Rupani closed the festivals, the government is in full swing, MLA Ghyasuddin Sheikh
16 Mar, 2021
રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં ચૂંટણી પછી વધારો થયો છે. તેથી કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ફરીથી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચૂંટણી પહેલા 300થી 350 કોરોના પોઝિટિવ કિસ્સો આવી રહ્યા હતા પરંતુ ચૂંટણી પછી 600થી 700ની વચ્ચે કોરોનાના કેસ આવી રહ્યા છે. ત્યારે હવે આગામી દિવસોમાં આવનાર હોળી અને ધૂળેટીના તહેવારને લઇને રાજ્ય સરકાર દ્વારા કેટલાક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ચૂંટણીમાં નેતાઓએ બિંદાસ થઈને રેલીઓ કરી અને હવે કોરોનાની ગાઈડલાઈન લોકોની પાસેથી પાલન કરાવાતા કોંગ્રેસના ધારાસભ્ય ગયાસુદ્દીન શેખે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી ટાણે બિંદાસ થઈને રેલીઓ અને સભાઓ કરી ત્યારે કોરોના થયો ન હતો અને હવે તહેવારને ધ્યાનમાં લઈને કોરોના ગાઈડલાઈનનું ગાણું લઈને લોકોને રોકી રહ્યા છો. આ સાથે તેમણે સરકારને લોકોની ધાર્મિક લાગણીઓ સાથે છેડછાડ ન કરવાનું જણાવ્યું હતું.
કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું કહેવું છે કે, લોકોના તહેવારો જ સરકારે બંધ કરાવ્યા છે બાકી સરકાર દ્વારા સરકારી તાયફાઓ ધામધૂમથી કરવામાં આવે છે. પ્રસંગોમાં 200 લોકો કરતા વધારે લોકો એકઠા થાય તો કાર્યવાહી કરવામાં આવે છે અને બીજી તરફ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કોરોનાની ગાઈડલાઈનનું ભંગ થાય છે. ત્યાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની અંદર 65 હજાર લોકો એકઠા થયા તો ત્યાં કોઈને ચેપ ન લાગ્યો? શું ત્યાં કોરોના નહીં આવે? એટલે આ વસ્તુને જોતાં લોકોને તહેવારો માટે છૂટછાટ આપવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, લગ્ન પ્રસંગમાં માત્ર સરકારે 200 લોકોને છૂટછાટ આપી છે પરંતુ તેની સામે રેલી અને સભામાં ભાજપના નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદોએ હજારો લોકોને એકઠા કર્યા હતા અને ચૂંટણીનો પ્રચાર કર્યો હતો, ત્યારે સરકારને કોરોનાના નિયમો ક્યાંય દેખાયા નહીં પરંતુ જેવી ચૂંટણી પૂરી થઇ એટલે ફરીથી જનતા સામે કોરોનાની ગાઈડલાઇનનું પાલન કડકપણે શરૂ કરવામાં આવ્યું. મહાશિવરાત્રીના દિવસે ભાજપના મંત્રી યોગેશ પટેલ દ્વારા વડોદરામાં હજારો લોકોને એકઠા કરીને એક રેલી કાઢવામાં આવી હતી. છતાં પણ તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નહીં. એક પણ રૂપિયાનો દંડ ભાજપ સરકારના મંત્રીને કરવામાં આવ્યો નહીં. ત્યારે સરકારની આ નીતિને જ દર્શાવે છે કે, નિયમો માત્ર જનતા માટે છે સરકાર કે, પછી સરકારના મંત્રીઓ કે નેતાઓ માટે લાગુ પડતા નથી.