કોરોનામાં કેદીઓએ માનવતા બતાવી, 10 રૂપિયામાં માસ્ક તૈયાર કર્યા

કોરોનાની વિપત ઘડીમાં જેલના કેદીઓની પણ સમાજસેવા, કેદીઓ દ્વારા નિર્મિત માસ્ક ફ્ક્ત રૂ. ૧૦ માં શહેરીજનોને મળશે

રાજ્યમાં કોરોના વાયરસને લીધે ઉભી થયેલી પરિસ્થિતિમાં સમાજનો દરેક નાગરીક અન્યને મદદરૂપ થવા માટે તૈયાર છે તેવા સમયે જેલમાં રહેલા કેદીઓ પણ આ વિપતની ઘડીમાં પોતાનું યોગદાન આપવા માટે કટીબધ્ધ બન્યા છે.

અમદાવાદ મધ્યસ્થ જેલના દરજી વિભાગ ખાતે રહેલા ૩૦ કેદીઓ દ્વારા હાલમાં માસ્કનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ માસ્ક ફક્ત રૂ. ૧૦માં ઉપલબ્ધ છે. અત્યારે આર.ટી.ઓ. કચેરી પાસે આવેલ ભજીયા હાઉસ ખાતેના જનતા વેચાણ કેન્દ્ર ઉપર આ માસ્કનું વેચાણ ચાલું છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં જેલના કેદીઓ દ્વારા દરરોજ ૧૦૦૦ બ્લિચીંગ કરેલા માસ્કનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જેથી વધુમાં વધું લોકો સુધી આ માસ્ક પહોચાડી શકાય

આ અંગેની વિગતો આપતા અમદાવાદ મધ્યસ્થ જેલના અધિક્ષક ડૉ. એમ. કે. નાયકના જણાવ્યું કે,  અત્યારે જેલને કુલ ૧૫,૦૦૦ માસ્કના ઓર્ડર મળેલા છે, તદઅનુસાર ૭૦૦૦ માસ્ક જે-તે વિભાગને પુરા પાડવામાં આવ્યા છે. રાજ્યની અન્ય જેલ તથા એસ.ટી.નિગમ, ઉદ્યોગ કમિશનર, કેન્સર હોસ્પિટલ સહિતની સરકારી કચેરીઓ ખાતેથી મળતા ઓર્ડર મુજબ માસ્ક પુરા પાડવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત માંગને આધારે વધું ઉત્પાદન કરવામાં આવશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.