અમદાવાદ, 21 એપ્રિલ 2020
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના પ્રતિ બેરલના ભાવ ગગડીને ૧ ડોલર કરતા નીચે ગયા છે ત્યારે સરકાર દ્વારા પેટ્રોલ- ડિઝલના ભાવ ઘટાડી લોકોને રાહત આપવામાં આવે એવી માંગણી ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ ગગડતાં પેટ્રોલ- ડીઝલના ભાવમાં સામાન્ય પ્રજાને રાહત આપવાની માંગણી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે,
છેલ્લા ૨ વર્ષથી ક્રુડના ભાવમાં સતત ઘટાડો થતો જાય છે, હાલમાં કોરોના વાયરસના પગલે લોકડાઉનમાં ધંધા – વેપાર બંધ છે, વાહન વ્યવહાર ઠપ છે, તેવા સંજોગોમાં અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ડીમાંડ કરતા સપ્લાય વધવાના કારણે અને મે મહિનામાં કરારો નેગેટીવ થવાના કારણે એટલે કે જે ઉત્પાદકો છે તેમની પાસેથી ખરીદનારોએ ક્રુડ ખરીદવાની ના પાડવાના કારણે ક્રુડના ભાવ અત્યારે પાણીની બોટલ કરતા પણ નીચે ગયા છે તેવા સંજોગોમાં દેશના લોકો અપેક્ષા રાખે કે તેમને કારમી મોંઘવારી વચ્ચે પેટ્રોલ- ડિઝલના ભાવોમાં પણ રાહત મળે.
અગાઉ આપણા દેશમાં પેટ્રોલ- ડીઝલના ભાવ નિર્ધારણ માટે APM (ઍડમિનિસ્ટર્ડ પ્રાઇસ મેકેનિઝમ) હતી જેમાં પેટ્રોલ, ડિઝલ, કેરોસીનના ભાવ કેન્દ્રીય કંપનીઓ નક્કી કરતી હતી, તેના બદલે યુ.પી.એ. સરકાર દ્વારા કેન્દ્રીય કંપનીઓની નફાખોરી અટકાવવા, જનહિતને ધ્યાનમાં રાખીને MDPM (માર્કૅટ-ડ્રિવન પ્રાઇસ મૅકેનિઝમ) ની પદ્ધતિ અમલમાં મુકવામાં આવી હતી. જેમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના રોજીંદા ભાવો પ્રમાણે પેટ્રોલ- ડિઝલના ભાવ નક્કી થાય, તે નીતિ પ્રમાણે હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવોમાં સતત ઘટાડાનો લાભ પ્રજાને આપવો જોઈતો હતો. પરંતુ દુખ સાથે કહેવું પડે કે સરકારે આ ભાવ ઘટાડાનો લાભ આપવાને બદલે સતત એક્સાઈઝ અને સેસમાં વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે ગત 15 મી માર્ચ એટલે કોરોના મહામારીની અસર શરુ થઇ ત્યારે જ ખુબ મોટો વધારો કર્યો અને આજે આપણે તુલનાત્મક વાત કરીએ તો ૨૦૧૪ માં ૧ લિટર પેટ્રોલ પર ૯.૪૮ રૂપિયા એક્સાઈઝ ડ્યુટી હતી, જે અત્યારે વધીને ૨૨.૯૮ રૂપિયા થઇ છે, તે જ રીતે ૨૦૧૪ માં ડીઝલ પર ૩.૫૬ રૂપિયા એક્સાઈઝ ડ્યુટી હતી જેનો વધારો કરીને સરકારે ૧૮.૮૩ રૂપિયા કરી છે. તેના પરથી સ્પષ્ટ છે કે સરકાર પ્રજાને રાહત આપવાને બદલે પ્રજાના ખિસ્સામાંથી લુંટ કરીને પોતાની તિજોરી ભરે છે.
લોકડાઉનમાં જનતાને આવક- કમાણી બંધ હોય અને ચીજ વસ્તુઓના ભાવો આસમાને છે ત્યારે પેટ્રોલ – ડિઝલના ભાવ ઘટવાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટવાથી પણ લોકોને થોડી ઘણી રાહત સરકાર દ્વારા આપી શકાય. સમગ્ર દુનિયા જયારે ક્રુડના ભાવોના ઘટાડા પર ચર્ચા કરતી હોય છે, પેટ્રોલ -ડિઝલના ભાવોમાં ઘટાડા કરે છે ત્યારે ભાજપ સરકાર તેમાં લોકોને રાહત આપવાના બદલે એક્સાઈઝ ડ્યુટી વધારી કમાણીની તક જ જોતી હોય છે. ક્રુડના ઘટતા ભાવોનો લાભ કમાણી કરવા માટે ઉઠાવતી સરકાર જયારે ક્રુડના ભાવ વધે છે ત્યારે એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને પ્રજાને રાહત આપવાને બદલે પેટ્રોલ- ડિઝલના ભાવોમાં વધારો જ કરતી રહે છે.
જો ભાજપના શાસનમાં ક્રુડની કિંમતોમાં મોટો ઘટાડો થવા છતાં પેટ્રોલના ભાવની પરિસ્થિતિ જોઈએ તો, સપ્ટેમ્બર ૨૦૧૩ માં ક્રુડની કિંમત ૧૦૮ ડોલર/ પ્રતિ બેરલ હતી ત્યારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭૬ રૂપિયા/ પ્રતિ લિટર હતી, માર્ચ ૨૦૨૦ માં ક્રુડની કિંમત ૩૨ ડોલર/ પ્રતિ બેરલ હતી ત્યારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭૨ રૂપિયા/ પ્રતિ લિટર હતી, હાલ ક્રુડના ભાવ 0 ડોલર કરતા પણ નીચે છે ત્યારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત છે ૭૦ રૂપિયા.
સામાન્ય લોકો સુધી પહોંચતા પેટ્રોલ- ડિઝલમાં કઈ રીતે સરકારી ટેક્સ ઉમેરાય છે કરે છે તે જોઈએ તો વર્ષની શરૂઆતમાં કાચા તેલની કિંમત 67 ડોલર પ્રતિ બેરલ એટલે કે 30.08 રૂપિયા પ્રતિ લીટર હતી. તો 12 માર્ચે જ્યારે ભારતમાં કોરોના મામલાની શરૂઆત થઈ તો કાચા તેલની કિંમત 38 ડોલર પ્રતિ બેરલ એટલે કે 17.79 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ હતી.
પાણીની બોટલ કરતાં પેટ્રોલ સસ્તું
તો 1 એપ્રિલે કાચા તેલની કિંમત ઘટીને 23 ડોલર પ્રતિ બેરલ એટલે કે પ્રતિ લીટર 11 રૂપિયા પર આવી ગઈ હતી. તેમ છતાં દિલ્હીમાં 1 એપ્રિલે પેટ્રોલ (મોટર સ્પીરીટ) ની બેસ પ્રાઇઝ 27 રૂપિયા 96 પૈસા સુધી કરવામાં આવી હતી. તેમાં 22 રૂપિયા 98 પૈસાની એક્સાઇઝ ડ્યૂટી લગાવવામાં આવી હતી. 3 રૂપિયા 55 પૈસા ડીલરનું કમિશન અને પછી 14 રૂપિયા 79 પૈસાનો વેટ પણ જોડી દેવામાં આવ્યો હતો. હવે એક લિટર પેટ્રોલની કિંમત 69 રૂપિયા 28 પૈસા છે. આ કારણ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ભલે ઘટે, પરંતુ લોકોએ પેટ્રોલની કિંમત વધુ ચુકવવી પડે છે.
આજે જયારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડનો ભાવ પાણીની બોટલ કરતા પણ બેરલનો ભાવ ઘટ્યો હોય ત્યારે અમારી સ્પષ્ટ માંગણી છે કે સરકારે નફાખોરીની માનસિકતામાંથી બહાર આવવું પડે, પ્રજાને લુંટવામાંથી બહાર આવવું પડે તેમજ અત્યારે કોરોના વાયરસની પરિસ્થિતિમાં લોકોને જે આર્થિક તકલીફ છે ત્યારે પ્રજાને સસ્તું પેટ્રોલ –ડીઝલ મળે તે માટેના નક્કર પગલા અને જાહેરાત દેશના વડાપ્રધાને તાત્કાલિક દેશની જનતા માટે કરવી જોઈએ.