રૂપાણી સરકાર 7841 રાહત કામોની યાદી જાહેર કેમ કરતી નથી, સત્ય જાણો

ગાંધીનગર, 29 મે 2020

ગુજરાતમાં 20 એપ્રિલથી શરૂ થયેલા સુજલામ-સુફલામ જળ અભિયાનના ત્રીજા તબક્કામાં અત્યાર સુધીમાં 1894 કામો પૂર્ણ થયા છે, તેમજ 5947 કાર્યો પ્રગતિમાં છે. કૂલ 7841 કામ થશે. દર બે ગામ વચ્ચે એક કામ સરેરાશ છે. દરેક કામની યાદી સરકારની વેબસાઈટ પર જાહેર કરવાની માંગણી ચારેકોર થઈ રહી છે.

જેમાં કામોમાં તળાવો ઊંડા કરવા, ચેકડેમોનું ડીસીલ્ટીંગ, નદીઓના કાંપની સફાઇ જેવા કામોમાં અત્યાર સુધીમાં 33196 જે.સી.બી અને 1.35 લાખ ટ્રેકટર ડમ્પરના ઉપયોગથી 168842 યાંત્રિક સાધનો દ્વારા માટી-કાંપ કાઢવામાં આવ્યા છે. 21.72 લાખ માનવદિન રોજગારી મળી છે. 1.70 કરોડ ઘનમીટર જળસંગ્રહ થઇ શકે તેટલું ખોદકામ થયું છે.

અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, પાણીનો બગાડ ઘટાડવો તથા પર્યાવરણમાં સુધારો લાવવાનો છે.

છેલ્લા બે વર્ષમાં રાજ્યભરમાં 12279 તળાવો ઊંડા કરાયા છે. તે જ રીતે 5775 ચેકડેમોનું ડી-સીલ્ટીંગ કરાયું હતું. તેમાં નવો જળસંગ્રહ થયો અને સંપૂર્ણ ભરાઇ જતાં 23553 લાખ ઘનફૂટ જળસંગ્રહ થયો છે. ખોદાણના લીધે નીકળેલ માટી પણ ખેડૂતોને ખેતરમાં પાથરવા માટે આપવામાં આવી હતી જેના પરિણામે લાખો હેક્ટર જમીન પણ નવસાધ્ય થઇ છે.

સુજલામ સુફલામ જળ અભિયાનમાં સરકાર અને જનભાગીદારીનો હિસ્સો 60 : 40નો છે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે વિગતો આપી હતી.

સરકારે આટલું કરાવની જરૂર છે જેથી લોકો તેમના કામને જોઈ શકે અને પોતે જાતે તપાસ કરી શકે

1 જે નાણાં ચૂકવાયા છે તે તમામ કામની વિગતો એકાઉન્ટન્ટ જનરલ દ્વારા ચકાસીને જાહેર કરો.

2 છેલ્લાં 4 વર્ષની સેટેલાઈટ – ઉપગ્રહની તસવીરો જાહેર કરીને ક્યાં કામ થઈ રહ્યું છે. તે જાહેર કરો.

3 જ્યાં કામ થયા છે તે તમામ સ્થળોની યાદી, કોન્ટ્રાક્ટરના નામ, સરનામા, ફોન નંબર જાહેર કરો.

4 કયા કામના કેટલાં નાણાં કોને ચૂકવાયા છે અને જનભાગીદારીની વિગતો જાહેર કરો.

5 જેટલાં લોકોએ કામ કર્યું છે તેમના નામો અને કામના સ્થળો સરકાર પાસે છે તે જાહેર કરો.

 

જો આટલું ભાજપની રૂપાણી સરકાર કામ કરે તો અધિકારીઓ અને સ્થાનિક ભાજપના નેતાઓની મીલીભગત જાહેર કરીને સ્વચ્છ વહીવટ થઈ શકે તેમ છે. તેથી ગુજરાતના મુખ્ય પ્રધાન આ વિગતો જાહેર નહીં કરે. ચોમાસું આવશે એટલે પાણી ભરાવાથી આ જ્યાં કામ નહીં થયું હોય તેના કોઈ પૂરાવા નહીં રહે. પાણી ભરાવાની સાથે માટી ભરાઈ ગઈ છે એવું જાહેર કરી દેવામાં આવશે.