પેટલાદ શહેર ભાજપના મહામંત્રી મનીષ શાહ નશામાં

Petlad Nagar BJP General Secretary Manish Shah intoxicated पेटलाड नगर भाजपा महामंत्री मनीष शाह नशे में

જુલાઈ 2024
આણંદના પેટલાદમાં ગત રવિવારે રથયાત્રા દરમિયાન હનુમાન ફળીયા નજીક પેટલાદ શહેર ભાજપ મહામંત્રીએ નશાની હાલતમાં પેટલાદ શહેર પીઆઈ સાથે રકઝક કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે પેટલાદ શહેર ભાજપ મહામંત્રી મનીષભાઈ શાહ વિરુદ્ધ ગુનો નોંધી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતરમાં પેટલાદ ખાતે ૯૮મી રથયાત્રા નીકળી હતી. રથયાત્રા પૂર્વે મળેલી શાંતિ સમિતિની બેઠક દરમિયાન પેટલાદ શહેર પીઆઈ કે.ડી.બ્રહ્મભટ્ટે ધાર્મિક યાત્રામાં જો કોઈ નશાની હાલતમાં પકડાશે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

તેવામાં રથયાત્રા હનુમાન ફળીયા નજીકથી પસાર થઈ રહી હતી. ત્યારે પેટલાદ શહેર ભાજપ મહામંત્રી મનીષભાઈ શાહ નશાની હાલતમાં લથડીયા ખાતા ચાલતા નજરે પડયા હતા.

જેથી પોલીસે તેમને ટકોર કરતા પેટલાદ શહેર ભાજપ મહામંત્રી શહેર પીઆઈ સાથે રકઝક કરવા લાગ્યા હતા.

જેથી પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ચાલુ રથયાત્રા દરમિયાન તેમને અટકમાં લઈ પોલીસ સ્ટેશનના લોકઅપમાં મોકલી આપ્યા હતા. જો કે, રથયાત્રા બાદ ભાજપના નેતાઓ પોલીસ મથકે દોડી આવ્યા હતા.

છેલ્લા ઘણાં સમયથી રાજકારણમાં સક્રિય એવા અને પાલિકામાં કાઉન્સીલર તરીકે રહી ચુકેલા મનીષભાઈ શાહ હાલ શહેર ભાજપ સંગઠનના મહામંત્રી છે. આગામી સમયમાં બદલાતા સંગઠનમાં શહેર પ્રમુખપદ માટે પ્રબળ દાવેદાર હોવાનું પણ મનાઈ રહ્યું છે.

દારૂની પરમીટ છે, હુ તો 24 કલાક દારૂની સેવન કરી શકું છું : મનીષ શાહ

લથડીયા ખાવા મામલે પેટલાદ શહેર ભાજપ મહામંત્રી મનીષ શાહ સામે ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે મનીષભાઈ શાહે જણાવ્યું હતું કે, મારી પાસે દારૂની પરમીટ છે. હું તો ૨૪ કલાક દારૂનું સેવન કરી શકું છું.