ગાંધીનગર, 4 મે 2021
બે જ દિવસમાં ગુજરાત રાજ્યના 248 તાલુકાની 14246 ગ્રામ પંચાયતોમાં 10,320 હજાર કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર કામ કરી રહ્યાં છે. જેમાં 1.05 લાખ પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાએ આ રીતે આખા ગુજરાતમાં મોટા પ્રમાણમાં ભરડો લીધો છે.
ગામોમાં શાળા સંકુલ, જ્ઞાતિની વાડી,સરકારી શાળા, કોમ્યુનીટી હોલ, સમાજવાડી, હોસ્ટેલ કે સરકારી મકાન જેવા બિલ્ડીંગ, મોટા ખાલી રહેલા મકાનો, મંડળીઓ, પંચાયત ઘર જેવી જગ્યાઓએ જરૂર જણાયે આઇસોલેશન સેન્ટર, કોવિડ કેર સેન્ટર્સ ઊભા કરવામાં આવ્યા છે. તેમાં શરદી, ખાંસી, સામાન્ય તાવ જેવા લક્ષણો ધરાવતા ગ્રામજનોને આઇસોલેટ કરવામાં આવી રહ્યાં છે.
આઇસોલેશન સેન્ટર્સ-કોવિડ કેર સેન્ટરમાં રહેલા લોકોના રહેવા-જમવા તેમજ સ્ટાન્ડર્ડ દવાઓ, વિટામીન-સી, એઝિથ્રોમાઇસીન, પેરાસીટામોલ, આયુર્વેદીક ઊકાળા તેમજ પલ્સ ઓકસીમીટર, થર્મોમીટર જેવી પાયાની આરોગ્ય સુવિધાઓની વ્યવસ્થા ગામ દ્વારા કરવામાં આવી છે. સરકારે તેની વ્યવસ્થા ઊભી કરી નથી.
જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને ગામના અગ્રણીઓની 10 વ્યક્તિઓની સમિતિને લોકભાગીદારીથી કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ શરૂ કરવામાં આવી રહ્યા છે.
ડાંગ જેવા દુર્ગમ આદિજાતિ વિસ્તારમાં 83 સેન્ટર્સમાં 1242 બેડ માંડીને ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તાર બનાસકાંઠામાં 897 કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ 6400 પથારીની સુવિધા સાથે ઊભા કરવામાં આવ્યા છે.