ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગમાં 2020ના વર્ષે બજેટમાં રૂ.1019 કરોડ ઉપરાંત અન્ય 18 જેટલા વિભાગોએ રૂ.4903 કરોડ મળી કુલ રૂ.5,922 કરોડની ગ્રીન બજેટ જોગવાઇ કરાઈ છે. તેમ છતાં હવા, પાણી કે જમીનનું પ્રદુષણ ઘટવાના બદલે વધી રહ્યું છે.
ત્રણ લાખ રહેણાંકના મકાનો પર સોલાર સિસ્ટમ લગાવવા માટે રૂપિયા 912 કરોડની જોગવાઇ કરી છે. તેમજ આગામી વર્ષે બેટરી સંચાલિત દ્વિચક્રી વાહનો માટે સહાય હેઠળ 10 હજાર વિદ્યાર્થીઓને આવરી લેવાશે. બેટરી સંચાલિત ઈ-રીક્ષા માટે રૂ.40 હજારની સહાય અપાશે અને 800 લાભાર્થીઓને લાભાન્વિત કરાશે.66હજાર રહેણાંકના મકાનો ઉપર 243 મેગાવોટ સોલાર રુફટોપ સિસ્ટમ લાગી છે.
ઇલેક્ટ્રોનિક વાહનોના ર્ચાજિંગની વ્યવસ્થા માટે રાજ્યના શહેરોમાં ર્ચાજિંગ પોઇન્ટ્સ પણ ઉભા કરાશે તથા બેટરી સંચાલિત તથા સૌર આધારિત ટ્રેક્ટરો ખરીદવા માટે ખેડૂતોને રૂપિયા બે લાખની સબસિડી સહાય પણ અપાશે.
પ્રતિ દિવસની 2,50,000 લીટર કુલ ક્ષમતાના સૌર ઊર્જા આધારિત ગરમ પાણીના પ્લાન્ટ નિર્માણ કરાશે.પવિત્ર યાત્રાધામો, સરકારી છાત્રાલયો, આદર્શ નિવાસી શાળાઓમાં 1.14 કરોડ લીટર પ્રતિ દિવસ ક્ષમતાની સોલાર વોટર હીટર સિસ્ટમ કાર્યરત કરાઈ છે.
રાજ્યની ગૌશાળા-પાંજરાપોળ ખાતે 60 સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ નિર્માણ કરી કાર્યાન્વિત કરાશે.
રાજ્યની ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ, મનપાઓ ખાતે 2000 નંગ સુધારેલ સ્મશાન ભઠ્ઠીઓ સ્થપાશે. 4 હજાર નંગ સુધારેલ સ્મશાન ભઠ્ઠી છે.
સરકારી શાળા-છાત્રાલયોમાં 18,500 નંગ એલઈડી ટ્યુબલાઇટ તથા 18,500 નંગ ઉર્જા કાર્યક્ષમ પંખા લગાવવાનું આયોજન છે. સરકારી શાળા-છાત્રાલયોમાં એક લાખ એલઈડી, ટ્યુબલાઇટ, 54 હજાર ઊર્જા કાર્યક્ષમ પંખા લગાડાયા છે.
રાજ્યમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે પુન:પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે 10,400 મેગાવોટ ક્ષમતાના ઊર્જા મથકો કાર્યરત કરાયા છે.