વિદેશી ઉદ્યોગોને ઢગલો રાહતો, મંદીમાં પટકાયેલાં ઉદ્યોગોને રૂપાણીએ કેમ કોઈ રાહત ન આપી ? કોંગ્રેસ

અમદાવાદ, 9 મે 2020

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 9 મે 2020એ વિદેશથી નવા ઉદ્યોગો ગુજરાતમાં આવે તે માટે જાહેરાતો કરી છે. તેનાથી ખુબ જ આશ્ચર્ય અને આઘાત લાગ્યો. વિદેશથી આવતા ઉદ્યોગકારો માટે જે જાહેરાતો કરી છે તેનાથી સ્પષ્ટ થાય છે કે, ‘ઘરના ઉદ્યોગો ઘંટી ચાટે અને વિદેશીઓને આટો’. વિદેશથી આવતા ઉદ્યોગકારો માટે ઓનલાઇન વ્યવસ્થા કરીને 7 જ દિવસમાં તમામ મંજૂરીઓ આપી દેવાની જે જાહેરાત કરવામાં આવી છે તેના બદલે હાલમાં આપણાં ગુજરાતના નાના અને લઘુ ઉદ્યોગો જે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, તેના માટેની ચિંતા કરવી જોઈએ. એમ કોંગ્રેસે જણાવ્યું હતું.

મજૂર કાયદાઓમાં 4 વર્ષની શોષણની છૂટ

નવા વિદેશથી આવતા ઉદ્યોગો માટે 33,000 હેકટર જમીન અને એ પણ પ્લગ અને પ્રોડ્યૂસ સુવિધા સાથે આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે. હકીકતમાં જે આપણાં ઉદ્યોગો કોરોના વાયરસ, નોટબંધી અને વધારે પડતા GST ના કારણે અતિશય મુશ્કેલીમાં આવી ગયા છે. તેવા આપણાં સ્થાનિક ઉદ્યોગોને વધારે લાભ આપવો જોઈએ નહીં કે નવા વિદેશથી ઉદ્યોગો માટે લાલ જાજમ. વિદેશથી નવા આવનાર ઉદ્યોગોને શ્રમિકોનું શોષણ કરવાની પુરી પરવાનગી આપવાની હોય તે રીતે ત્રણ કાયદાઓ છોડીને તમામ સમૂહ કાયદાઓમાંથી નવા ઉદ્યોગોને ૧૨૦૦ દિવસ સુધીની છૂટ આપવામાં આવી છે જે આપણાં શ્રમિકો માટે ઘાતક પુરવાર થશે.

રાજ્ય સરકારનો આ વિદેશથી આવતા ઉદ્યોગો માટેનો પ્રેમ એ આપણાં ગુજરાતના ઘરેલું ઉદ્યોગોને પડયા પર પાટું મારવા સમાન બની રહેશે. આથી તાત્કાલીક અસરથી આ બધી વિદેશથી આવતા ઉદ્યોગો માટેની મહેરબાની બંધ કરીને આપણાં સ્થાનિક ઉદ્યોગો ટકી રહે તે માટેની વિચારણા થાય અને આપણા ગુજરાતના ઉદ્યોગોને તાત્કાલિક સ્ટિમ્યુલસ પેકેજ આપવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ દ્વારા લાગણી અને માંગણી કરવામાં આવી છે. તેમ કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.