પેટ્રોલ ડીઝલમાં હજી ભાવ વધારો ઝીંકાશે, મકાનો સસ્તા કરાશે

ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ મોંઘો થશે પરંતુ મકાન કે ફ્લેટ સસ્તાં થશે, એનું મુખ્ય કારણ સરકારના કરવેરાની ફેરબદલ છે. રાજ્યનું નાણાં ખાતું સ્ટેમ્પડ્યુટી અને રજીસ્ટ્રેશનના દરો ઘટાડવા માગે છે જ્યારે પેટ્રોલિયમ પેદાશો પરનો વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) વધારવા માગે છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કહ્યું છે કે ગુજરાત સરકારની કરવેરાની આવક ઓછી થઇ છે તેથી કોરોના સંક્રમણ સમયે પેટ્રોલિયમ પેદાશો પર વેટનો દર વધી શકે છે, જ્યારે મહામારીમાં સૌથી વધુ અસર થઇ છે તેવા રિયલ એસ્ટેટ સેક્ટરને બચાવવા માટે અમે સ્ટેમ્પડ્યુટીના દરો ઘટાડવાનો વિચાર કરી રહ્યાં છીએ.

એનો મતલબ એ થયો કે ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ મોંઘો થશે જ્યારે મકાન દસ્તાવેજ નોંધણી અને રજીસ્ટ્રેશનના દરો ઘટતાં થોડાં સસ્તાં પડશે.

રિયલ એસ્ટેટ સેક્ટરમાં રાહત આપવા માટે ક્રેડાઇ અને બીજા સંગઠનોએ સરકાર પાસે સ્ટેમ્પડ્યુટીના દરો ઘટાડવાની માગણી કરી છે.

ગુજરાતની વેરાની આવકમાં 25 ટકાનો સીધો ઘટાડો જોતાં રાજ્ય સરકાર પાસે એકમાત્ર વિકલ્પ વેટના દરો છે, જે માત્ર પેટ્રોલ, ડીઝલ અને ગેસ પર લાગુ છે.

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘુ કરવામાં આવે તેવી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે રાજ્યની તિજોરી પર ગંભીર અસર પડી હોવાથી સરકાર પેટ્રોલમાં બે ટકા અને ડીઝલમાં એક ટકો વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) વધારી શકે છે.

સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે લોકડાઉનના સમયમાં રાજ્ય સરકારની આવકને મોટી અસર થઇ છે. કર્મચારીઓના પગાર કરવા માટે પણ લોન લેવામાં આવી રહી છે તેવા સંજોગોમાં વેલ્યુ એડેડ ટેક્સની આવક વધારે મળે તે માટે પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસમાં વેટ વધારવામાં આવશે. રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી છે.

ગુજરાતમાં હાલ પેટ્રોલ અને ડીઝલ પર 17 ટકા વેટ છે અને ચાર ટકા સેસ છે. નાણાં વિભાગના આંકડા જોતાં ગુજરાત સરકાર પ્રતિદિન 37 કરોડ રૂપિયા પેટ્રોલ અને ડીઝલની વેટની રકમમાંથી કમાય છે. એટલે કે આ બન્ને ઉત્પાદનો પર સરકારને મહિને 1400 કરોડ રૂપિયા મળે છે. છેલ્લે એપ્રિલ 2019 થી જાન્યુઆરી 2020 સુધી પેટ્રોલ અને ડીઝલના ટેક્સમાંથી સરકારને 10905 કરોડ રૂપિયા મળ્યા છે.

જો રાજ્ય સરકાર પેટ્રોલ પર બે ટકા વેટ વધારશે તો કુલ વેટ 23 ટકા થશે જ્યારે ડીઝલનો વેટ 22 ટકા થશે. આ ઉત્પાદનો પર સરકારને પ્રતિવર્ષ વધારો મળતો રહે છે. 2017-18માં વેટની આવક 12874 કરોડ રૂપિયા હતી જે 2018-19માં વધીને 14001 કરોડ થઇ હતી.2019-20માં આ આવકનો આંકડો 16 હજાર કરોડ થયો હોવાનો પ્રાથમિક અંદાજ છે.

ભારતના એક પછી એક રાજ્યો પેટ્રોલ અને ડીઝલ પર વેટ વધારી રહ્યાં છે. ભારત સરકારે પણ તાજેતરમાં આ બન્ને પ્રોડક્ટ પર એક્સાઇઝ ડ્યુટી વધારી છે જેની સીધી અસર ગ્રાહકો પર પડી નથી પરંતુ ઓઇલ કંપનીઓ પર થઇ છે. વિશ્વમાં ક્રુડઓઇલના ભાવ ઘટી રહ્યાં હોવા છતાં ભારતમાં લોકોને મોંઘુ પેટ્રોલ અને ડીઝલ મળે છે. રાજસ્થાન સરકારે પેટ્રોલમાં બે ટકા અને ડીઝલમાં એક ટકા વેટ વધાર્યો છે. હવે ગુજરાત સરકાર પણ વેટના વધારાની જાહેરાત ટૂંકસમયમાં કરે તેવી સંભાવના છે.

બીજી તરફ સ્ટેમ્પડ્યુટી અને રજીસ્ટ્રેશન ફીમાં પણ એક થી દોઢ ટકાનો ઘટાડો થઇ શકે તેમ છે, કે જેથી રિયલ એસ્ટેટ સેક્ટરને રાહત મળી શકે. જો કે આ નિર્ણય નાણા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠક પર લેવાય તેવી સંભાવના છે. વેટ અને સ્ટેમ્પડ્યુટીમાં નાણા વિભાગના એક અધિકારીએ અંદેશો આપ્યો છે કે વેટમાં દરો વધી શકે છે અને સ્ટેમ્પડ્યુટીમાં દરો ઘટી શકે છે.