Rebellion: Jawahar Chavda is no longer a jewel for BJP बगावत: जवाहर चावड़ा अब बीजेपी के लिए जवाहरात नहीं रहे
કોંગ્રેસને હરાવનાર જવાહરને ફરી પક્ષમાં લેશે તો વિરોધ
દિલીપ પટેલ
અમદાવાદ, 28 ઓગસ્ટ 2024
જવાહર ચાવડા ભાજપ સામે બગાવત કરી ચૂક્યા છે. જવાહર એટલે કે હીરા, મોતી વગેરે કિંમતી ચીજ, નંગ, ઝવેરાત અર્થ થાય છે. પણ જવાહર હવે ભાજપ માટે જવાહર નથી રહ્યા તેઓ એક માત્ર રસ્તાનો પથ્થર બની ગયા છે. જવાહર હવે ભાજપ માટે જવાહરખાનું એટલે કે મત નામનું ઝવેરાત રાખવાનું સ્થાન રહ્યા નથી.
કોંગ્રેસ સાથે 30 વર્ષથી રહેલા સંબંધો તોડીને ભાજપમાં જોડાયેલા હતા. તેથી, કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ માને છે કે જવાહરને ફરીથી કોંગ્રેસમાં ન લેવા જોઈએ. તેમણે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી છે. પીછ પાછળ ભાલો ભોંક્યો છે. તેથી તેને ભાજપમાં જ રહેવા દેવા જોઈએ. 2019માં જુનાગઢ લોકસભાની બેઠક ભાજપ જીતી શકે તેમ ન હોવાથી જવાહરને ફોડીને પ્રધાન બનાવી લોકસભા બેઠક કોંગ્રેસે ગુમાવી હતી. 2024ની લોકસભામાં પણ એવું જ થયું હતું. હવે ભાજપને જવાહરની જરૂર નથી.
ચાવડાનો શુદ્ધ બીજો અર્થ થાય છે કે, ચાપોત્કટ; બાણ મારવા પાવરધો માણસ; હોશિયાર માણસ; હોશિયાર બાણાવલિ. પણ તે ભાજપ સામે રાજરમત રમવામાં બાણાવલિ કે હોંશિયાર કે પાવરધા થાય છે કે કેમ તે જૂનાગઢના લોકો રાહ જોઈ રહ્યાં છે. પક્ષાંતર કરીને ભાજપમાં ગયા તેમાં તો તેઓ જવાહર સાબિત થયા છે કે ન તો ચાવડા સાબિત થયા છે.
ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ઘણાં લાંબા વખતથી નારાજ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ભાજપને બતાવી દેવાના મૂડમાં છે. જવાહર ચાવડાએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિભાઈ ગોહિલ સાથે ગુપ્ત બેઠક કરી હતી. કોંગ્રેસમાં ઘર વાપસી કરે તેવા એંધાણ છે.
ઘણા વખતથી નારાજ છે. ટોલ વેરા માટે જવાહર ચાવડા ભાજપ સામે આવી ગયા હતા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા વચ્ચે કોલ્ડવોર ચરમસીમાએ છે. પોરબંદરની પેટા ચૂંટણી વખતે મનસુખ માંડવિયાએ જવાહર ચાવડા પર નિશાન સાધી એવું કહ્યું હતું કે, જે વ્યક્તિ પક્ષના નિશાન લઈને ફરે છે તેમણે પક્ષનું કામ કરવું જોઇએ.
જવાહર ચાવડાનું કહેવું છે કે, ભાજપ પક્ષ વિરોધીને જ છાવરે છે. જેમણે ચૂંટણીમાં પક્ષના ઉમેદવારને હરાવવાનું ખુલ્લેઆમ કૃત્ય કર્યું છે તેની સામે પગલાં ભરવામાં આવતા નથી. વર્ષ 2017માં જે ભાજપના નેતાઓએ કોંગ્રેસને મદદ કરી હતી. એ જ નેતાઓએ વર્ષ 2019માં ભાજપના ઉમેદવારને હરાવવાનું કૃત્ય કર્યું હતું.
પ્રદેશ પ્રમુખ પાટીલથી માંડીને વડાપ્રધાનનું ધ્યાન દોરવામાં આવ્યું છે તેમ છતાં પક્ષવિરોધીને ઉની આંચ આવી નથી.
જવાહર ચાવડાએ એવી આગાહી કરી છે કે, ધારાસભ્ય અરવિંદ લાડાણીની ય મારા જેવી દશા થવાની છે. લાડાણી ભાજપની ચંડાળ ચોકડીનુ નિશાને છે.
કોંગ્રેસને બે વિધઆનસભા અને બે લોકસભા હરાવવા માટે કારણભૂત એવા જવાહર છે. હવે જીલ્લા- તાલુકા પંચાયત ચૂંટણી જીતવા માટે કોંગ્રેસમાં લેવા માટે કોંગ્રેસના નેતા ઉતાવળ કરી રહ્યા છે. તેથી શક્તિભાઈ ગોહિલ સામે ભારે વિરોધ અંદરથી થઈ રહ્યો છે. તેથી ઘર વાપસી કરે તેવી શક્યતા ઓછી થઈ રહી છે.
જવાહર પાસે કેટલું જવાહર છે
2019માં માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા ગુજરાત ત્રીજા ધનિક ધારાસભ્ય હતા. જવાહર ચાવડાની પત્ની પાસે 3.200 કિલો સોનું છે. કરોડોની જમીન પણ છે. મોંઘી કાર છે. રૂ.85 હજારની બ્રાન્ડ ઘડિયાળ પહેરે છે. સૌરભ પટેલ પાસે રૂ. 123 કરોડ છે. બીજા નંબર પર વઢવાણના ધનજી પટેલ પાસે રૂ. 113 કરોડની સંપત્તિ બાદ ત્રીજા ક્રમે જવાહર ચાવડા રૂ. 103 કરોડની સંપત્તિ સાથે હતા.
પિતા
તેમના પિતાની ચૂનાના પથ્થરની મોટી ખાણો હતી. રાજનીતિ તેમના પિતા પેથલજી ચાવડા પાસેથી વારસામાં મળી છે. પેથલજી ચાવડા એક વખત અપક્ષના ઉમેદવાર અને બે વખત કોંગ્રેસના ઉમેદ્દવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેઓ એક પણ વાર ચૂંટણી જીતી શક્યા નહીં. ત્યારબાદ જવાહર ચાવડા પિતાના પગલે રાજકારણ આવ્યા અને તેઓએ 25 વર્ષની ઉંમરે જેરામ પટેલને હરાવીને વિધાનસભાની સીટ હાંસલ કરી હતી.
વર્ષ 2007, 2012, 2017, 2018ની ચૂંટણીમાં જીત્યા હતા.
ભાજપમાં જવાનું કારણ
ઈન્ડિયન એરફોર્સના નિવૃત્ત કર્મચારી અને તેમના પરિવાર પાસેથી રૂપિયા 80 લાખ પડાવી લઈ શ્રીસરકાર જમીન વેચી મારનાર મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ પેથલજી ચાવડા સામે ઘાટલોડિયામાં ફરિયાદ નોંધાઈ હતી. જયંતિભાઈ હરસુખભાઈ આહીરના પત્ની વર્ષાબેન ફરિયાદી હતા.
80 લાખમાં સોદો નક્કી થતા ડિસેમ્બર-2015માં આહીર પરિવારે કુલ 60 લાખ રૂપિયા ચેકથી ચૂકવી આપતા જગદીશ ચાવડાએ સાણંદની જમીનનો બાનાખત કરાર કરી આપ્યો હતો. જુન-2016માં બાકીના 20 લાખ રૂપિયા ચૂકવ્યા બાદ આહીર જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો ન હતો. 50 લાખ રૂપિયા પરત કર્યા પણ 30 લાખ પચાવી પાડતા છેતરપિંડીની ફરિયાદ પોલીસે નોંધી છે. કોંગ્રેસ છોડી ભાજપમાં મંત્રી પદ મેળવનારા જવાહર ચાવડાના ભાઈએ ગત જુલાઈ મહિનામાં આહીર પરિવાર વિરૂદ્ધ 29 લાખના પાંચ ચેક ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. જગદીશ ચાવડા જમીન લે-વેચ તથા ઈન્વેસ્ટર તરીકે ધંધો કરતા હતા. જવાહરનું ભાજપમાં જવાનું આ એક કારણ પણ ઘણાં લોકો કહે છે.
જવાહર ચાવડા વિરુદ્ધ 3 ગુના નોંધાયેલા હતા.
રાતોરાત પ્રધાન
કોંગ્રેસથી ભાજપમાં ગયેલા જવાહર ચાવડા 24 કલાકમાં રૂપાણી સરકારમાં પ્રધાન બની ગયા હતા. પેટા ચૂંટણીમાં ભીખાભાઈ જીતે એવા ઉમેદવારનું નામ આપ્યું પણ કોંગ્રેસના નેતાઓએ ભાજપના જવાહર ચાવડા સાથે સોદાબાજી કરી નબળો ઉમેદવાર મૂકીને જવાહરને જીતાડ્યા હતા. ભાજપના નેતા અર્જુન મોઢવાડિયા પોતે જવાહરની તરફેણ કાયમ કરતા હતા.
જવાહર પહેલા ભીખા જોષીને ભાજપે રૂ. 25 કરોડમાં ભાજપમાં આવી જવા ઓફર કરી હતી. તેમણે ના પાડી એટલે જવાહરને પકડ્યા હતા.
ભીખાભાઈનું નિવેદન
કોંગ્રેસના જુનાગઢના ધારાસભ્ય ભીખા જોષીએ જાહેર કર્યું હતું કે, લોકસભાની 2019ની ચૂંટણી વખતે ભાજપે જવાહર ચાવડા પહેલા મારો સંપર્ક કરી ભાજપમાં રૂ. 25 કરોડમાં આવી જવા માટે સંપર્ક કર્યો હતો. ભાજપના એક નેતા ધોરાજીના કોંગ્રેસના નેતા દિલીપ ચાવડા આવ્યા હતા. રૂ.25 કરોડ અને રૂપાણીની સરકારમાં કેબીનેટ પ્રધાન બનાવવા માટે મને ઓફર કરી હતી. મારા ઘરેથી હાંકી કાઢ્યા હતા. પછી તેઓ જવાબહર ચાવડા પાસે ગયા હતા.
ભીખાભાઈ જોષી ખરીદાયા નહીં પણ જવાહર ખરીદાયા હતા. સત્તા મેળવીને ખરીદ્યા હતા.
24 કલાકમાં પ્રધાન
8 માર્ચ 2019માં રાજીનામું આપીને સાંજે ભાજપમાં જોડાયા હતા. 9મી માર્ચ 2019માં 24 કલાકમાં તેઓ પ્રધાન બની ગયા હતા. સીએમ વિજય રૂપાણી સહિત 12 કેબિનેટ અને રાજ્ય કક્ષાના કુલ 12 પ્રધાનો હતા.
પ્રજા માટે ભાજપમાં જોડાયો
પત્રકાર પરિષદમાં ભાજપના જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે, ૩૦ વર્ષથી 3 વખતથી કોંગ્રેસના પંજાના પ જીત્યો પણ મારા મનમાં વિકાસની એક વેદના સતાવતી હતી. અનેક મહામંથન બાદ પ્રજા અને મત ક્ષેત્રનો વિકાસ કરવા ભાજપમાં જોડાયો.
અધ્યક્ષ રાહુલ ગાંધીને ઈ-મેલથી રાજીનામું મોકલ્યું હતું. મેં કોંગ્રેસ સાથે દ્રોહ કર્યો નથી. કોંગ્રેસ પાર્ટીમાં મને કોઈ અસંતોષ હતો જ નહીં. માન અને મર્યાદા જળવાતી જ હતી. પરંતુ છેલ્લા એક વર્ષથી હું મુજવણ અનુભવતો હતો. નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે ભાજપમાં જોડાયો છું. ભાજપમાં હું ખૂબ જ ખુશ છું. નિષ્ઠાપૂર્વક ભાજપના નિર્દેશ અનુસાર કામગીરી કરીશ. તેમણે પત્રકારોના ઘણાં પ્રશ્નો ટાળી દીધા હતા.
પ્રદીપ જાડેજાનું જુઠ
ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા એ જણાવ્યું હતું કે જવાહર ચાવડાએ ભાજપના પ્રદેશ નેતૃત્વ સમક્ષ જોડાતા પહેલા કોઈપણ પ્રકારની માગણી કરી જ નથી.
જાડેજા જૂઠું બોલી રહ્યા હતા, તો પછી 24 કલાકમાં પ્રધાન કેમ બનાવ્યા, ભીખાભાઈ જોષીએ રૂ. 25 કરોડમાં ખરીદ્યા હોવાની વાત કેમ કરી.
ગૃહ રાજ્ય પ્રધાન અને અમિત શાહનું રાજકારણ ગુજરાતને ખેદાન મેદાન કરી રહ્યું છે.
ભાજપ મને ખરીદવા માંગે છે – જવાહર
જવાહર ચાવડાએ એકવાર જાહેરમાં એવું કહ્યું હતું કે, ભાજપ મને ખરીદવાનો પ્રયત્ન ન કરે. હું ભાજપના ધારાસભ્યનો ખરીદી લઉં એટલો શક્તિશાળી શું છું. ભાજપની ગંદી રાજનીતિમાં હું ફસાઈ જાલ તેવો નથી.
પણ હવે તેઓ 2024 સુધીમાં ભાજપની ગંદી રાજનીતિમાં બરાબરના ફસાઈ ગયા છે.
તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે ભાજપ અને મોદીના શખત ટીકાકાર રહ્યા હતા. તેઓ મોદીના જોક્સ કહેતા હતા. અર્જુન મોઢવાડિયા અને જવાહરની જોડી કોંગ્રેસમાં હતી. બન્ને ભાજપમાં ગયા છે.
ભાજપ સામે તેમના આરોપ કેવા હતા
રૂ.2 હજાર કરોડના મગફળી કૌભાંડ ભાજપની રૂપાણી સરકાર કરવાની છે, એવું જવાહર ચાવડાએ 20મી જાન્યુઆરી 2018માં કહ્યું હતું. તેના થોડા દિવસમાં જ આગ લાગી હતી અને પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. તેમણે ભાજપની રૂપાણી સરકારના કરોડોના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
જૂનાગઢ લોકસભા બેઠક કોંગ્રેસ જીતે તેમ હતી તેથી જવાહરને લાવાયા હતા.
ભાજપ સામે સૂત્રો પોકાર્યા ના બીજા જ દિવસે ભાજપમાં
જવાહર ચાવડા હજુ 7 માર્ચ 2019માં તો ભાજપના વિરોધમાં સૂત્રો પોકારતા હતા. કોંગ્રેસના જૂનાગઢના ધારાસભ્ય ભગવાન બારડને કોર્ટે સજા ફટકારતા વિધાનસભા અધ્યક્ષે તેમને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા હતા. તે સસ્પેન્શનના વિરોધમાં રેલીમાં જવાહરે મોદી અને ભાજપ સામે સૂત્રો પોકાર્યા હતા.
માણાવદર બેઠક પરથી 5 વખત ચૂંટાયા હતા.
બી.કોમ. થયેલા ચાવડાનો જન્મ 20 જુલાઈ, 1964ના રોજ ધોરાજી તાલુકાના ભડજડીયા ગામમાં થયો હતો. તેમણે મીતાબેન સાથે લગ્ન કર્યા છે. તેમને એક દીકરો અને દીકરી છે.
માર્કેટિંગ યાર્ડ
માણાવદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સતત 9 વખત તેઓ પ્રમુખ બન્યા.
જવાહરના વિવાદો શું
ભાજપ પ્રધાન બાબુ બોખીરીયા 2 કલાક મોડા પડતાં જવાહરે ઉદઘાટન કરી નાંખ્યું
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને 5 એપ્રિલ 2018માં જવાહરે પત્ર લખી 102 તલાટીઓની બદલીઓમાં કૌભાંડ થયું હોવાની ફરિયાદ કરી હતી.
ઇકો સેન્સીટીવ ઝોનનો વિરોધ કરીને કહ્યું હતું કે, ખેડૂતો પર અત્યાચાર કરી મેંદરડાનાં 24 ગામડાનો વિસ્તાર ગ્રીનને બદલે બ્લેક ગામડા કરી દેશે.
ભાજપ સરકારે દર્દીઓને દવા આપવા માટે રૂ.171 કરોડનું એક સોફ્ટવેર ખરીદ કર્યું છે તેમાં મોટું કૌભાંડ થયું હોવાનો આરોપ તેમણે 12 એપ્રિલ 2016માં મૂક્યો હતો.
મોદી સામે આરોપ
ગુજરાત વિધાનસભામાં 22 માર્ચ 2013માં જવાહરે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી વિશે અભદ્ર ઉચ્ચાર કર્યા હતા. અધ્યક્ષ વજુભાઇ વાળાએ કોંગ્રેસના સભ્ય ચાવડા પાસેથી માફી મંગાવી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
ભાજપે તેમને ગૃહની બહાર કાઢી મૂકવા માગણી કરી હતી. સિંહોની વસ્તી વધારવા માટે મુખ્યમંત્રીનું યોગદાન છે કે કેમ ? મુખ્યમંત્રી અને સભાગૃહની માફી માંગતા છેવટે સમગ્ર મામલો શાંત પડ્યો હતો.
જવાહર પૂર્વ મુખ્ય પ્રધાન મોદીને બદનામથી બોલાવતા હતા.
કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો
વિધાનસભા ગૃહમાં 27 ફેબ્રુઆરી 2018માં ચાવડાએ કૌભાંડનો મુદ્દો ઉઠાવતા નીરવ મોદીની કંપની સાથે વાયબ્રન્ટ ગુજરાતમાં થયેલા MOU અંગે પણ પ્રશ્ન પૂછ્યો હતો.
સૌરભ પટેલે કૌભાંડ કર્યું હોવાનો આરોપ
ડાયમંડ ગૃપના ડાયરેકટર અમિત ભટનાગરે 11 બેન્કો સાથે છેતરપીંડી કરી રૂ. 2654 કરોડના કૌભાંડ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર 3 એપ્રિલ 2018માં લખ્યો હતો. જેમાં તેઓ રાજ્યના પૂર્વ પ્રધાન સૌરભ પટેલ અને તેના મળતિયાઓએ વર્ષ 2016માં વડોદરા ખાતે યોજાયેલા સ્વિચ ગ્લોબલ એક્સ્પો કરી સરકારી રૂ. 50 કરોડ હડપ કરી કૌભાંડ આચર્યું હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.