ગુજરાતમાં રોજગારી-રોજીરોટી માટે બહારના રાજ્યમાંથી આવેલા શ્રમિકો-કારીગરો સહિત રાજ્યના અંતરિયાળ ગામોના વતની શ્રમજીવીઓ પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના વતન-ગામ પાછા ન જાય તે માટે તેમને આશ્રય અને ભોજન વગેરે વ્યવસ્થા માટે રાજ્યમાં વિવિધ સ્થળોએ ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે આશ્રય-રાહત શિબિર શેડ બનાવવા SDRFમાંથી ખાસ ફાળવણી કરી છે.
લોકોના નાણાંમાંથી આટલા મોટા શેડ બનાવવા તે એક અનોખો વિક્રમ છે.
આવા શેડ બનાવવા માટે અમદાવાદને રૂ. ૩ કરોડ, સુરતને રૂ. ર.પ૦ કરોડ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર પ્રત્યેકને રૂ. ર-ર કરોડ તેમજ અન્ય જિલ્લાઓને ૧ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
શાળાઓ ખાલી છે ત્યાં આશ્રય આપીને આ ખર્ચે તેમને મફત અનાજ આ શાળામાં આપીને નાણાંની બચત થઈ શકે તેમ હતી. છતાં 40 – 100 કરોડનું ખર્ચ કરી નાંખવામા આવી રહ્યું છે.
ગુજરાતમાં રોજીરોટી માટે આવીને વસેલા અન્ય રાજ્યોના શ્રમિકો, ગરીબ-અંત્યોદય પરિવારો-લોકોને પણ લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતીમાં અનાજ વગર ન રહેવું પડે તે માટે વધુ એક ઉદાત્ત ભાવ દર્શાવ્યો છે. રાજ્યમાં હાલની લોકડાઉનની સ્થિતીમાં નિરાધાર, વૃદ્ધ, નિ:સહાય અને એકલવાયું જીવન જીવતા લોકોને ખાવા-પીવાની સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકારે સ્વૈચ્છિક સેવા સંગઠનોના સહયોગથી વિનામૂલ્યે ભોજન-ફૂડપેકેટસનું વિતરણ શરૂ કર્યુ છે. આવાં કુલ ૧ર લાખ પ૯ હજાર ફૂડપેકેટસ અત્યાર સુધીમાં વિતરીત થયા છે.