ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2020
ગુજરાતમાં 1.65 લાખ હેક્ટરમાં આંબા પરથી 12 લાખ ટન કેરી પાકે છે જેમાં સૌથી વધું કેરી પકવતો વિસ્તાર વલસાડ-નવસારી છે. વલસાડમાં 36 હજાર હેક્ટરમાં 2.42 લાખ મેટ્રીક ટન અને નવસારીમાં 33 હજાર હેક્ટરના આંબામાં 3 લાખ મેટ્રીકટન કેરી પેદા થાય છે. જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધું છે.
અહીં કેરીનું વિપુલ ઉત્પાદન થતું હોવાથી કેરીના ઓછા ભાવ આવે છે. તેથી આદિવાસી મહિલાઓએ એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. અહીંની આદિવાસી મહિલાઓ કેરીની ઋતુ હવે શરૂં થઈ રહી છે ત્યારે કેરીનો રસ કાઢીને તેને બોટલમાં પેક કરીને આખું વર્ષ તેનું વેચાણ કરીને સારી એવી કમાણી કરવા લાગી છે.
વલસાડ ગુજરાતનો એક આદિવાસી પ્રભુત્વ ધરાવતો જિલ્લો છે જ્યાં કેરી એક મહત્વપૂર્ણ બાગાયતી પાક છે. આદિજાતિના ખેડુતો ખેતરના શેઢે અથવા જમીનના નાના ટુકડા પર આંબા ઉગાડે છે. જેમાં કપરાડા તાલુકાના અંબેટી ગામમાં કુસુમબેન કાલીદાસે કેરીના રસનો બોટલ પેક રસ તૈયાર કરીને અનેક આદિવાસી મહિલાઓને પગભર કરી છે. ત્યાં મહિલાઓ પુરુષો કરતાં વધારે કમાઈ લે છે.
મોટાભાગના આદિવાસીઓએ કેરી નીચા ભાવે સ્થાનિક બજારમાં વેંચી દેવી પડે છે. કુસુમબેને 10 વર્ષ પહેલાં કેરીનું મૂલ્યવર્ધન કેમ કરવું અને બોટલમાં કેરીનો રસ ભરવાની તાલીમ લીધી હતી. તેને કૃષિ વિકાસ કેન્દ્ર દ્વારા કોર્કિંગ મશીન, બોટલ, કોર્ક્સ વગેરે આપવામાં આવ્યા ત્યારથી આજ સુધી અનેક મહિલાઓ હવે બોટલમાં કેરીનો રસ ભરવાનું કામ કરે છે.
આસપાસની અનેક મહિલાઓ હવે કેરીનું ફળ નક્કી કરી સ્વચ્છ કરીને મશીનોનો ઉપયોગ કરીને પલ્પ કાવા, માવો ઉકાળવો, પ્રિઝર્વેટિવનો જથ્થો, કોર્કિંગ મશીનનો ઉપયોગ કરીને બોટલ સીલ કરવા વગેરે વિશે હવે નિષ્ણાંત બની ગયા છે. પછી તેમણે નાનો ઉદ્યોગ શરૂ કર્યો હતો. તેઓ આજે “ગુરૂકૃપા સ્વયં સહાય જૂથ” નામથી એક એસએચજીની રચના કરીને બોટલ પેક રસનો સારો એવો ધંધો કરવા લાગ્યા છે.
જૂથની દરેક મહિલા દર વર્ષે રૂ.15000 થી રૂ.20,000ની વધારાની આવક કેરીની ઋતુમાં મેળવી લે છે. કુસુમબેન કાલિદાસ પટેલ – એસએચજીના લીડર બની ગયા છે અને હવે તેઓ પોતે માસ્ટર ટ્રેનર તરીકે કામ કરે છે. કુસુમબેન પોતે વર્ષે કેરીના પલ્પની 1000 બોટલો ભરે છે.
બોટલોમાં રસ ભરીને તેને સ્થાનિક બજાર અને શહેરી વિસ્તારમાં પુરા પાડે છે. કુસુમબેન હવે વર્ષે રૂ. 45,૦૦૦ થી રૂ.55,૦૦૦ ની કમાણી કરે છે. તેમણે વલસાડના કપરાડા તાલુકાની આદિવાસી મહિલાઓની આવકમાં સારો એવો સુધારો કર્યો છે. મહિલાઓ હવે પુરુષો કરતાં વધારે કમાઈ લે છે. હવે કાચની બોટલોમાં કેરીના ટુકડા કરીને ખાંડમાં બોળી ભરવાની નવી પદ્ધતિ પર કામ કરે છે.