મોટે ભાગે સરઘસ કાઢીને આવેદનપત્ર આપવા માટે આંદોલનકારી નાગરિકો કલેક્ટર પાસે જાય છે. એ સંદર્ભમાં કેટલાક વિચારણીય મુદ્દા:
(૧) રાષ્ટ્રપતિ કે વડા પ્રધાનને કે મુખ્ય પ્રધાનને આવેદનપત્ર આપવા માટે આંદોલનકારીઓ કલેક્ટર પાસે જાય છે. કલેક્ટર પછી વડા પ્રધાનને કે રાષ્ટ્રપતિને એ આવેદનપત્ર પહોંચાડે છે કે નહિ તેની કોઈ કાળજી લેતું હોય તેવું જાણમાં નથી.
(૨) કલેક્ટર તો નિમાયેલા અધિકારી છે. તેઓ ચૂંટાયેલા પ્રતિનિધિ છે જ નહિ. એક રીતે જુઓ તો તેઓ લોકોના નોકર છે અને સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયોનો અમલ કરે છે. આ રીતે તો તેઓ ચિઠ્ઠીના ચાકર છે. જ્યારે વડા પ્રધાન કે રાષ્ટ્રપતિ કે મુખ્ય પ્રધાન પરોક્ષ રીતે પણ ચૂંટાયેલા પ્રતિનિધિ છે. તેઓ લોકોનો અવાજ સાંભળે એ અપેક્ષિત તો છે જ, પણ સાથે સાથે તેમને ફરી જીતવાની ચિંતા પણ હોય છે, કે જે કલેક્ટરને હોતી જ નથી. એટલે કલેક્ટરને આવાં આવેદનપત્રોથી કશો ફેર પડતો નથી.
લેખક દ્વારા: આત્મનિર્ભર પેનલ કે સરકારનિર્ભર ઉદ્યોગપતિઓ અને વેપારીઓ?
(૩) સામાન્ય રીતે જે વિષય વિશે આવેદનપત્ર આપવાનું હોય છે કે નાગરિક રોષ ઠાલવવાનો હોય છે, તેમાં નીતિવિષયક પ્રશ્નો જોડાયેલા હોય છે કે જેને વિશે કલેક્ટરને કશી લેવાદેવા હોતી નથી અથવા તો તેઓ કોઈ નીતિ વિષયક નિર્ણય લઈ શકે તેમ હોતા નથી. ચૂંટાયેલી સરકાર જે કહે તે કલેક્ટર દ્વારા થાય જ.
(૪) વળી, લોકોની લાગણી અને માગણી મુખ્ય પ્રધાન, વડા પ્રધાન કે રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવાનું કામ પણ કલેક્ટરનું નથી પણ ધારાસભ્ય કે સાંસદનું જરૂર છે કારણ કે તેઓ જ તેમને ચૂંટે છે.
લેખક દ્વારા: હિન્દી દિવસ: ભાષાકીય દંભનો દિવસ
(૫) તેથી એમ લાગે છે કે આવેદનપત્ર ચૂંટાયેલા પ્રતિનિધિઓને એટલે કે તાલુકા કે જિલ્લા કે નગર પંચાયતના પ્રમુખને કે મહાનગરપાલિકાના મેયરને કે ધારાસભ્ય કે સાંસદને આપવું જોઈએ. તેઓ નાગરિકોના પ્રતિનિધિઓ છે એટલે આવેદનપત્ર તેમને આપવાથી સીધી કે આડકતરી રીતે તેમના પર પણ દબાણ આવે છે.
(૬) કલેક્ટરને આવેદનપત્ર આપવાની પ્રથાથી આડકતરી રીતે પણ ચૂંટાયેલા પ્રતિનિધિનું મહત્ત્વ ઘટી જાય છે અને નિમાયેલા નોકરનું મહત્ત્વ વધી જાય છે. કલેક્ટર એક જમાનામાં અંગ્રેજ વાઇસરોયનું સીધું પ્રતિનિધિત્વ કરતા હતા પણ આજે તેઓ કોઈ પણ ચૂંટાયેલાનું પ્રતિનિધિત્વ કરતા જ નથી, અરે, સરપંચનું પણ નહિ. તો શા માટે તેમને આવેદનપત્ર આપવું? લોકશાહીમાં મહત્ત્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું હોય, નિમાયેલા અધિકારીઓનું ના હોય, ના હોવું જોઈએ.