[:gj]ખોટની સવારી, એસટી અમારી[:]

[:gj]ગુજરાત એસટી કોર્પોરેશનનો વહીવટ નમૂનેદાર થતો જાય છે. ગુજરાતની જનતા માટે જાહેર પરિવહનનું એકમાત્ર માધ્યમ એસટી નિગમ દર વર્ષે ખોટ કરતું જાય છે. જ્યારથી નિગમની રચના થઇ છે (1લી મે 1960) ત્યારથી આ નિગમે ખોટ કરી છે. સરકાર એવો દાવો કરે છે કે રાજ્યની જનતાની સુખાકારી માટે એસટી બસો ચલાવવામાં આવે છે પરંતુ હકીકત વધુ ગંભીર છે. સાચી હકીકત એવી છે કે એસટી બસના ડ્રાઇવર, કંડક્ટર અને એસટી નિગમ અને પોલીસ અધિકારીઓના પ્રાઇવેટ વાહનો જે રૂટ પર ચાલતા હોય ત્યાં એ રૂટ પર એસટી નિગમ નફો કેવી રીતે કરી શકે.

એસટી નિગમની વાર્ષિક ખોટનો આંકડો 900 કરોડને પાર થઇ ચૂક્યો છે. તેની સંયુક્ત ખોટનો આંકડો તો ચાર થી પાંચ ગણો થવા જાય છે. 2018-19ના છેલ્લા આંકડા પ્રમાણે એસટી નિગમે 923.17 કરોડની મોટી રકમની ખોટ કરી છે. ખોટનું મુખ્ય કારણ એસટીના રૂટ જ્યાં ચાલે છે ત્યાં પેરેલલ પ્રાઇવેટ વાહનો ચાલી રહ્યાં છે અને તે પણ સરકારી અધિકારીઓની માલિકીના છે. ખાનગી વાહન ભરાય પછી એસટી પસાર કરવામાં આવે છે અને ખોટ કરતો રૂટ જાહેર કરી છેવટે તે રૂટ પરથી એસટી બસ બંધ કરી દેવાની ભલામણ કરવામાં આવતી હોય છે.

એસટી નિગમની 2017-18ની ખોટ 1907.04 કરોડ રૂપિયા હતી જેની સામે આવક વધી છે પરંતુ વધેલી આવક એસટી બસોની મરામત અને કર્મચારીઓના પગાર પાછળ ચાલી જાય છે. મહત્વની અને ચોંકાવનારી બાબત એવી છે કે આખા રાજ્યમાં સૌથી વધુ ડીઝલનું પ્રદૂષણ કોઇ વાહનથી થતું હોય તો તે એસટીની બસ છે. વર્ષો જૂની અને મશીન ઉતરી ગયું હોય છતાં એસટી બસ ચલાવવામાં આવે છે તેથી હવાનું પ્રદૂષણ વધે છે. રાજ્યના સામાન્ય વાહન ચાલકોને ટ્રાફિકના દંડા બતાવીને મોટો દંડ ઉઘરાવવામાં આવે છે પરંતુ એસટી બસ સરકારી માલિકીની હોવાથી તેનું પ્રદૂષણ ટ્રાફિક પોલીસને દેખાતું નથી. ડીઝલ બસોની એવરેજ પણ ઓછી થઇ છે તેથી ડીઝલનો ખર્ચ વધી રહ્યો છે.

ગુજરાત પરિવહન નિગમના એક નિવૃત્ત અધિકારીએ કહ્યું હતું કે ગુજરાત સરકાર જો એસટીનો વહીવટ સંભાળી શકતી ન હોય તો એસટીનું પ્રાઇવેટાઇઝેશન કરવું જોઇએ તેવા સૂચન ઘણાં અધિકારીઓ કરી ચૂક્યાં છે પરંતુ એસટીના કર્મચારીઓના હડતાલની ચીમકી સાથે સરકાર ખાનગીકરણ કરી શકતી નથી. અતિ મહત્વની બાબત એવી છે કે સરકારી કાર્યક્રમોમાં એસટી બસોની જરૂરિયાત રહેતી હોવાથી એસટીની નિગમની ખોટમાં વધારો થયો છે. સરકારી કાર્યક્રમોમાં એસટી નિગમે ભાડે આપેલી બસોનું ભાડુ 1500 કરોડ જેટલું થવા જાય છે છતાં સરકાર એસટીને ભાડું ચૂકવતી નથી પરિણામે સંયુક્ત ખોટનો આંકડો મોટો થતો જાય છે. કામ નહીં કરનારા કર્મચારીઓને પણ એસટી નિગમ પગાર અને ભથ્થાં આપે છે.

કેગના અહેવાલમાં એસટીની પોલ ખોલવામાં આવી છે. એસટી પાસે હાલ 7863 જેટલી બસો હોવા છતાં એસટી નિગમ ખોટ કરે છે. એસટીના વાહનોના કાફલાનો ઉપયોગ કરવાની કુલ ક્ષમતા 86.72 ટકા હતી, તે ઘટીને 84.48 ટકા થઈ હતી. નવાઈની વાત તો એ છે કે ગુજરાતની વસતી આ ગાળામાં 6.27 કરોડથી વધીને 6.72 કરોડ થઈ હતી, પરંતુ આ ગાળામાં મુસાફરોની અવરજવર 8410 લાખથી ઘટીને 7887 લાખની થઈ હતી. આ પેસેન્જરો કેમ ઘટે છે તેની તપાસ કરવામાં આવતી નથી, જો કે ખાનગી બસો જે ચાલે છે તેમાં સૌથી વધુ ખાનગી બસો એસટીના કર્મચારીઓ અને અધિકારીઓની હોય છે.

ડ્રાઇવર અને કંડક્ટરનો સ્ટાફ હોવા છતાં તેનો પૂરતો ઉપયોગ કરવામાં આવતો નથી પરિણામે તેમને પગાર આપવામાં આવે છે પરંતુ તેમની પાસેથી કામ લેવામાં આવતું નથી. એસટી નિગમ ખોટો પગાર આપે છે. ડ્રાઈવર અને કન્ડક્ટર ની સેવાઓનો ઉપયોગ બુકિંગ ક્લાર્ક તરીકે પણ કરવામાં આવ્યો હોવાથી લાખો માનવ દિન વેડફી નાંખવામાં આવ્યા છે. એસટી નિગમનો વહીવટ ખાડે જતાં સરકારને છેવટે એસટી બસસ્ટેશનોનું પ્રાઇવેટાઇઝેશન કરવાની ફરજ પડી છે.[:]