મીઠાનો 15 હજાર ઉપયોગ છતાં તમિળનાડુ કે કચ્છ બધે કાળી મજૂરી

તૂતુકુડીના મીઠાના અગરોની રાણી “કાળી મજૂરી માટે સાવ નજીવું વેતન”
તમિળનાડુના તૂતુકુડી જિલ્લાના અગરિયાઓ કામની આકરી પરિસ્થિતિઓ વચ્ચે અને નજીવા વેતન સાથે દર વર્ષે છ મહિના માટે રસોડાની સાવ સામાન્ય વસ્તુ પકવવા કાળઝાળ ગરમીમાં કાળી મજૂરી કરે છે. મીઠાના 15000 થી વધુ ઉપયોગો છે.

સંપાદકની નોંધ: તમિળનાડુના સાત પાક ઉપરની ‘લેટ ધેમ ઈટ રાઇસ’ નામની શ્રેણીમાંનો આ પહેલો લેખ છે. PARI બે વર્ષમાં આ શ્રેણીમાં 21 મલ્ટીમીડિયા અહેવાલો પ્રકાશિત કરશે, જે ખેડૂતોની જિંદગીને તેમના પાકની દુનિયા દ્વારા જોશે. આ શ્રેણીને અઝીમ પ્રેમજી યુનિવર્સિટી, બેંગલુરુની ગ્રાન્ટ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.

તૂતુકુડીમાં સુંદર સોનેરી સૂર્ય ઊગે તે પહેલા જ રાણી કામે ચડી ગયા છે. લાકડાના લાંબા પાવડા વડે તેઓ ભેગી કરે છે રસોડાની સૌથી સામાન્ય છતાં સૌથી અગત્યની વસ્તુ: મીઠું.

તેઓ જે લંબચોરસ જમીનના ટુકડા પર કામ કરી રહ્યા છે તેના તળિયાને ઘસીને, ક્યાંક કરકરી તો ક્યાંક પોચી અને ભીની જમીનને પગેથી કેળવીને એક બાજુએ સફેદ સ્ફટિકનો ઢગલો કરે છે. જ્યાં તેઓ આ બધું ભેગું કરી રહ્યા છે તે જગ્યાએ તેઓ જ્યારે જ્યારે એક ટૂંકો પણ કંટાળાજનક આંટો મારે છે ત્યારે ત્યારે દરેક આંટા સાથે સ્ફટિકનો ઢગલો ઊંચો ને ઊંચો થતો જાય છે અને તેમનું કામ વધુ ને વધુ મુશ્કેલ બનતું જાય છે. કારણ કે જ્યારે પણ તેઓ આવું કરે છે ત્યારે 60 વર્ષના રાણી 10 કિલોગ્રામથી વધુ – તેમના પોતાના શરીરના વજનના ચોથા ભાગથી થોડુંક જ ઓછું – ભીનું મીઠું ઘસડીને ઢગલામાં ઉમેરતા હોય છે.

120 X 40-ફૂટના જમીનના ટુકડામાં સવારનું ઝાંખુ આકાશ અને તેમનો પોતાનો ફરતો પડછાયો પ્રતિબિંબિત થઈને તરતો ન થઈ જાય ત્યાં સુધી તેઓ અટક્યા વિના સતત કામ કરે છે. તેઓ 52 વર્ષથી આ ખારી દુનિયામાં કામ કરે છે, પહેલા તેમના પિતા ત્યાં કામ કરતા અને હવે તેમનો દીકરો પણ ત્યાં જ કામ કરે છે. એસ. રાણી અહીં જ મને તેમની અને દક્ષિણ તમિળનાડુના તૂતુકુડી જિલ્લામાં 25000 એકરમાં પથરાયેલા મીઠાના અગરોની વાત કહે છે.

માર્ચથી ઑક્ટોબરના મધ્ય સુધી દરિયાકાંઠાનો આ જિલ્લો મીઠું બનાવવા માટે સંપૂર્ણ રીતે અનુકૂળ છે કારણ કે અહીંની આબોહવા ગરમ અને શુષ્ક છે, જે સતત છ મહિના સુધી ઉત્પાદનની ખાતરી આપે છે. તે તમિળનાડુમાં મીઠાનો સૌથી મોટો ઉત્પાદક જિલ્લો છે અને રાજ્ય પોતે 2.4 મિલિયન ટન અથવા ભારતના મીઠાના કુલ ઉત્પાદનમાં આશરે 11 ટકા હિસ્સો ધરાવે છે. જો કે દેશના મીઠાના કુલ ઉત્પાદનનો સૌથી મોટો હિસ્સો ગુજરાતમાંથી આવે છે, જે 16 મિલિયન ટનથી વધુ છે, અથવા દેશના વાર્ષિક સરેરાશ 22 મિલિયન ટન મીઠાના ઉત્પાદનના 76 ટકા છે. 1947 માં દેશ દ્વારા ઉત્પાદિત મીઠું માત્ર 1.9 મિલિયન ટન હતું. તેની સરખામણીમાં આ રાષ્ટ્રીય આંકડો ઘણો વધારે છે.

સપ્ટેમ્બર 2021 ની મધ્યનો સમય છે અને તૂતુકુડીમાં રાજા પાંડી નગર નજીક મીઠાના અગરોની પારીની આ પહેલી મુલાકાત છે. રાણી અને તેની સાથે કામ કરનારા સાંજે અમારી સાથે વાતો કરવા ભેગા મળે છે. તેઓ લીમડાના ઝાડ નીચે ગોળાકારમાં ગોઠવેલી ખુરશીઓ પર બેઠા છે. અમે બેઠા છીએ તેની પાછળ તેમના ઘરો છે – કેટલાક ઈંટની દીવાલો અને એસ્બેસ્ટોસની છતવાળા ઘરો, બીજા કેટલાક માત્ર તૂટી-ફૂટી છતવાળા ઝૂંપડાં. ‘સોલ્ટર્ન’ અથવા જ્યાં મીઠું બનાવવામાં આવે છે તે વિસ્તારો રસ્તાની સામી બાજુ છે – પેઢીઓથી તેઓ ત્યાં કામ કરે છે. વાતો શરૂ થાય છે. ધીમે ધીમે અંધારું થઈ રહ્યું છે. આ વાતો સોડિયમ ક્લોરાઇડ (NaCl), જે મીઠાનું રાસાયણિક નામ છે, તેના ઉત્પાદનની જટિલ પ્રક્રિયા અંગેનો એક ઝડપી શિક્ષણ વર્ગ બની રહે છે.

તૂતુકુડીમાં આ ‘પાક’ ભૂમિગત જળમાંથી લેવામાં આવે છે જેમાં મીઠાનું પ્રમાણ વધુ હોય છે અને તે દરિયાના પાણી કરતાં ખારું હોય છે. આ પાણી બોરવેલ દ્વારા ખેંચવામાં આવે છે. રાણી અને તેના મિત્રો જ્યાં કામ કરે છે તે 85 એકરના મીઠાના અગરોમાં સાત બોરવેલ ચાર ઇંચ પાણીથી જમીનના ટુકડાને છલકાવી દે છે. (દરેક એકર આશરે 9 ટુકડામાં વહેંચાયેલ છે અને આશરે ચાર લાખ લિટર પાણી સમાવી શકે છે. આ 10000-લિટરના ચાલીસ મોટા પાણીના ટેન્કરો જેટલું પાણી સમાવી શકે તેના બરોબર છે.)

ઉપ્પળમ (મીઠાના અગરો) ના નકશાને 56 વર્ષની જીંદગીના મોટા ભાગના વર્ષો અગરિયા તરીકે કામ કરનાર બી. એન્થની સેમી કરતાં વધારે સારી રીતે બહુ ઓછા સમજે છે અથવા સમજાવે છે. તેમનું કામ વિવિધ અગરોમાં પાણીના સ્તરનું ધ્યાન રાખવાનું છે. ‘બાષ્પીભવન કરનારા અથવા છીછરા કૃત્રિમ મીઠાના અગરો તરીકે કામ આપતા અગરોને સેમી આન પાતી (નર અગરો) તરીકે વર્ગીકૃત કરે છે, ત્યાં કુદરતી સૂકવણી દ્વારા પાણી દૂર થાય છે. અને બીજા પેન પાતી (માદા અગરો) જે ક્રિસ્ટલાઇઝર તરીકેનું કામ કરી મીઠું પેદા કરે છે.

તેઓ કહે છે, ” ખારું પાણી ખેંચવામાં આવે છે અને બાષ્પીભવન કરનારા અગરોને પહેલા ભરવામાં આવે છે.”

પછી તેઓ બધી ટેકનિકલ વાત કરે છે

ખારાશને બાઉમ હાઇડ્રોમીટર દ્વારા ડિગ્રીમાં માપવામાં આવે છે, આ સાધન પ્રવાહીની ઘનતા માપે છે. નિસ્યંદિત પાણીની ‘બાઉમ ડિગ્રી’ શૂન્ય છે. દરિયાના પાણી માટે તે 2 થી 3 બાઉમ ડિગ્રીની વચ્ચે હોય છે. બોરવેલના પાણીની 5 થી 10 ડિગ્રીની વચ્ચે હોઈ શકે છે. મીઠું 24 ડિગ્રી પર બને છે. સેમી કહે છે, “પાણીનું બાષ્પીભવન થાય અને ખારાશ વધે ત્યારે તેને ક્રિસ્ટલાઇઝરમાં મોકલવામાં આવે છે.”

આગામી બે અઠવાડિયા સુધી અહીંની મહિલાઓ તેમની પાછળ એક અસાધારણ મોટી અને ભારે લોખંડની દાંતી ખેંચશે, તેનાથી તેઓ દરરોજ સવારે પાણી હલાવશે. તેઓ તેને એક દિવસે લંબાઈની દિશામાં અને બીજા દિવસે પહોળાઈની દિશામાં ખેંચે છે, જેથી મીઠાના સ્ફટિકો અગરના તળિયે સ્થાયી ન થાય અથવા અગરના તળિયે પોપડો થઈને બાઝી ન જાય. લગભગ 15 દિવસ પછી પુરુષો અને સ્ત્રીઓ બંને લાકડાના પાવડાની મદદથી મીઠું ભેગું કરે છે. તે પછી તેઓ તેને વરપ્પ- અગરો વચ્ચે ઊભી કરેલી ઊંચી પાળી – પર ભેગું કરે છે.

ત્યાર પછી ખરેખરું ભારે વજન ઊંચકવાનું આવે છે: સ્ત્રીઓ અને પુરુષો વરપ્પમાંથી માથે ઊંચકીને મીઠું લઈ જાય છે અને તેને ઊંચી જમીન પર ખાલી કરે છે. દરેક વ્યક્તિને વરપ્પની કેટલીક પટ્ટીઓ ફાળવવામાં આવે છે, જેમાંથી તેઓ સામાન્ય રીતે દરરોજ 5-7 ટન મીઠું – તેમના માથા પર – ઊંચકીને લાવે છે. તેનો અર્થ દર વખતે 35 કિલોગ્રામ સુધીનું મીઠું માથે ઊંચકીને 150-250 ફૂટ સુધીના અંતરમાં દિવસના 150 થી વધુ આંટા. જ્યાં તેઓ પોતાના માથા પર ઊંચકેલો ભાર હળવો કરે છે તે જગ્યાના તેમના અનેક આંટા જોતજોતામાં મીઠાના નાના ઢગલાને મીઠાના પહાડમાં ફેરવી દે છે, અને ધોમધખતા સૂરજની નીચે હીરાની જેમ મીઠું ચમકે છે, આ ગરમ ભૂખરી જમીનમાં જાણે કોઈ ખજાનો.

“પ્રેમીનો ઝગડો એ ખોરાકમાં મીઠા જેવો છે. વધુ પડતો સારો નહીં.”

આ સેન્થિલ નાથને કરેલું તિરુક્કુરલ (પવિત્ર કાવ્યકણિકાઓ) માંની એક કાવ્યકણિકાનું ભાષાંતર (અને શબ્દાર્થ) છે. આ કાવ્યકણિકા તમિળ સંત-કવિ તિરુવલ્લુવર રચિત તિરુક્કુરલમાંની 1330 કાવ્યકણિકાઓમાંથી એક છે, અલગ-અલગ ઇતિહાસકારોના મતે સંત-કવિ તિરુવલ્લુવર 4 થી સદી બી.સી.ઇ. અને 5મી સદી સી.ઇ.ની વચ્ચે ક્યારેક થઈ ગયા હોવાનું મનાય છે.

સરળ શબ્દોમાં કહીએ તો: ઉપમા અને રૂપક તરીકે મીઠું બે હજાર વર્ષ પહેલાં તમિળ સાહિત્યમાં આવ્યું હતું. અને હાલના તમિળનાડુના દરિયાકિનારાની આસપાસ કદાચ અગાઉ પણ પકવવામાં આવતું હતું.

સેન્થિલ નાથને 2000 વર્ષ જૂની સંગમ યુગની એક કવિતા નો પણ અનુવાદ કર્યો છે જેમાં મીઠાના વિનિમયનો સંદર્ભ છે. અને તેમ છતાં આ સંદર્ભ પ્રેમીઓ પર કેન્દ્રિત કાવ્યકણિકામાં આવે છે.

લાકડાના લાંબા પાવડા વડે રાણી ભેગી કરે છે રસોડાની સૌથી સામાન્ય છતાં સૌથી અગત્યની વસ્તુ: મીઠું

લોકકથાઓ અને કહેવતોમાંથી અનેક માર્મિક સૂત્રો મળી રહે છે. રાણી મને એક લોકપ્રિય તમિળ કહેવત કહે છે ઉપ્પીલા પંડમ કુપ્પાયીલે: મીઠા વગરનું ખાવાનું ધૂળ બરાબર છે. તેમના સમુદાયમાં મીઠાને લક્ષ્મી તરીકે ગણવામાં આવે છે, જે સમગ્ર હિંદુ દેવમંડળમાં સંપત્તિની દેવી છે. રાણી કહે છે, “જ્યારે કોઈ ઘર બદલે છે, ત્યારે અમે મીઠું, હળદર અને પાણી લઈ જઈએ છીએ અને તે તેમના નવા ઘરમાં મૂકી દઈએ છીએ. તે શુભ ગણાય છે.”

પ્રચલિત સંસ્કૃતિમાં મીઠું વફાદારીનું પ્રતીક છે. વાસ્તવમાં લેખક એ. શિવસુબ્રમણ્યન નોંધે છે તેમ: ‘પગાર’ માટેનો તમિળ શબ્દ સંબળમ – સંબ (જેનો સંદર્ભ છે ડાંગર) અને ઉપુઅલ્લમ (મીઠું પકવવામાં આવે છે તે સ્થળ) ના સંયોજનથી બને છે. તેમના રસપ્રદ પુસ્તક ઉપ્પિટ્ટવરઈ (તમિળ સંસ્કૃતિમાં મીઠા પર લખાયેલ એક પુસ્તક) માં તેઓ વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી તમિળ કહેવતનો પણ નિર્દેશ કરે છે: ઉપ્પિટ્ટવરઈ ઉલ્લળવુમ નેનઈ – જે તમને તમારા ખોરાકમાં મીઠું ઉમેરનાર વ્યક્તિને એટલે કે તમારા નોકરીદાતાને યાદ રાખવાનું કહે છે.

માર્ક કુર્લાન્સ્કી તેમના વ્યાપક અને મંત્રમુગ્ધ કરી દેનાર પુસ્તક સોલ્ટઃ એ વર્લ્ડ હિસ્ટ્રીમાં લખે છે તે પ્રમાણે મીઠું “આંતરરાષ્ટ્રીય વેપારની સૌથી પહેલી જણસોમાંનું એક બનવાનું હતું; તેનું ઉત્પાદન સૌથી પહેલા ઉદ્યોગોમાંનો એક હતો અને જેની ઉપર રાજ્યનો નિ:શંકપણે એકાધિકાર હતો..”

માર્ચ-એપ્રિલ 1930માં મહાત્મા ગાંધીએ બ્રિટિશ રાજના મીઠા પરના દમનકારી કરનો વિરોધ કર્યો અને ગુજરાતના દાંડી ખાતે આવેલ અગરોમાંથી મીઠું એકઠું કરવા માટે કૂચ કરી ત્યારે રોજબરોજના આ ઘટકે ભારતનો ઈતિહાસ બદલવામાં મદદ કરી. તે એપ્રિલમાં પછીથી તેમના (મહાત્મા ગાંધીના) રાજકીય લેફ્ટનન્ટ સી. રાજગોપાલાચારીએ તમિળનાડુમાં તિરુચિરાપલ્લીથી વેદારણ્યમ સુધી મીઠાના સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું. દાંડી કૂચ ભારતની સ્વતંત્રતાની લડતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય છે.

“કાળી મજૂરી માટે સાવ નજીવું વેતન”
– એન્થની સેમી, અગરિયો

રાણીનો પહેલો પગાર હતો દિવસના 1.25 રુપિયા. આ 52 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે તેઓ આઠ વર્ષના હતા, લાંબો સ્કર્ટ પહેરીને અગરોમાં કાળી મજૂરી કરતા હતા. એન્થની સેમીને પણ તેનો પહેલો પગાર યાદ છે: 1.75 રુપિયા; વર્ષો પછી તે વધીને 21 રુપિયા થયો. આજે દાયકાઓના મજૂર સંઘર્ષ પછી મહિલાઓ માટે દૈનિક વેતન 395 રુપિયા અને પુરુષો માટે 405 રુપિયા છે. તેઓ નિર્દેશ કરે છે કે આ (વેતન) “કાળી મજૂરી માટે સાવ નજીવું વેતન” બનીને રહી જાય છે.

બીજે દિવસે સવારે 6 વાગ્યે તૂતુકુડીના વિશિષ્ટ તમિળમાં રાણીનો દીકરો કુમાર મોટેથી બૂમ પાડીને કહે છે, “નેરમ આયિટ્ટ,” મોડું થઈ રહ્યું છે. અમે પહેલેથી જ અગરો પર છીએ, અને તેઓ કામ શરૂ કરવામાં મોડું થવા વિશે ચિંતિત છે. અગરો દૂરથી કોઈ પેઇન્ટિંગ જેવા લાગે છે – લાલ, જાંબલી, સોનેરી આકાશ; ક્યારામાંનું ચમકતું પાણી; મંદ મંદ વાતો પવન, સૌમ્ય દેખાતા દૂરના કારખાનાઓ. એક સુંદર કુદરતી દ્રશ્ય. અડધા કલાકમાં મને ખબર પડી જવાની છે કે તમે તેમાં કામ કરો ત્યારે તે કેટલું કઠોર હોઈ શકે છે.

મીઠાના અગરોની વચ્ચે – હવે જર્જરિત અને ઝાંખી થઈ ગયેલ – જૂની છાપરી પાસે – સ્ત્રીઓ અને પુરુષો ભેગા થાય છે અને તૈયાર થાય છે. સ્ત્રીઓ તેમની સાડીઓ પર શર્ટ પહેરે છે, અને માથા પર ભારે વજનના આઘાતનું જોર ઓછું કરવા તેમના માથા પર ગોળ વીંટેલી સુતરાઉ-કાપડની ઈંઢોણી મૂકે છે. પછી કામદારો તેમના સાજસરંજામ ઉઠાવે છે જેમાં એલ્યુમિનિયમની સટ્ટી (બાસ્કેટો) અને ડોલો, પાણીની બોટલો અને ખોરાક – સ્ટીલ તૂક (હાથાવાળા નાના ધાતુના વાસણ)માં જૂના ચોખાની રાબ – નો સમાવેશ થાય છે. પોતાની ડાબી તરફ ઈશારો કરતા કુમાર કહે છે, “અમે આજે ઉત્તર તરફ જઈ રહ્યા છીએ,” અને જ્યાં સુધી તેઓ અગરોની બે હરોળ સુધી ન પહોંચે ત્યાં સુધી જૂથ તેમને અનુસરે છે, આગામી થોડા કલાકોમાં તેઓ બધા તે ખાલી કરવાના છે.

તેઓ ઝડપથી કામ પર ચડી જાય છે. સ્ત્રીઓ તેમની સાડીઓ અને ચણિયા અને પુરુષો તેમના ધોતિ-કપડાં વાળીને ઘુંટણથી ઊંચે ચડાવી દે છે. બે-ફુટ પાણીની નાળી પાર કરીને – પામ વુડના કામચલાઉ ‘પૂલ’ પર – તેઓ તેમની ડોલથી મીઠું ઉપાડીને સટ્ટીમાં નાખે છે. અને એકવાર તે ટોપલીઓ ભરાઈ જાય પછી તે ઉપાડીને એકબીજાના માથા પર મૂકવામાં મદદ કરે છે. પછી તેઓ માથા પર 35 કિલો મીઠું લઈ ચુસ્ત-દોરડા પર ચાલતા કુશળ નટની અદાથી લાંબા ડગલાં ભરતાં પામ વુડના પૂલના એક, બે, ત્રણ…છ પગથિયાં ચડીને બંને બાજુએ પાણીની વચ્ચે આવેલા સાંકડા રસ્તા પર આવ-જા કરે છે.

દરેક આંટા પછી હાથના એક સરળ વળાંક સાથે તેઓ સટ્ટી જમીન તરફ નમાવે છે, સફેદ વરસાદની જેમ મીઠું નીચે પડે છે, અને તેઓ બીજું મીઠું લેવા પાછા ફરે છે… અને ફરી અને ફરી તેઓ દરેક 150 કે 200 વખત પણ આવું કરે છે, છેવટે બધું મીઠું ભેગું થઈને 10 ફૂટથી વધુ ઊંચો અને 15 ફૂટથી વધુ પહોળો ઊંચો પહાડ બની ન જાય ત્યાં સુધી. મીઠાનો આ અમ્બારમ (ઢગલો) એ જેટલી સમુદ્ર અને સૂર્યની ભેટ છે તેટલી જ રાણી અને તેના જેવા લોકોના પરસેવાની ભેટ છે.

અગરોની બીજી બાજુ 53 વર્ષના ઝાંસી રાણી અને એન્થની સેમી કામમાં વ્યસ્ત છે. રાણી હલાવવા માટે દાંતી ઘસડીને લઈ જાય છે, એન્થની પાવડાથી (મીઠું) ભેગું કરે છે. પાણી હળવા ખળખળ અવાજ સાથે ફરે છે; મીઠું કચડાય છે. ગરમી વધતી જાય છે, પડછાયા ઘેરા થાય છે, પરંતુ કોઈ અટકતું નથી, બે ઘડીઆરામ કરવા માટે નહીં કે શ્વાસ લેવા માટે ય નહીં. એન્થની પાસેથી પાવડો લઈને હું મીઠાને ઊંચી પાળી તરફ ખેંચવાનો પ્રયાસ કરું છું. આ ગધ્ધાવૈતરું છે. પાંચ પ્રયત્ન પછી મારા ખભા દુખે છે, મારી પીઠ તૂટે છે, આંખોમાં જતા પરસેવાના રેલાથી આંખોમાં બળતરા થાય છે.

અગરોની બીજી બાજુ ઝાંસી રાણી અને એન્થની સેમી કામમાં વ્યસ્ત છે. રાણી હલાવવા માટે દાંતી ઘસડીને લઈ જાય છે, એન્થની પાવડાથી (મીઠું) ભેગું કરે છે

એન્થની શાંતિથી પાવડો પાછો લઈ લે છે અને જમીનના ટુકડા પરનું મીઠું ભેગું કરે છે. હું ચૂપચાપ રાણીના અગરો તરફ પાછી વળું છું. તેઓ છેલ્લા અગરમાં કામ પૂરું કરવાની તૈયારીમાં છે, જ્યાં સુધી તમામ સફેદ મીઠું ઢસડીને તેઓ એક બાજુએ લઈ ન જાય અને ખાલી થયેલ ભૂખરો અગર પાણીના તાજા બેચ માટે અને મીઠાના પાકની બીજી લણણી માટે તૈયાર ન થાય ત્યાં સુધી તેમના સ્નાયુઓ ફરી ફરી તણાતા રહે છે, ખેંચાતા રહે છે, થાકતા રહે છે.

એકવાર પોતાના પાવડાની ધારથી ઊંચા-નીચા ઢગલાને સમતલ કાર્ય પછી રાણી મને તેની સાથે બેસવા બોલાવે છે. અને પછી અમે આંખો આંજી નાખે એવા સફેદ મીઠાના ટેકરાની બાજુમાં બેસીએ છીએ અને દૂર-દૂર એક ખૂબ લાંબી માલસામાનની ટ્રેન જોઈએ છીએ.

રાણી હવામાં આંગળી વડે જૂનો રસ્તો દોરતા કહે છે, “એક સમય હતો જ્યારે માલગાડીઓ આ અગરોમાંથી મીઠું લેવા આવતી હતી. તેઓ પાટા પર થોડા ડબ્બા છોડી જાય અને પછીથી એન્જિન આવીને તેમને લઈ જાય.” તેઓ બળદગાડા, ઘોડાગાડીઓ અને જ્યાં એક સમયે મીઠાની ફેક્ટરી કાર્યરત હતી તે છાપરીની વાત કરે છે. તેઓ કહે છે હવે માત્ર સૂર્ય, મીઠું અને કામ છે, અને તેઓ કમરેથી નાનકડો ખલતો કાઢે છે – તેમાં અમૃતાંજનનું બે રૂપિયાનું નાનું ટીન અને વિક્સ ઇન્હેલર છે. તેઓ મલકાટ સાથે કહે છે, “આનાથી [અને તેમની ડાયાબિટીસની ગોળીઓ] મારું ગાડું ગબડે છે.”

“એક દિવસ વરસાદ પડે, તો અમે એક અઠવાડિયા માટે બેરોજગાર થઈ જઈએ છીએ”
– તૂતુકુડીના અગરિયાઓ

સમયની સાથે કામના કલાકો પણ બદલાયા છે. પરંપરાગત સમય હતો સવારે 8 થી સાંજના 5 સુધી – એક કલાકના લંચ બ્રેક સાથે – તેને બદલે કેટલાક જૂથો હવે રાત્રે 2 થી સવારે 8 અને બીજા કેટલાક સવારે 5 થી 11 કામ કરે છે. આ બંને પાળીઓ દરમિયાન સૌથી મુશ્કેલ કામ કરવામાં આવે છે. આ કલાકો પછી પણ કેટલાક કામ કરવાના બાકી રહે છે. અને થોડા કામદારો તે કામ પતાવવા રોકાય છે.

એન્થની સેમી કહે છે, “સવારે 10 વાગ્યા પછી ત્યાં ઊભા રહેવામાં ખૂબ ગરમી લાગે છે.” તેણે પોતે-જાતે તાપમાન અને આબોહવામાં થતા અનિયમિત ફેરફારોને જોયા અને અનુભવ્યા છે. ન્યૂ યોર્ક ટાઈમ્સના ગ્લોબલ વોર્મિંગ પરના ઇન્ટરેક્ટિવ પોર્ટલના આંકડા આબોહવા કેવી રીતે બદલાઈ છે એ અંગેના તેમના (એન્થનીના) અંગત અવલોકનોને પુષ્ટિ આપે છે

બે અઠવાડિયા સુધી મહિલાઓ તેમની પાછળ એક ખૂબ જ ભારે લોખંડની દાંતી ખેંચે છે, જેનાથી તેઓ દરરોજ સવારે પાણી હલાવે છે. લગભગ 15 દિવસ પછી પુરુષો અને સ્ત્રીઓ બંને લાકડાના મોટા પાવડાની મદદથી મીઠું ભેગું કરે છે

જ્યારે 1965માં એન્થનીનો જન્મ થયો હતો ત્યારે તૂતુકુડીમાં (તે સમયે તૂતિકોરિન તરીકે ઓળખાતું હતું) વર્ષમાં 136 દિવસ એવા હશે જ્યારે તાપમાન 32 ડિગ્રીને પાર કરી જશે એવી ધારણા રખાતી આજે આંકડા કહે છે કે વર્ષમાં 258 દિવસ આવા હશે. તેમના જીવનમાં ગરમ ​​દિવસોમાં 90 ટકાનો વધારો.

વળી સાથે કમોસમી વરસાદમાં પણ વધારો થયો છે. .

કામદારો એક અવાજે કહે છે, “એક દિવસ વરસાદ પડે, તો અમે એક અઠવાડિયા માટે બેરોજગાર થઈ જઈએ છીએ.” તેઓ વરસાદથી મીઠું, કાંપ, અગરોનું માળખું ધોવાઈ જવાની અને પૈસા વિના નવરા બેસી રહેવાના દિવસોની વાત કરે છે.

ઘણા સ્થાનિક પરિવર્તનો પણ અનિયમિત હવામાન અને આબોહવાની સમસ્યાને વધુ ઘેરી બનાવે છે. ઝાંખી-પાંખી છાયા આપતા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે; હવે રહ્યું છે માત્ર ખાલી વાદળી આકાશ, ફોટોગ્રાફમાં મોહક લાગે પણ એની નીચે કામ કરવાનું આવે તો કઠોર. હવે મીઠાના અગરો કોઈને આવકારે એવા રહ્યા નથી અને એનું કારણ આપતા ઝાંસી મને કહે છે, “માલિકો પહેલા અમારા માટે થોડું પાણી રાખતા હતા, હવે અમારે ઘેરથી બોટલોમાં પાણી લઈ જવું પડે છે.” હું શૌચાલયની વ્યવસ્થા વિશે પૂછું છું. સ્ત્રીઓ હાંસી ઉડાવતો હોઉં તેમ હસે છે. તેઓ કહે છે, “અમે અગરોની પાછળના ખેતરોનો ઉપયોગ કરીએ છીએ.” કારણ શૌચાલય તો છે પણ તેનો ઉપયોગ કરવા માટે પાણી નથી.

આ સ્ત્રીઓને ઘરમાં અન્ય પડકારોનો પણ સામનો કરવો પડે છે, મોટે ભાગે તેમના બાળકોને લઈને. રાણી કહે છે બાળકો નાના હતા ત્યારે તેઓ પોતાના બાળકોને પોતાની સાથે લઈ જતા અને છાપરીમાં થૂલી, કાપડનું પારણું બાંધીને કામ પર જતી. “પણ હવે મારા પૌત્ર-પૌત્રીને ઘેર મૂકીને જવું પડે છે. તેઓ કહે છે કે અગરો એ બાળકો માટેની જગ્યા નથી.” વાત વાજબી છે, પરંતુ તેનો અર્થ એ કે બાળકોને પડોશીઓ અને સંબંધીઓને ઘેર મૂકવા પડે – અથવા રખડતા છોડી દેવા પડે . “તમે નાના બાળકોને 3 વર્ષના થાય પછી જ બાલવાડીમાં લઈ જઈ શકો. જો કે બાલવાડી સવારે 9 વાગ્યા પછી શરૂ થાય છે – અમારા સમય સાથે બાલવાડીના કામના કલાકોનો મેળ ખાતો નથી.”

“હાથ જુઓ મારા, અડકી જુઓ, પુરુષોના હાથ જેવા નથી લાગતા?”
– મહિલા અગરિયાઓ

પોતાના શરીર વિશે, પોતાના કામ માટે ચૂકવવી પડતી અસહ્ય કિંમત વિષે વાત કરે છે ત્યારે સ્ત્રીઓ પોતાની લાગણી ખૂબ મોકળા મને વ્યક્ત કરે છે. રાણી શરૂઆત કરે છે તેમની આંખોથી. ચમકતા સફેદ વિસ્તારને સતત જોવાથી તેમની આંખોને નુકસાન થાય છે અને આંખો બળે છે, અને ચમકતા પ્રકાશમાં તેમની આંખો બાંડી થઈ જાય છે. તેઓ કહે છે, “તેઓ અમને ઘેરા ચશ્મા આપતા હતા, પરંતુ હવે તેઓ અમને થોડા પૈસા આપે છે.” ચશ્મા અને પગરખાં માટે સામાન્ય રીતે વર્ષે 300 રૂપિયા.

સફેદ વિસ્તારના આંખો આંજી નાખતા પરાવર્તિત પ્રકાશથી પોતાની આંખોનું રક્ષણ કરવા કોઈ જ ગોગલ્સ પહેરતું નથી

કેટલીક સ્ત્રીઓ કાળા મોજાં પહેરે છે. આ કાળા મોજાં, જૂના મોજાંને તળિયે રબરની નળીઓનો ટુકડો ટાંકીને જૂનું તળિયું સમું કરીને ફરીથી નવું તળિયું બનાવેલું હોય તેવા હોય છે. પરંતુ મીઠાના અગરોમાં કોઈ જ ગોગલ્સ પહેરતું નથી. તેઓ બધા મને કહે છે, “સારી જોડીની કિંમત 1000 રૂપિયા છે, સસ્તી જોડીથી હેતુ સરતો નથી, અને સગવડને બદલે તે અડચણરૂપ વધુ બને છે.” તેઓ કહે છે કે 40 વર્ષના થાય ત્યાં સુધીમાં તેઓની આંખો ખરાબ થઈ જાય છે.

રાણી સાથે વધુ મહિલાઓ જોડાય છે. તેઓ જોરજોરથી ફરિયાદ કરે છે કે તેમને ભાગ્યે જ ક્યારેય આરામ મળે છે, ક્યારેય પૂરતું પીવાનું પાણી મળતું નથી, તપતો સૂર્ય, કાળઝાળ ગરમી, તેમની ચામડીને તો સાવ ખલાસ કરી નાખે છે. “હાથ જુઓ મારા, અડકી જુઓ, પુરુષોના હાથ જેવા નથી લાગતા?” એમ કહી મને હથેળીઓ, પગ અને આંગળીઓ બતાવવામાં આવે છે, પગના નખ કાળા, સુકાઈ ગયેલા છે; હાથમાં આંટણ પડી ગયા છે, હાથ છોલાઈ ગયા છે અને પગ પર બહુ જ ડાઘા પડી ગયા છે અને ઘણા નાના ઘા છે જે રુઝાવાનું નામ નથી લેતા અને જ્યારે જયારે તેઓ ખારા પાણીમાં પગ મૂકે છે ત્યારે દરેક વખતે લબકારા મારે છે.

જે સામગ્રી આપણા ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે, તે તેમને કોરી ખાય છે.

આ સૂચિ આંતરિક અવયવો તરફ આગળ વધે છે. હિસ્ટરેકટમી, કિડનીમાં પથ્થરો, હર્નિયા. રાણીનો દીકરો 29 વર્ષનો કુમાર બેઠી દડીનો અને સશક્ત છે. પરંતુ કામ પર તેણે જે ભારે વજન ઊંચક્યું તેનાથી તેને હર્નિયાની તકલીફ ઊભી થઈ. તેણે શસ્ત્રક્રિયા કરાવી, ત્રણ મહિના આરામ લીધો. તે હવે શું કરે છે? તે કહે છે, “હું ભારે વજન ઉપાડવાનું ચાલુ રાખું છું.” તેની પાસે કોઈ રસ્તો નથી. શહેરની આસપાસ ખાસ બીજું કંઈ કામ મળી શકતું નથી.

અહીં આસપાસના કેટલાક યુવાનોને પ્રોન એકમોમાં કે ફૂલોની ફેક્ટરીઓમાં કામ શોધે છે. પરંતુ અગરિયાઓ મોટે ભાગે 30 વર્ષથી વધુ ઉંમરના છે અને દાયકાઓથી આ (મીઠાની ખેતીનું) જ કામ કરે છે. જો કે કુમાર પગાર વિષે ફરિયાદ કરે છે. “પેકર્સ અસ્થાયી કામદારો જેવા છે, અને અમને બોનસ પણ મળતું નથી. 25 પેકેટમાં દરેકમાં એક કિલોગ્રામ મીઠું પેક કરવા માટે એક મહિલાને 1.70 રુપિયા ચૂકવવામાં આવે છે. [પેકેટદીઠ 7 પૈસા કરતાં પણ ઓછા]. બીજી મહિલાને તે તમામ 25ને સીલ કરવા માટે 1.70 રુપિયા આપવામાં આવે છે. હજી એક બીજા કામદાર, સામાન્ય રીતે પુરૂષને 25 પેકેટોને એક કોથળામાં ગોઠવવા, તેને હાથથી ટાંકા લેવા અને તેને વ્યવસ્થિત ઢગલામાં ગોઠવવા માટે 2 રુપિયા ચૂકવવામાં આવે છે. ઢગલો જેટલો વધારે ઊંચો તેટલો શ્રમિકને વધારે શારીરિક શ્રમ કરવો પડે. પરંતુ પગાર એટલો ને એટલો જ રહે: 2 રૂપિયા.”

મહિલાઓ તેમને ભાગ્યે જ ક્યારેય આરામ મળ્યાની, ક્યારેય પૂરતું પીવાનું પાણી ન મળ્યાની, કાળઝાળ ગરમીની, તેમની ચામડીને સાવ ખલાસ કરી નાખતા ખારા ભૂમિગત જળની વાત કરે છે. તેઓ હિસ્ટરેકટમી, કિડનીમાં પથ્થરો, હર્નિયાની વાત પણ કરે છે. રાણીનો દીકરો કુમાર (જમણે) બેઠી દડીનો અને સશક્ત છે. પરંતુ કામ પર તેણે જે ભારે વજન ઊંચક્યું તેનાથી તેને હર્નિયાની તકલીફ ઊભી થઈ જેને માટે શસ્ત્રક્રિયા કરાવવાની જરૂર ઊભી થઈ

તમિળનાડુ રાજ્ય આયોજન પંચના સભ્ય અને વેસ્ક્યુલર સર્જન ડૉ. અમલોરપાવનાથન જોસેફ કહે છે કે “તેઓ જે પણ પગરખાં શોધી કાઢતા હોય છે અને વાપરતા હોય છે તે તબીબી રીતે ક્યારેય લીક પ્રૂફ અથવા ટોક્સિન પ્રૂફ ન હોઈ શકે. એક-બે દિવસ કામ કરવું ઠીક છે. પરંતુ જો આ તમારો આજીવન વ્યવસાય જ હોય તો તમારે વૈજ્ઞાનિક રીતે ડિઝાઇન કરેલા બૂટની જરૂર છે જે વારંવાર ચોક્કસ અંતરાલ પર બદલવામાં આવે છે. જો આ સુનિશ્ચિત કરવામાં ન આવે તો તમારા પગના સ્વાસ્થ્યની ખાતરી આપી ન શકાય.”

મીઠા પરથી પરાવર્તિત થતા આંખો આંજી નાખે એવા સફેદ પ્રકાશ ઉપરાંત, તેઓ માને છે કે “આવા વાતાવરણમાં ગોગલ્સ વિના કામ કરવાથી આંખોમાં ઘણી બળતરા થશે.” તેઓ નિયમિત તબીબી શિબિર આયોજિત કરવાની અને તમામ શ્રમિકોના બ્લડ પ્રેશરની વારંવાર તપાસ કરવાની સલાહ આપે છે. “જો કોઈ શ્રમિકના લોહીનું દબાણ 130/90 થી વધુ હોય તો હું તેમને મીઠાના અગરમાં કામ કરવાની મંજૂરી નહીં આપું.” તેઓ કહે છે કે કામદારો આ વાતાવરણમાં કાળી મજૂરી કરે ત્યારે તેઓ અમુક માત્રામાં મીઠું શોષી લે એ સંભવ છે. અને રોજેરોજ મીઠાનો આ ભાર ઊંચકવામાં શારીરિક શક્તિ માગી લેતા પાંચથી છ શારીરિક કસરતનો સમાવેશ થાય છે. “જો ખર્ચેલી ઊર્જાની ગણતરી કરીએ તો તે અસાધારણ હશે.”

આ શ્રમિકો ચાર-પાંચ દાયકાથી આ કામ કરતા હશે. પરંતુ અગરિયાઓ જણાવે છે કે કોઈ સામાજિક સુરક્ષા વિના, પગાર સાથેની કોઈ પણ રજા વિના, બાળ સંભાળ અથવા ગર્ભાવસ્થાના કોઈ લાભો વિના તેમની પરિસ્થિતિ ‘મજૂરો’ (ઓછા વેતનવાળા શ્રમિકો) કરતાં જરા ય વધુ સારી નથી.

“મીઠાના 15000 થી વધુ ઉપયોગો છે”
– એમ. કૃષ્ણમૂર્તિ, જિલ્લા સંયોજક, અસંગઠિત શ્રમિક સંઘ (અનઓર્ગેનાઇઝડ વર્કર્સ ફેડરેશન)

કૃષ્ણમૂર્તિ કહે છે, “યુએસએ અને ચીન પછી ભારત મીઠાનું ત્રીજું સૌથી મોટું ઉત્પાદક છે. મીઠા વિના જીવવું અશક્ય છે, અને તેમ છતાં, આ શ્રમિકોની જિંદગી તેમના પાક જેટલી જ ખારી છે!”

કૃષ્ણમૂર્તિના અંદાજ મુજબ તૂતુકુડી જિલ્લામાં 50000 અગરિયાઓ છે. એટલે કે, 7.48 લાખ શ્રમિકો વાળા આ જિલ્લામાં દર 15 માંથી 1 શ્રમિક આ ક્ષેત્રમાં છે. માત્ર ફેબ્રુઆરી અને સપ્ટેમ્બર વચ્ચે લગભગ 6-7 મહિનાની ગરમીની મોસમ દરમિયાન જ તેમની પાસે કામ હોય છે. કેન્દ્ર સરકારના આંકડાઓ તેમની સંખ્યા ઘણી ઓછી નોંધે છે – માત્ર 21528 અગરિયાઓ – અને તે પણ આખા તમિળનાડુ માટે. પરંતુ ત્યાં જ કૃષ્ણમૂર્તિનું અસંગઠિત શ્રમિક સંગઠન મદદે આવે છે. તેઓ સત્તાવાર ગણતરીમાંથી બાકાત રહી ગયેલા શ્રમિકોની મોટી સંખ્યામાં નોંધણી કરે છે.

અહીંનો દરેક અગરિયો – પછી તે ક્રિસ્ટલાઇઝર(નું તળિયું) ઘસતો હોય કે મીઠું ભેગું કરીને ઊંચકતો હોય તે – રોજનું લગભગ 5 થી 7 ટન મીઠું (એક જગ્યાએથી બીજી જગ્યાએ) ખસેડે છે. આ મીઠાની કિંમત – વર્તમાન ભાવ 1600 રૂપિયા પ્રતિ ટન પ્રમાણે – 8000 રુપિયાથી વધારે છે. પરંતુ તેઓ ભારપૂર્વક કહે છે કે કમોસમી વરસાદના એક જ ઝાપટાથી કામમાં અઠવાડિયા-દસ દિવસનો વિક્ષેપ પડી શકે છે.

જો કે કૃષ્ણમૂર્તિ કહે છે કે તાજેતરના વર્ષોમાં – જ્યારે “મોટા, ખાનગી ખેલાડીઓને બજારમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી” ત્યારે – વધુ ઉગ્ર બનેલી 1991 પછીની ઉદારીકરણની નીતિઓએ તેમને (અગરિયાઓને) સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. તેઓ કહે છે “પેઢીઓથી આ કઠોર જમીનમાંથી મોટાભાગે દલિતો અને મહિલાઓએ મીઠું પકવ્યું છે. 70 થી 80 ટકા શ્રમિકો આ હાંસિયામાં ધકેલાઈ ગયેલા પૃષ્ઠભૂમિમાંથી છે. શા માટે મીઠાના અગરો તેમને સીધા ભાડાપટે આપવામાં આવતા નથી? ખુલ્લી હરાજીમાં આ જમીન માટે તેઓ મોટા નિગમો સાથે કેવી રીતે સ્પર્ધા કરી શકે?

જ્યારે નિગમો દ્રશ્યમાં પ્રવેશ કરે છે અને જમીનના વિસ્તારનું કદ – દસ એકરથી હજારો એકર સુધીનું – ખૂબ મોટું થાય ત્યારે કામગીરી યાંત્રિક બનશે એની કૃષ્ણમૂર્તિને ખાતરી છે. “તો પછી 50000 અગરિયાઓનું શું?”

દર વર્ષે 15 મી ઑક્ટોબર 15 થી – જ્યારે સામાન્ય રીતે ઉત્તરપૂર્વ ચોમાસું શરૂ થાય – 15 જાન્યુઆરી સુધી કોઈ કામ હોતું નથી. આ ત્રણ મહિના કઠિન હોય છે, અને ઉછીના લીધેલા પૈસા, દફનાવી દીધેલા સપના પર ઘર ચાલે છે. 57 વર્ષના અગરિયા એમ. વેલુસેમી, 57 મીઠું બનાવવાની બદલાતી રૂપરેખા વિશે વાત કરે છે. “મારા માતાપિતાના સમયમાં નાના ઉત્પાદકો મીઠું લણણી અને વેચાણ કરી શકતા હતા.”

બે નીતિગત ફેરફારોને કારણે બધું ય ખલાસ થઈ ગયું. કેન્દ્ર સરકારે 2011 માં જાહેર કર્યું કે બધું મીઠું આયોડાઇઝ્ડ હોવું જોઈએ. થોડા સમય પછી સરકારે મીઠાના અગરો માટેના ભાડાપટાના કરારો બદલ્યા બદલી. સરકાર પાસે આમ કરવાની સત્તા હતી, કારણ કે બંધારણમાં મીઠું કેન્દ્રની યાદીમાં આવે છે.

આ અગરિયાઓ ચાર-પાંચ દાયકાથી આ કામ કરતા હશે. પરંતુ તેમ છતાં નથી કોઈ સામાજિક સુરક્ષા, નથી પગાર સાથેની કોઈ રજા, નથી બાળ સંભાળ અથવા ગર્ભાવસ્થાના કોઈ લાભો

2011ના ભારત સરકારના જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું કે “જ્યાં સુધી મીઠું આયોડીનયુક્ત ન હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ સામાન્ય મીઠું વેચી કે વેચાણના હેતુથી આપવાની તૈયારી બતાવી શકશે નહીં કે વેચાણના હેતુથી પ્રદર્શિત કરી શકશે નહીં અથવા પોતાની ઇમારત કે તેના પરિસરમાં રાખી શકશે નહીં.” આનો અર્થ એ થયો કે મીઠું માત્ર ફેક્ટરી ઉત્પાદન હોઈ શકે છે. (રોક સોલ્ટ, બ્લેક સોલ્ટ અને હિમાલયન પિંક જેવા કેટલાક પ્રકારોને અપવાદરૂપ ગણવામાં આવ્યા હતા.). તેનો અર્થ એ પણ હતો કે પરંપરાગત મીઠાનું ઉત્પાદન કરનારાઓએ તેમનો ધંધો ગુમાવી દીધો. આને કાયદેસર રીતે પડકારવામાં આવ્યું હતું અને સર્વોચ્ચ અદાલતે હકીકતમાં આ જોગવાઈની કડક ટીકા કરી હતી – પરંતુ તેમ છતાં આ પ્રતિબંધ અસરકારક રીતે અમલમાં છે. ખાદ્યપદાર્થો માટે વપરાતું સામાન્ય મીઠું આયોડીનયુક્ત ન હોય ત્યાં સુધી વેચી શકાતું નથી.

તેમાંનો બીજો ફેરફાર ઓક્ટોબર 2013માં થયો. એક કેન્દ્રીય જાહેરનામા માં બીજી બાબતોની સાથે જણાવાયું કે: “કેન્દ્ર સરકારની જમીન ટેન્ડર મંગાવીને મીઠાના ઉત્પાદન માટે ભાડાપટે આપવામાં આવશે.” વધુમાં, હાલના કોઈ ભાડાપટાને નવેસરથી શરુ કરવામાં આવશે નહીં. નવા ટેન્ડરો મંગાવવામાં આવશે, અને જ્યાં ભાડાપટો પૂરો થાય છે ત્યાં હાલના પટેદાર પણ “નવા ઉમેદવારોની સાથે ટેન્ડર ભરી શકશે.” કૃષ્ણમૂર્તિ કહે છે કે દેખીતી રીતે જ આ મોટા ઉત્પાદકોને અનુકૂળ છે.

ઝાંસી યાદ કરે છે ચાર દાયકા પહેલાં તેમના માતા-પિતાએ જમીન પેટા ભાડે આપી હતી, તેઓ હાથની ગરગડી (અને ડોલ તરીકે ખજૂરીની ટોપલી) વડે ખોદવામાં આવેલા કૂવામાંથી પાણી કાઢયાનું અને જમીનના 10 નાના ટુકડા પર મીઠું પકવ્યાનું યાદ કરે છે. તેમની માતા રોજ પોતાના માથા પર 40 કિલો મીઠું (ફરી એક વાર ખજૂરીના પાંદડાની ટોપલીમાં) લઈ જતા અને તે વેચવા માટે ચાલતી છેક શહેર સુધી જતી. તેઓ કહે છે, “આઇસ કંપનીઓ તેનો તેનું બધું ય મીઠું 25 કે 30 રુપિયામાં ખરીદી લેતી હતી.” અને જ્યારે તેમના માતા જઈ ન શકતા ત્યારે તેઓ એક નાની ટોપલી સાથે ઝાંસીને મોકલતા. તેઓ (ઝાંસી) 10 પૈસામાં મીઠું વેચ્યાનું પણ યાદ કરે છે. ઝાંસી કહે છે, “જ્યાં અમારા અગરો હતા તે જમીન પર હવે ઇમારતો – રહેણાંક મકાનો – છે.” ખિન્નતાથી તેઓ ઉમેરે છે, “મને ખબર નથી એ જમીન અમારા હાથમાંથી શી રીતે જતી રહી.” તેમનો અવાજ શોકાતૂર છે, હવા મીઠાથી જાડી છે.

અગરિયાઓ કહે છે કે જિંદગી હંમેશા મુશ્કેલ રહી છે. દાયકાઓ સુધી તેઓ મોટાભાગે સાબુદાણા અને બાજરી (ચોખા તો ભાગ્યે જ) સાથે કોળમ્બ (ગ્રેવી) માં ઉકાળવામાં આવેલી માછલી ખાતા. અને ઈડલી – હવે સર્વવ્યાપક ખોરાક – દિવાળી માટે બનાવવામાં આવતી વાર્ષિક મિજબાની હતી. (દિવાળીની) આગલી રાત્રે સૂવા માટે ખૂબ જ ઉત્સાહિત હોવાનું ઝાંસી યાદ કરે છે કારણ માત્ર એટલું જ કે તહેવારને દિવસે સવારે તેમને ઈડલી આપવામાં આવતી.

બે મોટા તહેવારો, દિવાળી અને પોંગલ જ એવા પ્રસંગો હતા જ્યારે તેઓ નવા પોશાક પહેરતા. ત્યાં સુધી તેઓ જૂના, ઘસાઈ ગયેલા કપડાં પહેરતા હતા, ખાસ કરીને છોકરાઓ, ઝાંસી કહે છે, “તેમના પાટલૂનોમાં 16 કાણાં હતા, દરેક કાણાંને સોય-દોરાથી ઠીક કરવામાં આવતું.” તેમના હાથ ચપળતાથી હવા સીવતા હોય એમ હાલે છે. પગમાં તેઓ પામના પાંદડાંના સપાટ પગરખાં પહેરતા હતા, જે તેમના માતા-પિતાએ હાથેથી બનાવેલા હતા, શણની એક જાડી દોરી પગરખાંને એની જગ્યાએ પકડી રાખતી. તે પૂરતી સુરક્ષા આપતા, કારણ કે અગરોમાં ત્યારે એટલી બધી ખારાશ ન હતી જેટલી આજે છે – આજે જ્યારે મીઠું એક ઔદ્યોગિક ચીજ છે, અને તેનો ઘરગથ્થુ ઉપયોગ કુલ વપરાશનો માત્ર એક નાનો ભાગ છે.

અગરિયા કહે છે કે એમની જિંદગી હંમેશ મુશ્કેલ રહી છે. એમના છાપરા વિનાની કામની જગ્યાએ કામની વચમાં ચાની ચુસ્કી લેવા માટે પણ એમને બહુ ઓછો સમય મળે છે

“હું મારું નામ લખી શકું છું, બસના રૂટ વાંચી શકું છું અને એમજીઆર ગીતો પણ ગાઈ શકું છું”
– એસ. રાણી, અગરિયા અને નેતા

સાંજે કામ પછી રાણી અમને ઘેર બોલાવે છે – તેનું ઘર એટલે એક નાનો મજબૂતીથી બાંધેલો ઓરડો, જેમાં સોફા અને સાયકલ છે અને દોરી પર કપડાં લટકે છે. બધા ગરમ ચા પીએ છે અને ત્યારે તેઓ પોતે 29 વર્ષના હતા ત્યારે રજિસ્ટ્રાર ઓફિસમાં થયેલા પોતાના લગ્નની વાત કરે છે. ​​તે સમયે ગામડાની સ્ત્રી માટે આ ખૂબ મોડું હતું. તેના લગ્ન મોડા થવાનું સૌથી મોટું કારણ કદાચ તેના પરિવારની ગરીબી હતું. રાણીને ત્રણ દીકરીઓ – તંગમ્મલ, સંગીતા અને કમલા – અને એક દીકરો કુમાર છે, જે તેમની સાથે રહે છે.

તેઓ કહે છે, તેમણે લગ્ન કર્યા ત્યારે પણ “અમારી પાસે વિધિ માટે પૈસા નહોતા.” પછી તે અમને ફોટો આલ્બમ્સ બતાવે છે – તેમની દીકરી તરુણાવસ્થામાં પ્રવેશી તેનો સમારંભ , બીજી દીકરીના લગ્ન, સારા કપડાં પહેરેલો પરિવાર, નૃત્ય કરતો, ગીતો ગાતો તેમનો દીકરો કુમાર, ગાય છે… આ બધાના પૈસા મીઠું ઘસડીને જ ચૂકવવામાં આવ્યા છે.

અમે હસીએ છીએ અને ટિપ્પણી કરીએ છીએ ત્યારે રાણી હાથથી બનાવેલી લીલા તારની ટોપલી છેડાને વાળીને અંદર ખોસીને , હેન્ડલને કડક કરીને પૂરી કરે છે, યુટ્યુબ વિડિયોમાંથી ઘૂસબેરી પેટર્ન શીખીને કુમારે જ તે ટોપલી શરૂઆતથી બનાવી હતી. કેટલાક દિવસોએ તેની (કુમારની) પાસે આ બધા માટે સમય નથી હોતો. તે થોડી વધારાની કમાણી કરવા બીજા મીઠાના અગર પર બીજી પાળી માટે જાય છે. સ્ત્રીઓને હંમેશા ઘરમાં બીજી પાળી હોય છે એ વાત તરફ ધ્યાન ખેંચતા તે કહે છે, “તેમને ભાગ્યે જ આરામ મળે છે.”

રાણીને ક્યારેય કોઈ આરામ મળ્યો નથી, તેઓ ખૂબ જ નાના હતા ત્યારે પણ નહીં. તેમને તેમની માતા અને બહેન સાથે સર્કસમાં મોકલવામાં આવ્યા હતા ત્યારે તેઓ માત્ર 3 વર્ષના હતા . “તેને તુતિકોરિન સોલોમન સર્કસ કહેવામાં આવતું હતું, અને મારી માતા ‘હાઈ-વ્હીલ’ (વન-વ્હીલ) સાયકલના ચેમ્પિયન હતા.” રાણી બારમાં નિપુણ હતા, તેમની બહેન જગલિંગમાં. “મારી બહેન ચુસ્ત-દોરડા પર ચાલી શકતા હતા. હું પાછળની તરફ નમીને મારા મોં વડે કપ ઉપાડતી. સર્કસ મંડળી સાથે તેમણે મદુરાઈ, મનપ્પરાઈ, નાગેરકોઈલ, પોલ્લાચીની મુસાફરી કરી.

જ્યારે તેઓ આઠ વર્ષના હતા ત્યારે જ્યારે પણ સર્કસ તુતિકોરિન ઘેર પાછું આવતું ત્યારે રાણીને અગરોમાં કામ કરવા મોકલવામાં આવતા. ત્યારથી મીઠાના અગરો રાણીની દુનિયા બની ગયા. તે છેલ્લી વખત તેઓ શાળાએ ગયા હતા. “હું તીજા ધોરણ સુધી ભણી છું. હું મારું નામ લખી શકું છું, બસના રૂટ વાંચી શકું છું અને એમજીઆર ગીતો પણ ગાઈ શકું છું.” દિવસોના આગળ ભાગમાં તેમણે રેડિયોમાં વાગતા એક જૂના એમજીઆર ગીતની સાથે સાથે ગાવાનું શરૂ કર્યું, હતું, એ ગીત સદ્દગુણી થવાની અને બીજાને મદદ કરવાની વાત કરે છે.

તેની સાથે કામ કરનારા તેઓ એક સારી નૃત્યાંગના પણ છે એમ કહી તેમને ચીડવે છે. તૂતુકુડીના સંસદસભ્ય કનિમોઝી કરુણાનિધિની અધ્યક્ષતામાં યોજાયેલા એક કાર્યક્રમમાં જ્યારે તેઓ તેમની તાજેતરની કરગટ્ટમ ની પ્રસ્તુતિનો ઉલ્લેખ કરે છે ત્યારે રાણી શરમાઈ જાય છે. રાણી – તેમના મહિલાઓના સ્વ-સહાય જૂથ કુળુના તેમજ અગરિયાઓના – નેતા તરીકે મંચ પરથી સંબોધન કરવાનું પણ શીખી રહ્યા છે, તેઓ સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે સફર પણ કરે છે. તેમની સાથે કામ કરનારા “તેઓ આ મીઠાના અગરોના રાણી છે” એમ કહે છે ત્યારે તેઓ મલકાય છે.

આવી જ એક સફર માટે – 2017 માં કૃષ્ણમૂર્તિ દ્વારા આયોજિત સભા માટે – તેઓ ચેન્નાઈ ગયા હતા. “અમારામાંના ઘણા ત્રણ દિવસ માટે ત્યાં ગયા હતા, તે એટલી આનંદદાયક સફર હતી! અમે હોટલના રૂમમાં રોકાયા, એમજીઆર સમાધિ, અન્ના સમાધિની મુલાકાત લીધી. અમે નૂડલ્સ અને ચિકન અને ઈડલી અને પોંગલ ખાધા. અમે મરિના બીચ પર ગયા ત્યાં સુધીમાં બહુ જ અંધારું થઈ ગયું હતું, પરંતુ બીચ સરસ હતો.

ઘેર તેમનું ભોજન સાદું છે. સામાન્ય રીતે તેઓ માછલી અથવા ડુંગળી અથવા કઠોળ સાથે – ચોખા અને કોળમ્બ (ગ્રેવી) રાંધે છે – સાથે કરવાડ (સૂકી મીઠું ચડાવેલ માછલી) ઉપરાંત કોઈક શાક, સામાન્ય રીતે કોબી અથવા બીટરૂટ હોય છે. “જ્યારે પૈસાની અછત હોય ત્યારે અમે માત્ર બ્લેક કોફી લઈએ છીએ.” પરંતુ તેઓ ફરિયાદ કરતા નથી. તેઓ ખ્રિસ્તી છે, તેઓ ચર્ચમાં જાય છે અને સ્તોત્રો ગાય છે. તેમના પતિ સેસુનું અકસ્માતમાં અવસાન થયા પછી તેમના બાળકો – તેઓ તેમના દીકરાનો ખાસ ઉલ્લેખ કરે છે – તેમની સાથે સારું વર્તન રાખે છે. “ઉન્નુમ કોર સોલ્લ મુડિયાદ,” હું કશાની ફરિયાદ ન કરી શકું. “ઈશ્વરે મને સારા બાળકો આપ્યા છે.”

જ્યારે તેઓ તેમની (તેમના બાળકોની) સાથે ગર્ભવતી હતા ત્યારે તેમણે પ્રસૂતિના દિવસ સુધી કામ કરવાનું ચાલુ રાખ્યું હતું – જ્યારે તેઓ મીઠાના અગરોમાંથી સીધા જ હોસ્પિટલ જતા. તેઓ તેમના ઘૂંટણ નજીક તેમની જાંઘને થપથપાવતા કહે છે, “મારું પેટ અહીં સુધી આવતું હતું.” પછી પ્રસૂતિના 13 દિવસ પછી તેઓ અગરો પર કામે ચડી જતા. અને બાળકને ભૂખે રડે નહીં તે માટે તેઓ સાબુદાણાના લોટની પાતળી રાબ બનાવતા. બે ચમચી લોટને કપડામાં લપેટી, પાણીમાં બોળી, ઉકાળીને, રબરની ટોટીવાળી ગ્રાઇપ વોટરની બોટલમાં ભરતા – અને જ્યાં સુધી તેઓ બાળકને સ્તનપાન કરાવવા/ધવડાવવા પાછા ન આવે ત્યાં સુધી કોઈ તેને આ પીવડાવતું.

માસિક ધર્મના દિવસો પણ એટલા જ મુશ્કેલ હતા જેમાં ચામડી આળી થઈ જતી અને લાહ્ય બળતી. “સાંજે હુંફાળા પાણીથી નાહીને હું મારી જાંઘ પર નારિયેળનું તેલ લગાવતી. જેથી હું બીજા દિવસે કામ પર પાછી જઈ શકું…”

તેમના વર્ષોના અનુભવથી રાણી – મીઠું માત્ર જોઈને અને અડકીને – કહી શકે છે કે તે ફૂડ ગ્રેડનું છે કે નહીં. સારા રોક સોલ્ટમાં સમાન કદના સ્ફટિકો હોય છે અને તે ચીકણા નથી હોતા. “જો તે પિસુ-પિસુ (ચીકણા) હોય તો – તેનો સ્વાદ સારો નહીં આવે.” બાઉમ થર્મોમીટર્સ અને વ્યાપક સિંચાઈના માર્ગોની મદદથી વૈજ્ઞાનિક રીતે ઉત્પાદિત મીઠું – એ વસ્તુના મોટા જથ્થાની લણણી કરવાના – એક જ ઉદ્દેશ્યથી સંચાલિત છે. તેઓ મને કહે છે કે તે ઉદ્દેશ કદાચ પૂર્ણ થઈ શકે છે, પરંતુ તેમાંથી મોટા ભાગનું મીઠું ઔદ્યોગિક હેતુઓ માટે વધુ યોગ્ય છે.

રાણી પોતાને ઘેર અને તેમના દીકરા કુમાર (જમણે) સાથે . દરેક ગર્ભાવસ્થા દરમિયાન તેમણે પ્રસૂતિના દિવસ સુધી કામ કર્યું હતું – પછી મીઠાના અગરોમાંથી સીધા જ હોસ્પિટલ જતા

“મીઠાના અગરોની ગણના ઉદ્યોગ તરીકે નહીં પણ ખેતી તરીકે થવી જોઈએ”
– જી. ગ્રહદુરાઈ, પ્રમુખ, તૂતુકુડી, સ્મોલ સ્કેલ સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન

ન્યૂ કોલોની તૂતુકુડી ખાતેની જી. ગ્રહદુરાઈની એરકન્ડિશન્ડ ઑફિસમાં – જે કાળઝાળ ગરમ મીઠાના અગરોથી પથરો ફેંકીએ એટલી ય દૂર નથી ત્યાં – તેઓ મને જિલ્લાના મીઠા ઉદ્યોગની વાસ્તવિક પરિસ્થિતિનો સંપૂર્ણ ચિતાર આપે છે. તેમના એસોસિએશનમાં લગભગ 175 સભ્યો છે અને દરેક સભ્ય પાસે લગભગ 10 એકર જમીન છે. સમગ્ર જિલ્લાના 25000 એકરના અગરો વર્ષે 25 લાખ ટન મીઠું પકવે છે.

પ્રતિ એકર વર્ષે સરેરાશ 100 ટન મીઠું પાકે છે. વર્ષ ખરાબ હોય, પુષ્કળ વરસાદ હોય, ત્યારે મીઠાનું ઉત્પાદન ઘટીને 60 ટન થઈ જાય છે. શ્રમના વધતા જતા ખર્ચ વિશે વાત કરતા ગ્રહદુરાઈ કહે છે, “ભૂમિગત જળ ઉપરાંત – એ પાણીને પંપ કરવા – અમારે વીજળીની જરૂર પડે અને ‘મીઠું પકવવા માટે” શ્રમિકની જરૂર પડે, તે માટેનો ખર્ચ વધતો ને વધતો ને વધતો જાય છે. ઉપરાંત, કામના કલાકો અગાઉના આઠ કલાકથી ઘટીને હવે માત્ર ચાર કલાક થઈ ગયા છે. શ્રમિકો સવારે 5 વાગે આવે અને 9 વાગ્યા સુધીમાં તો જતા રહે છે, માલિકો ત્યાં જાય તો પણ કોઈ શ્રમિક જોવા ન મળે.” શ્રમિકો (કામના) કલાકોની ગણતરી તેમના કરતા સાવ અલગ રીતે કરે છે.

ગ્રહદુરાઈ સ્વીકારે છે કે અગરમાં કામ કરતા શ્રમિકોની જે પરિસ્થિતિમાં કામ કરે છે તે ખૂબ જ મુશ્કેલ છે. “પાણી અને શૌચાલયની સગવડ આપવાની જરૂર છે, પરંતુ અગરો 100 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા હોવાથી આ વ્યવસ્થાપન સરળ નથી.”

ગ્રહદુરાઈ કહે છે કે તૂતુકુડી મીઠાનું બજાર સંકોચાઈ રહ્યું છે. “પહેલા અહીંનું મીઠું બધે જ શ્રેષ્ઠ ખાદ્ય મીઠા તરીકે જાણીતું હતું. પરંતુ હવે તે માત્ર દક્ષિણના ચાર રાજ્યોમાં જાય છે. અને થોડું સિંગાપોર અને મલેશિયામાં નિકાસ થાય છે. મોટાભાગનું ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાય છે. ચોમાસા પછી અગરોમાંથી ઘસીને કાઢવામાં આવેલા જીપ્સમમાંથી થોડીઘણી આવક થાય છે. પરંતુ હવામાન પરિવર્તનને કારણે એપ્રિલ અને મેમાં વરસાદને કારણે પણ મીઠાના ઉત્પાદનને વધુને વધુ અસર પહોંચી રહી છે.

ગુજરાત તરફથી પણ સખત હરીફાઈ છે કારણ કે “ગુજરાત તૂતુકુડી કરતાં વધુ ગરમ અને શુષ્ક છે અને દેશનું 76 ટકા ઉત્પાદન હવે તે પશ્ચિમી રાજ્યમાંથી આવે છે. તેમનો મીઠાનો જથ્થો ઘણો વધારે છે, ઉત્પાદન અંશતઃ યાંત્રિક અને આંશિક રીતે બિહારના [નજીવું વેતન મેળવતા] સ્થળાંતરિત શ્રમિકોને મદદથી કરવામાં આવે છે. તેમના અગરોને ભરતીના પાણીથી ભરવામાં આવે છે, તેથી તેઓ વીજળીના ખર્ચમાં પણ બચત કરે છે.”

નાની જીત – નાનો વેતન વધારો અને બોનસ – આ બધું અગરિયાઓ તેમના અધિકારો માટે લડ્યા છે માટે જ શક્ય બન્યું છે

તૂતુકુડીમાં એક ટન મીઠાની ઉત્પાદન કિંમત 600 થી 700 રુપિયા છે, ગ્રહદુરાઈનો દાવો છે કે “ગુજરાતમાં તે માત્ર 300 રુપિયા છે. અમે કેવી રીતે સ્પર્ધા કરીએ, ખાસ કરીને જ્યારે એક ટનની કિંમત 2019 ની જેમ અચાનક ઘટીને 600 રુપિયા થઈ જાય?” આને સરભર કરવા માટે ગ્રહદુરાઈ અને બીજા લોકો ઈચ્છે છે કે મીઠાના ઉત્પાદનની “ગણના ખેતી તરીકે કરવામાં આવે, નહિ કે ઉદ્યોગ તરીકે. [તેથી ‘પાક’ તરીકે મીઠાનો વિચાર]. મીઠાના નાના ઉત્પાદકોને ઓછા વ્યાજની લોન, સરકાર તરફથી આર્થિક રીતે સહાયિત વીજળી અને ફેક્ટરીઓ અને શ્રમિક કાયદાઓમાંથી મુક્તિની જરૂર છે.

“આ વર્ષે તો ક્યારના ય ગુજરાતમાંથી જહાજો આવીને તૂતુકુડીમાં મીઠું વેચતા હતા.”

“તેઓ આપણા વિશે ત્યારે જ લખે છે જ્યારે કંઈક ભયંકર બને છે”
– મહિલા અગરિયાઓ

અગરિયાઓની આજીવિકાના સાધનને વધુ મજબૂત કરવા અસંગઠિત શ્રમિક સંઘ (અનઓર્ગેનાઇઝડ વર્કર્સ ફેડરેશન) ના કૃષ્ણમૂર્તિ અનેક માંગણીઓ રજૂ કરે છે. પાણી, સ્વચ્છતા, વિશ્રામ વિસ્તાર એ – પાયાની સુવિધાઓ ઉપરાંત – તેઓ બાકી રહેલા મુદ્દાઓના ઝડપી ઉકેલ માટે શ્રમિકો, નોકરીદાતાઓ અને સરકારના પ્રતિનિધિઓની એક સમિતિની રચના કરવાની માગણી કરે છે.

“અમારે બાળ સંભાળ સુવિધાઓની તાત્કાલિક જરૂર છે. હાલ આંગણવાડીઓ માત્ર ઓફિસ સમય દરમિયાન (9 થી 5) જ કામ કરે છે. અગરિયાઓ સવારે 5 વાગ્યે અને કેટલાક વિસ્તારોમાં તો તેની ય પહેલા ઘેરથી નીકળી જાય છે. સૌથી મોટું બાળક – ખાસ કરીને જો તે છોકરી હોય તો – તે માતાનું સ્થાન લે, અને તેનું શિક્ષણ બરબાદ થઈ જાય છે. શું આ બાળકોની સંભાળ રાખવા માટે આંગણવાડીઓએ સવારે 5 થી 10 વાગ્યા સુધી કામ ન કરવું જોઈએ?”

કૃષ્ણમૂર્તિ સમજાવે છે કે તેમની નાની જીત – નાનો વેતન વધારો અને બોનસ – આ બધું શ્રમિકો એક થયા છે અને તેમના અધિકારો માટે લડે છે માટે જ શક્ય બન્યું છે. નવી DMK સરકારના 2021ના તમિળનાડુના અંદાજપત્રે લાંબા સમયથી ચાલતી ચોમાસા દરમિયાન રાહત તરીકે 5000 રૂપિયાની માંગ પૂરી કરી છે. કૃષ્ણમૂર્તિ અને સામાજિક કાર્યકર ઉમા મહેશ્વરી સ્વીકારે છે કે અસંગઠિત ક્ષેત્ર સરળતાથી સંગઠિત થઈ શકતું નથી. આરોગ્ય સમસ્યાઓ એ વ્યવસાયિક જોખમો છે. પરંતુ તેઓ ચોક્કસ પૂછે છે, “કેટલાક મૂળભૂત સામાજિક સુરક્ષાના પગલાં ઉપલબ્ધ ન કરાવી શકાય ?”

મહિલા શ્રમિકો એ વાત તરફ ધ્યાન દોરે છે કે છેવટે નોકરીદાતાઓ તો હંમેશા નફો કરે/રળે છે. ઝાંસી મીઠાના અગરોને પામ વૃક્ષો સાથે સરખાવે છે – બંને કસાયેલા, કઠોર સૂર્યની નીચે પણ ટકી રહેવા સક્ષમ અને હંમેશા ઉપયોગી. તેઓ કહે છે, ‘ ધુડ્ડ’ પૈસા માટેના આ અપશબ્દ ઉપયોગ કરીને તેને વારંવાર બોલીને તેઓ કહે છે મીઠાના અગરો હંમેશા માલિકોને પૈસા આપે છે.

“પણ અમને નહિ. અમારી જિંદગી વિશે કોઈ જાણતું નથી,” , કામ કરી લીધા પછી કાગળના નાના કપમાં ચા પીતી મહિલાઓ મને કહે છે, “તમે ખેડૂતો વિશે બધે વાંચો છો, પરંતુ અમે તો જો વિરોધ કરીએ તો જ પ્રસાર માધ્યમો અમારી વાત કરે છે.” અને તેઓ ઊંચા સ્વરે ચિડાઈને દલીલ કરે છે, “તેઓ અમારે વિશે ત્યારે જ લખે છે જ્યારે કંઈક ભયંકર બને છે. મને કહો દરેક વ્યક્તિ મીઠું વાપરે છે કે નહીં?”

આ સંશોધન અભ્યાસને અઝીમ પ્રેમજી યુનિવર્સિટી, બેંગલુરુ દ્વારા તેમના સંશોધન ભંડોળ કાર્યક્રમ 2020 (રિસર્ચ ફંડિંગ પ્રોગ્રામ 2020) ના ભાગરૂપે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક https://ruralindiaonline.org/en/