ તે હજુ શરૂ થયું નથી. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન માટે અમદાવાદમાં એકમાત્ર નોંધાયેલ ખાનગી હોસ્પિટલ છે.