સરકારી કતલખાનામાં જ ગેરકાયદે 24 કરોડથી વધુ જાનવરની કતલ

અમિત કાઉપર ગાધીનગર,તા::18

જીવપ્રેમી, ધર્મપ્રેમી અને સંસ્કૃતિની દુહાઈ દેનારી સરકાર અને તેના કતલખાનાની વાત જ નિરાળી છે. સામે આવ્યા મુજબ સરકારી કતલખાનામાં જાનવરોની મોટાપાયે કત્લેઆમ ચાલી રહી છે. જે અંગે સંવેદનશીલ અને પ્રજાલક્ષી કામ કરવા માટે પોતાને જાણીતી કરનારી ભાજપ સરકાર આંખ આડા કાન જ કરતી હોવાનું લાગી રહ્યું છે.

રાજ્યમાં હાલમાં કુલ રજિસ્ટર થયેલા કુલ 40 કતલખાનાં ધમધમી રહ્યા છે, જે તમામ સરકાર દ્વારા જ સંચાલિત છે. જોવાનું એ છે કે સરકારી રેકોર્ડ પ્રમાણે હાલમાં માત્ર આઠ કતલાખાનાં જ કાર્યરત્ છે, જે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, વલસાડ, સુરેન્દ્રનગર અને વાંકાનેરમાં આવેલાં છે.

સમગ્ર દેશમાં ચાલતાં કતલખાનાંએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનું લાઈસન્સ લેવું ફરજિયાત છે, જે ન હોવાથી કતલખાનું ગેરકાયદે ઠરે છે. જોવાનું એ છે રે નાનામાં નાના ઉત્પાદન ગૃહોને સરકાર દ્વારા FSSAIનું લાઈસન્સ લેવા ફરજ પાડવામાં આવે છે, પરંતુ એકપણ સરકારી સ્લોટર હાઉસ એટલે કે કતલખાનાનું લાઈસન્સ આજદિન સુધી ઈશ્યૂ થયું જ નથી.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન એક્ટૃ-2006ના અમલીકરણ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ઓથોરિટીની પૂર્ણ જવાબદારી બને છે, જો કે તેઓને પણ આ લાઈસન્સ વિના જાનવરોની ગરદન પર ચાકુ ફેરવતાં કતલખાનાં નજરે પડતાં નથી. આનાથી સાબિત એ જ થાય છે કે રાજ્યનાં કતલખાનામાં 24 કરોડથી વધુ જાનવરની કતલ ગેરકાયદે જ થઈ છે.

સરકારી આંકડા પ્રમાણે નોંધાયેલાં આઠ કતલખાનાંમાં વાર્ષિક સરેરાશ ત્રણ કરોડ જાનવરોની કતલ થાય છે, એટલે જોઈએ તો 2011ના વર્ષથી એટલે જે આઠ વર્ષમાં આશરે 24 કરોડ જાનવરોની ગેરકાયદે કતલ થઈ છે.

સુપ્રીમ કોર્ટના કાયદાની અવમાનના કરાઈ 

2014ના વર્ષમાં સુપ્રીમ કોર્ટે લક્ષ્મીનારાયણ મોદી વિરુદ્ધના કેસમાં તમામ રાજ્યને સ્લોટર ઓફ એનિમલ એન્ડ મેનેજમેન્ટ ઓફ સ્લોટર હાઉસ સંબંધી કાયદાનો ફરજિયાત સંગ્રહ કરવા આદેશ કર્યો હતો. જે અંગે રાજ્ય સરકારે પણ સ્ટેટ સ્લોટર હાઉસ કમિટીએ તમામ સત્તામંડળને આ સંગ્રહના અમલીકરણ માટે કહ્યું હોવાનું જણાવ્યું હતું. જો કે તેનો અમલ હજુ પણ ન થતો હોવાનું સામે આવ્યું છે. જેનાથી સુપ્રીમ કોર્ટના આદેશનું અવમાન થયું છે. રજિસ્ટર્ડ કતલખાનામાં પણ પશુની મનફાવે તેવી રીતે કતલ કરી શકાતી નથી. પશુને કતલ કરવાના નિયમો તેમને પણ લાગુ પડે છે.

કયા સંજોગોમાં જાનવરની કતલ ન કરી શકાય
૧) ગર્ભવતી હોય
૨) તે પશુને 3 મહિનાથી નાનું બચ્ચું હોય
૩) 3 મહિનાથી ઓછી ઉમરનું હોય
૪) સરકારે નિમેલા ડોક્ટરના સર્ટિફિકેટ વગરનું હોય

ગુજરાતમાં થતી વાર્ષિક કત્લેઆમ 
ભેંસ 10430
ઘેંટાં 54110
બકરાં 78750
ભુંડ 4240
પોલ્ટ્રી 2.94 કરોડ

લાઈસન્સ વિનાનાં કતલખાનાં માટે સરકારને નોટિસ 

ધી એનિમલ વેલફેર ફાઉન્ડેશન નામની સંસ્થાએ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકા દ્વારા સંચાલિત વેલિડ લાઈસન્સ વગર ચાલતાં કતલખાનાંને તાત્કાલિક બંધ કરવા રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય સ્લોટર હાઉસ કમિટી, FDCA કમિશનર અને મહાનગરપાલિકાઓના કમિશનર્સને એક લીગલ નોટિસ પાઠવી છે. જેમાં જણાવ્યું છે કે આઠ કતલખાનાંને 7 દિવસમાં બંધ કરવામાં આવે. આ ઉપરાંત 8થી 9 વર્ષથી ગેરકાયદે કતલખાનાં ચલાવવા માટે કારણભૂત અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી FSSAIના નિયમોના ભંગ બદલ દંડ પણ વસુલવામાં આવે.

તમામ નિયમો નેવે 

જામનગર મહાનગરપાલિકા સંચાલિત કુશઈશ કસાઈ જમાત કતલખાનું FSSAIના નિયમોનો ભંગ તો કરતું જ હતું, પરંતુ 6 વર્ષથી પર્યાવરણીય કાયદાઓને પણ ગણકારતું નહોતું. આથી જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આ એકમને ક્લોઝર માટે આદેશ કર્યો હતો, છતાં જૂન 2018 સુધી તો તે કાર્યરત્ હતું, જે આજદિન સુધી ગેરકાયદે વેપાર ચાલી રહ્યો છે.