કૃપા કરીને મોદી અને રૂપાણી સાર્વજનિક હોસ્પિટલોને જીવિત રહેવા દે!

ગાંધીનગર,તા.03

અમદાવાદની પ્રખ્યાત વીએસ હોસ્પિટલના ખાનગીકરણનો જોરદાર વિરોધ વ્યક્ત કરી આ હોસ્પિટલના મૂળભૂત ટ્રસ્ટીઓએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને કહ્યું છે કે દેશ જ્યારે ગાંધીજીની 150મી જન્મજ્યંતિ મનાવી રહ્યો છે ત્યારે અમદાવાદની પ્રખ્યાત હોસ્પિટલ કે જ્યાં ગરીબ દર્દીઓને મફત સારવાર મળતી હતી તેને બંધ કરી દેવામાં આવી છે જે યોગ્ય નથી. આ હોસ્પિટલ ગાંધીજીના ટ્રસ્ટીશીપ અને દરિદ્રતાના દ્રષ્ટિકોણથી બનાવવામાં આવી હતી અને વર્ષો સુધી આ હોસ્પિટલે ગરીબ દર્દીઓની સેવા કરી છે પરંતુ કેન્દ્રના માર્ગદર્શનથી ગુજરાત સરકારે આ હોસ્પિટલનું ખાનગીકરણ કર્યું છે તેથી ગરીબ દર્દીઓ સારવાર લઇ શકતા નથી.

1930માં સરદાર પટેલે ગરીબ દર્દીઓ માટે કરાવ્યુ હોસ્પિટલનું સર્જન

ટ્રસ્ટીઓએ કહ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા હોસ્પિટલોનું ખાનગીકરણ થઇ રહ્યું છે તેને ગરીબ દર્દીઓની ભલાઇ માટે રોકવું જરૂરી છે. 1930માં સરદાર પટેલે અમદાવાદના ગરીબ દર્દીઓ માટે આ હોસ્પિટલનું સર્જન કરાવ્યું હતું. ચિનોય મેટરનિટી અને સારાભાઇ જનરલ હોસ્પિટલની સ્થાપના કરવાનો ઉદ્દેશ અલગ હતો અને આજે સ્થિતિ પલટાઇ રહી છે.

આધુનિકરણના નામે ગરીબોને સસ્તી સારવાર નહી

ટ્રસ્ટીઓએ દાવો કર્યો છે કે 85 વર્ષોથી ગરીબોની સેવા કરતી આ મેડીકલ સંસ્થા હવે બદલાઇ ચૂકી છે. આધુનિકરણના નામે ગરીબોને સસ્તી સારવાર મળતી નથી. વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી આયુષ્યમાન ભારત વીમા યોજનાનો લાભ પણ ગરીબ દર્દીઓને મળતો નથી. સરકારી તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોનું ખાનગીકરણ કરતાં પહેલાં ગરીબ દર્દીઓની યાતનાને પણ સરકારે સમજવી પડશે.

મફત સારવારની જવાબદારી સરકારની

ટ્રસ્ટીઓએ કહ્યું કે લોકોને સસ્તી અને મફત સારવાર આપવાની સરકારની જવાબદારી છે. આરોગ્યના બજેટની રકમ વધુ હોવા છતાં ગરીબોને સસ્તી અને મફત સારવાર મળતી નથી. અમદાવાદમાં ગરીબોની સારવાર માટે હોસ્પિટલમાં વધુ રૂમની આવશ્યતા છે પરંતુ આધુનિકરણના નામે ગરીબોને આવી હોસ્પિટલમાં રૂપિયા આપીને સારવાર કરાવવી પડે છે જે ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતથી વિરૂદ્ધ છે.

વીએસ હોસ્પિટલ ગાંધીજી- સરદારની વિરાસત

રૂપા ચિનોય, બ્રીજેશ ચિનોય, જય શેઠ અને ડો નિશીથ શાહે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કહ્યું છે કે કોઇપણ દેશ જાહેર આરોગ્ય અને શિક્ષણની મજબૂતી વિના ઉન્નતિ સાધી શકતો નથી. વીએસ હોસ્પિટલ એ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલની વિરાસત છે. કૃપા કરીને કેન્દ્ર અને રાજ્ય સરકાર સાર્વજનિક ધર્માર્થ હોસ્પિટલોને જીવિત રહેવા દે, નહીં તો ગરીબોને મફત સારવાર ક્યાંય મળશે નહીં.