26 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર શરૂં થશે

The budget session of the Gujarat Legislative Assembly will begin from February 26

ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયેલ નિર્ણયોમાં ગુજરાત વિધાનસભાના સત્રની બેઠકોનો પ્રારંભ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૦થી થશે. પ્રથમ દિવસે  ૨૦૨૦-૨૧ના વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે.

તેમ જ પ્રથમ દિવસે પ્રશ્નોત્તરી બાદ ભૂતપૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ ચૌહાણ – બાવળા મત વિસ્તારના અવસાન અંગે શોકદર્શક ઉલ્લેખ હાથ ધરાશે.

૨૭ ફેબ્રુઆરીથી રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો પ્રારંભ થશે,જે માટે ત્રણ બેઠકો ફાળવવામાં આવેલ છે. તા. ૨જી અને ૩જી માર્ચ, ૨૦૨૦ના રોજ ગૃહમાં રજૂ થયેલ પૂરક માંગણીઓ પર ચર્ચા અને મતદાન હાથ ધરાશે. જ્યારે અંદાજપત્ર પર સામાન્ય ચર્ચાનો પ્રારંભ ૪થી માર્ચ, ૨૦૨૦થી થશે, જે માટે કુલ ૪ દિવસ ફાળવવામાં આવેલ છે.

જુદા જુદા વિભાગની માંગણીઓ પર વિભાગવાર ચર્ચા અને મતદાન હાથ ધરાશે,જે માટે કુલ ૧૨ બેઠકો ફાળવવામાં આવેલ છે.

કામકાજના કુલ૨૨ દિવસ રહેશે અને એકંદરે ગૃહની ૨૫ બેઠકો મળશે. જેમાં સરકારી વિધેયકો અને સરકારી કામકાજ માટે કુલ ૩ બેઠકો મળશે. સમગ્ર સત્ર દરમ્યાન ૩ બેઠકો દરમ્યાન બિન સરકારી વિધેયકો અને અન્ય ત્રણ બેઠકો દરમ્યાન બિન સરકારી સંકલ્પો હાથ ધરાશે. જેમાં મુખ્યત્વે પ્રજાને સ્પર્શતા મુદ્દાઓ કે સભ્ય દ્વારા સુચવવામાં આવેલ કાયદાકીય જોગવાઇઓ સંદર્ભેમાં ગૃહમાં વ્યાપક ચર્ચા હાથ ધરાશે. જ્યારે છેલ્લા દિવસે એટલે કે ૩૧ માર્ચના રોજ છેલ્લા દિવસનો પ્રસ્તાવ હાથ ધરાશે. આમ એકંદરે ગૃહનું કામકાજ તા. ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૦ થી શરૂ થશે અને ૩૧ માર્ચ ૨૦૨૦ના રોજ પૂર્ણ થશે.