Sabarmati river polluted hundred times, destruction behind development साबरमती नदी सौ गुना प्रदूषित, विकास के पीछे विनाश
પર્યાવરણવિદ્ રોહિત પ્રજાપતિનો ચોંકાવનારો દાવો – સાબરમતી નદી નથી તે કેમીલક નદી
52 ગટર દ્વારા 1 કરોડ લોકો અને 10 હજાર ઉદ્યોગોનું ગંદુ અને ઝેરી પાણી નદીમાં
દિલીપ પટેલ
અમદાવાદ, 21 જાન્યુઆરી 2025
ગુજરાતની ‘સાબરમતી નદી’ નું પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીમાં સુધારાનું દ્રષ્ટાંત બનાવી શકાય તેવા પગલાં ભરવા હવે અનિવાર્ય થઈ રહેલા છે. અમદવાદ પછીની સાબરમતી નદી ગુજરાતની સૌથી પ્રદૂષિત નદી બની ગઈ છે. તે ગટરમાં ફેરવાઈ ગઈ છે. એસટીપીનું કાર્ય એનજીટી નોર્મ્સ પ્રમાણે નથી. નેશનલ વોટર મોનેટરીંગ પ્રોગ્રામ હેઠળ સમગ્ર દેશમાંથી 603 નદીઓના પાણીની તપાસ અને તેની ગુણવત્તા ચેક કરવામાં આવી હતી. જેમાંથી ગુજરાતની 25 નદીઓમાંથી 13 નદીને પ્રદૂષિત જાહેર કરવામાં આવી છે, જેમાં સાબરમતી, ભાદર અને દક્ષિણ ગુજરાતની 8 નદીઓ પ્રદૂષિત જાહેર કરી હતી.
3ના સાથાને 345 મીલીગ્રામ
ગુજરાત રાજ્યની સૌથી પ્રદૂષિત નદી સાબરમતી છે. નદીમાં બાયોકેમિકલ ઓક્સીજન ડિમાન્ડ એટલે કે બીઓડીનું પ્રમાણ એક લીટર દીઠ 3 મીલીગ્રામ કરતાં વધી જાય તો એ નદીને પ્રદૂષિત નદી ગણવામાં આવે છે. સાબરમતીના પાણીમાં 292 મીલીગ્રામ બીઓડી છે. ભારતની સૌથી વધુ પ્રદૂષતિ નદી તામીલનાડુમાં આવેલી કોઉમ છે, જેમાં બીઓડીનું પ્રમાણે એક લીટર દીઠ 345 મીલીગ્રામ છે. સાડા ત્રણસો ગણી પ્રદૂષિત નદી બની.
અમદાવાદની સાબરમતી નદી દેશમાં બીજા નંબર પર સૌથી પ્રદૂષિત નદીતરીકે જોવા મળી રહી છે.
નારોલ CETP માંથી નદીમાં સતત પ્રદૂષિત પાણી આવી રહ્યુ છે. નદીમાં ઠલવાતુ પ્રદૂષણ રોકવામાં હજુ પણ AMC અને GPCB નિષ્ફળ નિવડ્યુ છે.
52 સ્થાનોથી પ્રદૂષણ
સાબરમતી નદીના પ્રદૂષણ મામલે કોર્ટ દ્વારા રચવામાં આવેલી જોઇન્ટ-ટાસ્ક ફોર્સ (JTF)ના સભ્ય અને પર્યાવરણવિદ્ રોહિત પ્રજાપતિ છે. તેઓ કહે છે કે, પ્રદૂષણ ફેલાવતાં ઉદ્યોગો બંધ કરાવાયા હોવા છતાં પ્રદૂષણ આવે છે. દાણીલીમડાના 80 કેમીકલના કારખાના અને તે વિસ્તારમાંથી પ્રવાહ ચાલુ છે. મેગા પાઇપલાઇનમાંથી પાણી આવે છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ડ્રોન સર્વે કહે છે કે, 52 સ્થળો પરથી નદીમાં ગટરનું પાણી અને ઔધ્યોગિક પાણી અને કચરો ઠાલવવામાં આવે છે.
મેગા પાઇપલાઈન
અમદાવાદ શહેરની કોમન વેસ્ટવોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા મેગા પાઇપલાઈનમાંથી – કારખાના અને ગટરનું પાણી શુદ્ધ કરીને સાબરમતીમાં છોડવામાં આવે છે. સાબરમતી નદીમાં કેમિકલ ના જાય એ માટે ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિએશન, જીપીસીબી, જીઆઈડીસી, એએમસી જેવી સંસ્થાઓની મળીને મેગા ક્લિન ઍસોસિએશનની સ્થાપના કરી છે. ઇન્ડસ્ટ્રિયલ એરિયામાંથી નદીમાં ભળતા કેમિકલ વગેરેના નિકાલ માટે નરોડાથી પીરાણા સુધી 27 કિલોમીટરની મેગાઈન બનાવવામાં આવી છે.
ખાટા દાવા
પ્રદ્રુષિત પાણીને શુદ્ધ કરવામાં આવતું હોવાનો દાવો ગુજરાત પ્રદૂષણ બોર્ડ અને અમદાવાદ મહાનગરની સરકાર દ્વારા કરવામાં આવે છે. પણ તેમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું હોવાની વિગતો જાહેર થઈ છે. હવે મેગા પાઇપલાઇનની જવાબદારીમાંથી અમદાવાદની સરકાર છટકી રહી છે. ટાસ્ક ફોર્સની તપાસ લાંબો સમયથી કરવામાં આવતી નથી.
CETP
કેમિકલયુક્ત પાણી સીધુ નદીમાં ઠાલવાય છે. તમામ 7 CETP નો તપાસ અહેવાલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તૈયાર કરાતો નથી. શહેરની સરકાર, ગુજરાત સરકાર, અમદાવાદ મેગા ક્લીન એસોસિયેશન અને અમદાવાદ શહેરના કમિશનર આ માટે જવાબદાર છે. કોમન વેસ્ટવોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP) એ એક એવી સુવિધા છે જે ઔદ્યોગિક અને ઘરેલું સ્ત્રોતોમાંથી ગંદા પાણીને એકત્રિત કરે છે, તેનું શુદ્ધિકરણ કરે છે અને નિકાલ કરે છે. ક્લસ્ટરમાં બહુવિધ ઔદ્યોગિક સ્થળોના ગંદા પાણીને શુદ્ધ કરવા માટે બનાવેલો છે.
જીવસૃષિટીનો વિનાશ
સાબરમતી નદીમાં માણસ અને જીવસૃષ્ટિને નુકસાનકારક તત્વો સાથેનું ઇફ્લુએન્ટ છોડે છે. વિશ્લેષણાત્મક અહેવાલોમાં સ્પષ્ટપણે દર્શાવાયું છે કે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નક્કી કરાયેલા ઇફ્લુએન્ટ ડિસ્ચાર્જ નોર્મ્સ (જેવા કે COD, BOD, SS, chlroide, sulfate વિગેરે) નું પાલન કરવામાં સદંતર નિષ્ફળ છે. અદાલતના હુકમ પરત્વે કોઈ માન કે આદર નથી.
ઝેરી પાણી નદીમાં
કારખાનાઓ ધરખમ ઝેરી પ્રદૂષક તત્વો છોડવામાં આવી રહ્યું છે. વડી અદાલતની ગંભીર ટીકા પછી પણ સાબરમતીમાં નદીમાં પ્રદૂષિત પાણી ખુલ્લેઆમ છોડવામાં આવે છે. જીવસૃષિટી અને પર્યાવરણને નુકસાન કરે છે. વડી અદાલતે ચૂકાદો આપ્યો છે કે, કોઈ પણ ટ્રીટેડ વેસ્ટને મેગા પાઇપલાઇનમાં મારફતે અથવા સુએઝનું સુએઝ ટ્રિટેમેન્ટ કર્યા બાદ, ઉત્પન્ન થતું એફ્લુઅન્ટ સાબરમતી નદીમાં છોડવામાં ન આવે. તેમ છતાં વડી આદાલતના આદેશો બન્ને સરકારો માનતી નથી. ઉદ્યોગો કે ઉદ્યોગ સંગઠનો વિરુદ્ધ પગલાં લેવામાં આવતા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન તરફથી સાબરમતી નદીના શુદ્ધિકરણ અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મામલે કોઈ નક્કર જવાબ રજૂ કરી શકી ન હતી.
પાણી ટ્રીટમેન્ટના નામે જૂઠાણા
અમદાવાદ મહાનગર પાલિકા અદાલતમાં પણ જુઠ્ઠું બોલી રહી છે. 106 એમએલડી ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા અંગે વડી અદાલતે જણાવ્યુ હતું કે, ‘મીડ ટર્મ પ્લાન મુજબ, ફેબ્રુઆરી-2025 સુધીમાં કામ પૂરું થવાનું સત્તાવાળાઓ કહે છે પણ તેના ટેન્ડર અપાયા નથી તો તમે કેમ કઈ રીતે કહી શકો તો કામ ચાલે છે. વાસણા એસટીપી અડધી ક્ષમતા સાથે કામ કરે છે. નવા એસટીપી 2026, 2027 અને 2028માં આવવાના. એસટીપી પૂર્ણ કાર્યક્ષમતા સાથે કામ કરતાં નથી અને તેથી 35 એમએલડી પાણી ડાયવર્ટ કરવું પડે છે. પ્રગતિ કોઈપણ રીતે સંતોષકારક નથી એવું વારંવાર કહેવામા આવે છે.
પગલાં
સાબરમતી નદીમાં કેમિકલવાળું પ્રદૂષિત પાણી છોડતાં 61 ઔદ્યોગિક એકમો સામે 2022-23માં પગલાં ભરાયા હતા. જેમાં 32 એકમોને ઉદ્યોગ બંધ કર્યા હતા. 12 ઉદ્યોગોને કારણદર્શક નોટિસો, 16 એકમોને નોટિસ ઓફ ડાયરેક્શન તથા એક એકમને લીગલ નોટિસ અપાઈ હતી. 32 ઉદ્યોગોને સદંતર બંદ કરી દેવાયા પણ તેમાંથી 10ને તો ફરી ચાલુ કરી દેવાની મંજૂરી આપી હતી.
કેમીકલ નદી
280 કરોડનો નદી સાફ કરવાનો ખર્ચ કરાયો છે. સાબરમતી નદી નિર્જિવ બની ગઈ છે. શહેરમાંથી પસાર થતી નદીનું પાણી નર્મદાનું ઉછીનું લીધેલું છે. તેથી રૂપળી લાગે છે. પણ વાસાણ બંધ પછી નદી કેમીકલ લઈ જતી નદી બની ગઈ છે. 3 દાયકાથી સુએઝનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર જ નદીમાં ઠાલવવામાં આવે છે. ઉદ્યોગપતિઓ દ્વારા ઝેરી કેમિકલ પણ નદીમાં ઠાલવવામાં આવે છે. જેના માટે અમદાવાદમાં કાયમી સત્તા સ્થાપિત કરેલાં ભાજપ જવાબદાર છે.
આદેશ
દેશની સર્વોચ્ચ અદાલતે આદેશ કર્યો છે કે, ગટરનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર નદી, જળસ્રોતો કે જમીનમાં પણ છોડી શકાય નહીં. એકમોને કાયમી ધોરણે બંધ કરી દેવાનું પણ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.
લાલ જમીન
નદી નીચેના 50 કિલોમીટર સુધીના નદી કાંઠાના ખેતરની જમીનો લાલ થઈ ગઈ છે અને એમને ખેતઉત્પાદન માટે કેમિકલનો વપરાશ વધારવો પડ્યો છે. બોરવેલમાંથી લાલ પાણી નીકળી રહ્યું છે.
ઊભો પાક ખરાબ થઈ જાય છે. પેદાશ અડધી થઈ છે. નદીના પાણીથી કપડા લાલ થઈ જાય છે. નદીમાં માત્રને માત્ર કેમિકલ છે. નદી કાંઠે ઘઉં અને ડાંગર આવા પાણીમાં થાય છે અને તે લોકો ખાય છે. દરેક ગામમાં કેન્સર અને ચામડીના દર્દીઓની સંખ્યા મોટી થતી જાય છે.
સલ્ફેટ અને ક્લોરાઈડ
સલ્ફેટના ઊંચા પ્રમાણના કારણે સલ્ફેટ-ઘટાડનાર બેક્ટેરિયાનો વિકાસ થઈ શકે છે, જે હાઈડ્રોજન સલ્ફાઈડ ઉત્પન્ન કરે છે. આ વાયુમાં સડેલી ડિમ્બની બાસ આવે છે અને તે જળચર જીવન માટે ઝેરી છે.
પીવાના પાણીમાં સલ્ફેટના ઊંચા સ્તરથી આંતરડાના રોગ અને પાચનતંત્રમાં તકલીફો થઈ શકે છે. બાળકો માટે તે ખતરનાક છે.
કલોરાઈડનું વધારે પ્રમાણ જળચર પૃથ્વી માટે નુકસાનદાયક છે, કારણ કે વધુ ક્ષારના કારણે પ્રાણીઓ તેન સહન કરી શકતા નથી. જ્યારે નદીનું પાણી સિંચાઈ માટે વપરાય છે ત્યારે તે જમીનના બંધારણ અને ઉપજ ઘટાડે છે. પાણીમાં મીઠાનું પ્રમાણ વધી જતું હોવાથી લોહીનું ઊંચું દબામ થાય છે. તેના કારણે પાણીમાં બેક્ટેરિયા વિઘટન થતાં હોવાથી ઓક્સિજન ઘટાડે છે. જે માછલી અને અન્ય જળચર પ્રાણીઓ પરનો વિનાશ નોતરે છે. ઝેરી પદાર્થો હોય છે.