મજૂરોની રોજગારીનો સરવે બેકાર યુવાનોના નામે ચઢાવી દેતી રૂપાણી સરકાર – કોંગ્રેસ

અમદાવાદ, 26 જૂન 2020

પીરીયોડીક લેબર ફોર્સ સર્વેના આધારે રોજગારના મોટા દાવા કરીને રોજગારીમાં ગુલાબી ચિત્ર રજુ કરનાર ભાજપા સરકારમાં હિંમત હોય તો ગુજરાતમાં સરકારી અને ખાનગી રોજગારી, વાયબ્રન્ટ ઉત્સવોના અબજો રૂપિયાના મુડીરોકાણ સામે લાખો રોજગારીના દાવાની હકિકતો જાહેર કરે.

પીરીયોડીક લેબર ફોર્સ સર્વે જુલાઈ 2018થી જુલાઈ 2019 સમયાગાળાના સમગ્રદેશમાં 1,01,579 ઘરમાં 420 હજાર નાગરિકોનો સર્વેમાં સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં ગ્રામીણ વિસ્તારના 55812 હાઉસ હોલ્ડના 2.40 લાખ નાગરિકો જ્યારે 45767 હાઉસહોલ્ડના 1.81 લાખ નાગરિકો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે સમગ્ર દેશના 135 કરોડ નાગરિકોમાંથી માત્ર 420 હજાર નાગરિકોની સેમ્પલ સાઈજ જે માત્ર શ્રમિકો માટેની પસંદ કરી છે. છતાં સરકાર રોજગારીના મોટા દાવા કરે તે કોઈ અંશે વ્યાજબી નથી. સમગ્ર સર્વે શ્રમિકોને લઘુત્તમ રોજગારીનો સેમ્પલ સર્વે હોય ત્યાં રોજગારીમાં અવ્વલ નંબરના દાવા વિજય રૂપાણીની ભાજપ સરકાર કરે તે કોઈ અંશે વ્યાજબી નથી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે

પીરીયોડીક લેબર ફોર્સ સર્વેમાં સમગ્ર દેશમાં માત્ર 12800 ગામનો સેમ્પલ સાઈજ, જેમાં ગુજરાતમાંથી માત્ર 440 સેમ્પલનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના 208 અને શહેરી વિસ્તાર 232 સેમ્પલ ગણત્રીમાં લેવાયા છે. એટલે કે પીરીયોડીક લેબર ફોર્સ સર્વે (PLFS) માં સમગ્રદેશમાં માત્ર 1.6 ટકા સેમ્પલ સાઈજ અને ગુજરાતની માત્ર 2.3 સેમ્પલ સાઈજ સમાવેશ થાય છે.

કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસ નેતૃત્વ યુ.પી.એ. સરકારના વડાપ્રધાન અને મહાન અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસીંઘ અને યુ.પી.એ. ચેરપર્સન સોનિયા ગાંધીના નેતૃત્વમાં દેશના શ્રમિક વર્ગને મહાત્મા ગાંધી નેશનલ રૂલર એમ્પલોયમેન્ટ ગેરેન્ટી (MNAREGA) ઐતહાસિક રોજગાર કાયદા સ્વરૂપ દ્વારા 100 દિવસની રોજગારી આપી છે.

પણ કેન્દ્રની મોદી સરકાર સત્તામાં આવતાની સાથે જ મનરેગા કાયદાને ઓછા નાણાં ફાળવણી કરીને કાયદાને લૂલો કરવાનો સતત પ્રયત્ન કર્યો છે. ગુજરાતમાં પણ મનરેગા કાયદામાં મોટા પાયે ગેરરીતિ, ઓછુ વેતનની ચુકવણી અને શ્રમિકોને અન્યાય થતો હોવાની વ્યાપક ફરિયાદો મળી રહી છે.

નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન (NSSO)ના સંપુર્ણ અહેવાલમાં સમગ્ર દેશમાં 45 વર્ષમાં સૌથી ઉંચો બેરોજગારીનો દર મોદી શાસનમાં છે. જે ભાજપ સરકાર અને મોદી શાસનની દેશ અને ગુજરાતના નાગરિકોને કુભેટ છે. વાયબ્રન્ટ ઉત્સવોના નામે પ્રજાના પૈસે તાગડધિન્ના કરનાર અને અબજો રૂપિયાનું મુડી રોકાણ અને લાખો રોજગારના દાવાનો મોદી ને રૂપાણી સરકારનો પરપોટો ફુટી ગયો છે.