ખુશબુદાર કેસર કેરીની તાલાલા માર્કેટીંગ યાર્ડ ખાતે આગામી 10 મે 2020ને રવિવારથી હરરાજીનો પ્રારંભ થશે.
વાતાવરણની વિપરીત અસર કેરીના પાકને થઈ છે. લોકડાઉનને લીધે આર્થિક નુકસાની ભોગવવી પડી છે. કેરીના ઉત્પાદકો માટે રાજ્ય સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી માગણી સાથેનો ઠરાવ માર્કેટીંગ યાર્ડની સાધારણ સભામાં કરવામાં આવ્યો હતો.
તાલાલા માર્કેટીંગ યાર્ડમાં 2019માં 5 મેથી કેસર કેરીની સિઝનનો શુભારંભ થયો હતો. આ સિઝન 46 દિવસમાં 10 કિલોના 7.75 લાખ બોક્સ વેચાયા હતા. પેટીનો સરેરાશ ભાવ રૂા.345 આવ્યા હતા. જેનાથી કેસર કેરીના ઉત્પાદક કિસાનોને સંતોષ થયો હતો. 8 લાખ પેટીનો વેપાર થાય એવી શક્યતા છે. બજાર અને બજાર બહાર મળીને 10 લાખ પેટી એટલે કે 1 કરોડ કિલો કેરી પાકે તેવી ધારણા છે.
લોકડાઉનના કારણે કેસર કેરીની સિઝનમાં ખેડૂતો-વેપારીને કોઈપણ જાતની મુશ્કેલી પડે નહીં. કેસર કેરીના પોષણક્ષમ ભાવો સાથે સરળતાથી માર્કેટીંગ થઈ શકે માટે વિશેષ સવલતો આપવા રાજ્ય સરકાર સમક્ષ માગણી કરતો ઠરાવ તાજેતરમાં યાર્ડની સાધારણ સભામાં કરવામાં આવ્યો હતો.
કેસર કેરીને વિમા કવચ નથી. વર્ષમાં એકવાર આવતી કેરીની સિઝન પણ ટૂંકા ગાળાની અને પાક વિમા યોજનાથી વંચીત હોય, તાલાલા વિસ્તાર ઓરેન્જ ઝોનને નજર સમક્ષ રાખ્યા વગર કેસર કેરીની સિઝનમાં ખાસ સવલતો આપવી જોઈએ. કમોસમી વરસાદ – અવિરત ઠંડી તથા છેલ્લે ભારે કોરામણને કારણે સહાય પેકેજ આપવાની માગણી કરવામાં આવી છે.