ભરૃચ જિલ્લાના વાગરા તાલુકાના ત્રણ ગામોમાં GIDC માટે જમીન સંપાદન કરનારા ત્રણ અધિકારીઓ દ્વારા મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાના આક્ષેપ સાથે માજીમંત્રી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમણે પુરાવા રજુ કરી CBI તપાસની માગ કરવામાં આવી છે. આ સનદી અધિકારીઓ સામે રૂપાણીએ આજ સુધી કોઈ પગલાં લીધા નથી.
ભરૃચ જિલ્લાના વાગરા તાલુકામાં GIDC બનાવવા માટે ત્રણ ગામના અશિક્ષિત ખેડૂત ખાતેદારોની 1200 એકર જમીન સંપાદન કરાઇ છે. જેમાં ત્રણ સનદી અધિકારીઓના આર્શિવાદથી ભૂમાફીયાઓ દ્વારા ખેડૂત ખાતેદારોને પટાવી, ફોસલાવી, ધાકધમકી આપીને ભરૃચ જિલ્લા બહારના મળતીયા ખેડૂતોનાં નામે દસ્તાવેજ કરાવી લેવાયા હતા. જે જમીનની અંદાજે બજાર કિંમત રૃા. 600 કરોડ જેટલી થાય છે.
સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતાં સનસનાટી મચી ગઈ છે. આ રેકટમાં GIDCના એમડી થન્નારશન, ઉધોગ અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ તેમજ ભરૃચ GIDCના જમીન સંપાદન અધિકારી ડેપ્યુટી કલેકટર યાસ્મીન શેખ સામે માજી મંત્રી ખુમાનસિંહ વાંસીયાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૃપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિત 10 વ્યક્તિઓને લેખિતમાં રજૂઆત કરી છે. રજૂઆતમાં સમગ્ર કૌભાંડમાં CBI તપાસની માગ કરવામાં આવી છે.
ભરૃચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિના કન્વીનર ખુમાનસિંહ વાંસીયાએ કરેલી રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે, મારી પાસે ભરૃચ જિલ્લાના વાગરા તાલુકાનાં ત્રણ ગામોની જમીન સંપાદનની પ્રક્રિયામાં મસમોટું કૌભાંડ થયાની ફરિયાદ ખેડૂતો લઇને આવ્યા હતા. ગુજરાત રાજ્યની 1960માં સ્થાપના બાદ રાજયના ઔધોગિક વિકાસમાં ગુજરાત ઔધોગિક વિકાસ નિગમની ચાવીરૃપ ભૂમિકા છે.
GIDC ધ્વારા 2019 સુધી પારદર્શક જમીન સંપાદનથી નબળા, દેવાદાર, અશિક્ષીત ખેડૂતોને ન્યાયપૂર્વક યોગ્ય વળતર મળતું હતું. પરંતુ 2020માં વાગરા તાલુકાનાં અંભેલ, પખાજણ અને લીમડી ગામોની 1600 એકર જમીન સંપાદન પ્રક્રિયા થઇ હતી. જેમાં 1200 એકર જમીન મૂળ ખેડૂત ખાતેદારોને સમજાવી, પટાવી, ફેસલાવી તેમજ જરૃર પડે ધાક-ધમકીથી નજીવા ભાવે દસ્તાવેજો લખાવી લેવાઇ હતી. જે બાદ GIDCએ જમીન સંપાદનનું જાહેરનામું બહાર પાડીને મળતીયાઓને પહેલા જ મોટી રકમનું વળતર ચુકવવામાં આવ્યું હતું.
વધુમાં વાંસિયાએ ઉલ્લેખ્યુ હતું કે, GIDC, ઉધોગ વિભાગ અને ભરૃચ GIDCનાં જમીન સંપાદન અધિકારીઓની વ્હાઈટ કોલર ક્રાઈમ પ્રવૃત્તિને કદી માફ ન કરાય તેવી છે . અધિકારીઓ દ્રારા 1600 એકરમાંથી 1200 એકર જમીન ભૂમાફીયા પ્રવૃત્તિથી જિલ્લા બહારના બોગસ ખેડૂતોનાં ખાતામાં રૃપિયા ટ્રાન્સફર કરાયા છે. અધિકારીઓએ હદ્દ વટાવતાં જાહેરનામા બહાર પાડયા બાદ અગિયાર જેટલા આદિવાસી ખેડૂતોની લગભગ 50 એકર જમીન કાયદાની આંટીઘૂંટીથી દસ્તાવેજો કરાવી લીધા હતા. જેમાં કેટલા મૃતક ખેડૂતોનો પણ સમાવેશ થાય છે.
આવા અધિકારીની કાયદાની દાદાગીરી સામે આમ પ્રજામાં ભારે આક્રોશ ફેલાયો છે. ત્યારે આવા કૌભાંડી સનદી અધીકારીઆ સામે સરકારે ઉદાહરણ બેસે એવા સખત કડકમાં કડક પગલાં ભરવાં જોઈએ.