ગાંધીનગર, 8 સપ્ટેમ્બર 2020
“સાત પગલાં ખેડૂત કલ્યાણના”માં વડોદરા જિલ્લા સહકારી સુગરકેન ગ્રોઅર્સ યુનિયન, ગંધારા શેરડી પકવતાં 2908 ખેડૂતો અને મજૂરોને રૂ.25 કરોડ બાકી રકમ આપવામાં આવી હતી. જે કામ સુગર મીલે કરવાનું હતું તે કામ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કર્યું હતું. મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે શિનોર અને કરજણ તાલુકાના છ ખેડૂતોને 2018-19ના બાકી નીકળતા નાણાંના ચેક આપ્યા હતા.
વડોદરા જિલ્લાના કરજણ, સિનોર અને ડભોઇ તાલુકાના 31 સ્થળોએ મંત્રીઓ, સાંસદઓ અને ધારાસભ્યઓ, સહકારી આગેવાનો અને લાભાર્થીઓ હાજર હતા. ખેડૂતોએ શેરડીના કારખાનાને વેંચેલી શેરડીના હક્કના પૈસા છે, તે સરકાર આપતી હોય એવો દેખાવ કર્યો હતો.
મુખ્ય પ્રધાને ખેડૂતો પર ઉપકાર કરતાં કહ્યું હતું કે, અમારી સરકાર લોકોની સેવા કરી રહી છે. આ સરકાર ખેડૂતોની, પીડિતોની, મજૂરોની અને ગરીબોની સરકાર છે. અમારી સરકાર માંગ્યા પહેલા આપતી સરકાર છે. જનતાની આકાંક્ષા-અપેક્ષા પ્રમાણે કામ કરતી સરકાર છે. કરજણ વિસ્તારના ખેડૂતો શ્રમિકોને મળવાથી તેમના ઘરે સોનાનો સુરજ ઉગ્યો છે.
ખેડૂતોએ પ્રીમિયમ ભર્યા સિવાય ખરીફ પાક વખતે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને માવઠું-કમોસમી વરસાદની સ્થિતિમાં પાક વીમાની રૂ.2 હજાર કરોડ જોગવાઈ કરી છે. રાજ્યના દરેક ખેડૂતનો પાક નિષ્ફળ જાય તો રૂ.4444 મળી શકશે.
ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે ગાય દીઠ પ્રતિમાસ રૂપિયા 900ની સહાય કરવામાં આવે છે. યોજનામાં ખેતરમાં પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવા રૂ.30,000ની સબસીડી અપાશે.
ગુજરાત સરકારે છેલ્લા ચાર વર્ષમાં ખેડૂતો પાસેથી રૂ.15,000 કરોડથી વધુ રકમની ખેત-પેદાશો ટેકાના ભાવે ખરીદી કરી છે. જે દરેક ખેડૂતને સરેરાશ રૂ. 33333 આપવામાં આવ્યા છે. આમ દર વર્ષે રૂ.8 હજારનો માલ રૂપાણીએ ખરીદ કર્યો છે.
રૂપાણીએ જૂઠું બોલતાં કહ્યું કે, “અગાઉની સરકારોએ એક પણ રૂપિયાની પેદાશ ટેકાના ભાવે ખરીદી નથી.” જેમાં નરેન્દ્ર મોદી, કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા અને આનંદીબેન પટેલની ભાજપની સરકાર પણ આવી જાય છે.