આપણા સમાજમાં વૉર્ડ બોય, નર્સો અને અગ્ર હરોળમાં લડત આપી રહેલા કોરોના યોદ્ધાઓ સંભવતઃ કોરોના પોઝિટીવ દર્દીઓના સંપર્કમાં સૌથી વધુ વખત અને સૌથી લાંબા સમય સુધી આવે છે. આ યોદ્ધાઓને મદદરૂપ થવાના એક ઉમદા ઉદ્દેશ્ય સાથે થાણેના ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર પ્રતિક તીરોડકર આગળ આવ્યા અને તેમણે એક એવો રોબોટ તૈયાર કરવાનો વિચાર રજૂ કર્યો જે કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓને વૉર્ડમાં ભોજન, પાણી અને દવાઓ આપવાનું કામ કરે અને નર્સો તેમજ અન્ય સંભાળ લેનારા લોકોએ આવા દર્દીઓના પ્રત્યક્ષ સંપર્કમાં આવવાની જરૂર પણ ના પડે.
કોરો-બોટના કારણે નર્સો અને વૉર્ડ બોયને દર્દીઓ સાથે પ્રત્યક્ષ સંપર્કમાં આવવાની જરૂરિયાત રહેતી નથી. તે દર્દીઓને ભોજન, પાણી અને દવાઓ આપવાનું કામ કરે છે. તે કેમેરાની મદદથી દર્દીઓ સાથે વાર્તાલાપ પણ કરી શકે છે. દર્દીઓ ટ્રેમાંથી તેમની વસ્તુઓ ઉપાડે તે પહેલાં ઓડિયો રીમાઇન્ડરની મદદથી તેમના હાથ સેનિટાઇઝ કરવાની ચેતવણી પણ આપવામાં આવે છે. આ રોબોટમાં ત્રણ ટ્રે છે અને તેમાં વિવિધ ચીજવસ્તુઓ મૂકી શકાય છે.
કોરો-બોટ યુઝરને સેનિટાઇઝેશન આપવા ઉપરાંત, તે પોતાનું પણ સેનિટાઇઝેશન કરે છે જેથી તેની સપાટીઓના સ્પર્શથી વાયરસના ફેલાવાની શક્યતા દૂર કરી શકાય. તેમાં પાછળની બાજુએ 3 નોઝલ છે જે પોતાની પર જંતુનાશકોનો છંટકાવ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વધુમાં, તે જે માર્ગેથી ચાલે છે તેને UV લાઇટ્સનો ઉપયોગ કરીને સેનિટાઇઝ કરે છે. આ લાઇટ્સ પહેલા માર્ગને સેનિટાઇઝ કરે પછી રોબોટ ત્યાંથી આગળ વધે છે.
તેમાં ત્રણ ટ્રે છે અને દરેકમાં 10-15 કિલો વજનનો જથ્થો મૂકી શકાય છે તેમજ નીચેના ભાગે 30 કિલોની ક્ષમતા છે. આથી આ રોબોટ એક વખતમાં સરળતાથી 10-15 લોકો માટેનો પૂરવઠો લઇ જઇ શકે છે.