પાકિસ્તાનની સરહદના ગામોમાં શાળા બંધ, શિક્ષક દીપક મોતાએ પોતાની કારે ડીઝીટલ શાળામાં બદલીને અભ્યાસ શરૂ કરાવ્યો

ભુજ, 23 સપ્ટેમ્બર 2020
ગુજરાતમાં પણ પોઝિટિવ કેસોની સંખ્યા ઓછી થવાના બદલે સતત વધી રહી છે. વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી. ઓનલાઇન શિક્ષણ ગૂંચવાઈ રહ્યું છે. ત્યારે એક એવા શિક્ષક બાળકોને નિસ્વાર્થ ભાવે અભ્યાસ કરાવી રહ્યા છે. આ શિક્ષક ભુજના માંડવી તાલુકાના બાગ ગામની હુંદરાઈબાગ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે અને તેમનું નામ દીપક મોતા છે.

શિક્ષક દિપક મોતાને એક પ્રશ્ન મૂંઝવી રહ્યો હતો કે ,ઓનલાઇન શિક્ષણનું પરિણામ મળવું જોઈએ તે પરિણામ મળતું નથી. જેના કારણે શિક્ષકે બાળકો સુધી શિક્ષણ પહોંચી શકે તે માટે પોતે પોતાની અલ્ટો કારમાં જ ડિજિટલ સ્કૂલ શરૂ કરી દીધી છે. તેઓ પોતાની અલ્ટો કારને લઈને બાળકોને અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓના ઘર નજીકના મહોલ્લામાં પહોંચી જાય છે. અલ્ટો કારમાં શરૂ કરેલી સ્કૂલનું નામ શિક્ષણરથ આપ્યું છે.

શિક્ષકે તેમની કારમાં 42 ઇંચનું LED ટીવી ગોઠવ્યું છે. ટીવીને ચલાવવા માટે કારમાં ઇન્વર્ટર પણ ફિટ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનની નજીકના વિસ્તારમાં નીકળી પડે છે. વિદ્યાર્થીઓને એક જગ્યા પર સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે બેસાડીને પોતાનું લેપટોપ LED ટીવી સાથે કનેક્ટ કરીને વિદ્યાર્થીઓને ડિજિટલ અભ્યાસ કરાવી રહ્યા છે.

માંડવી તાલુકાના ગામડાઓમાં ચોમાસામાં વીજળીની સમસ્યા છે. મોબાઇલ નેટવર્ક ઓછું પકડાય છે. તેથી ઓનલાઇન અભ્યાસ કરી શકતા નથી. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી બાળકોની પાસે મોબાઈલ ફોન નથી. જેથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.