- વિધાનસભમાં કોંગ્રેસના ધારાસભ્યના આરોપ સાથે માંગણી
ગાંધીનગર, 3 માર્ચ 2020
કોઈ વ્યક્તિ ટ્વિટર ઉપર કોઈ IAS ઓફિસર કે નેતાના નામનું એકાઉન્ટ બનાવી બેફામ ગાળો કે કાયદાનો ભંગ કરે અને પીડિત પોલીસ ફરિયાદ કરવા પહોંચે તો પોલીસે એકાઉન્ટ વેરીફાઈવ કરતા મહિનાઓ લાગી જાય આ કેવી લાચારી છે. મોબાઈલ કંપનીઓ શું તાકીદે માહિતી આપતી નથી. સરકારે આવી મોબાઈલ કંપનીઓ સામે કાર્યવાહી કરી નથી.
અમદાવાદના કૌંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાંચ કે સાયબર ક્રાઈમ પાસે એવું સોફ્ટવેર છે કે કોઈપણ સોશિયલ મીડિયામાં કન્ટેન્ટ જોઈ શકે કે હટાવી શકે કે પછી મેસેજ વાંચી શકે છે. આવા સોફ્ટવેરથી કોઈની જાસૂસી ન થાય તે રોકવા માટે સરકાર પાસે શું પૉલિસી છે ? સાયબર ક્રાઈમ કેવા કિસ્સામાં કે ફરિયાદમાં સોશિયલ મીડિયાનું કોઈનું એકાઉન્ટ ચેક કરી શકે છે. કોની પૂર્વ મંજૂરી લેવી પડે છે? આ પ્રકારે ચકાસણીના કિસ્સામાં પોલીસના એ સોફ્ટવેરનું ઓડિટ થાય છે ખરું ? તેવા પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા.
સાયબર ક્રાઈમને ડામવા માટે સરકાર સમક્ષ માંગણી કરતાં જણાવ્યું હતું કે, ઓનલાઈન થતી છેતરપીંડી અંગે પ્રચાર માધ્યમો દ્વારા લોકજાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ. સાયબર ક્રાઈમ અંગેની ફરિયાદ ઝડપથી દાખલ કરવા દરેક પોલીસ સ્ટેશનમાં સ્પેશ્યલ સેલ ઉભા કરવા જોઈએ.
વિશ્વવિખ્યાત સંત પૂ. મોરારિબાપુ સહિત અનેક વિભુતિઓ બળાત્કારની ઘટનાઓનો વ્યાપક વિરોધ કરી રહ્યા છે ત્યારે સમાજને લાંછનરુપ એવી બળાત્કારની ઘટના પર અંકુશ મેળવવા પોર્ન વેબસાઈટોને સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરવી જોઈએ. પોલીસ અધિકારીઓને સાયબર ક્રાઈમ વિશે વિશેષ ટ્રેઈનીંગ આપવી જોઈએ. તેમ ગુજરાત વિધાનસભામાં જણાવ્યું હતું.