[:gj]ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરી શકાય ? ખેડૂત અને બિનખેડૂત વર્ગને લડાવી મારવાની વ્યૂહરચના[:]

[:gj]સરકાર હવે સરકારી અર્થશાસ્‍ત્રીઓ (અનર્થશાસ્‍ત્રીઓ)ને મેદાનમાં લાવીને ગુજરાતની જનતાને ખેડૂત વિરૂઘ્‍ધ બિન-ખેડૂત બનાવીને લડાવવા જઈ રહી છે, જનતા સાવધાન રહે એમ ખેડૂત સંગઠનો કહે છે. હાર્દિક પટેલની માંગણીઓને લઈને જેમ સરકાર હરકતમાં આવી ગઈ છે. ગુજરાતના ખેડૂતો માથે પાક ધિરાણના 45,607 કરોડ અને લાંબાગાળાનું ધિરાણ (જમીન લેવલીંગ, બોરવેલ, ટ્રેકટર વગેરે માટે લીધેલી લોન) 36,468 કરોડ રૂપિયા મળી કુલ 8ર,07પ કરોડ રૂપિયાનું દેવું છે. આ આંકડો જ બતાવે છે કે ગુજરાતનો (ખેડૂતોનો)કેટલો વિકાસ થયો છે, સાચો વિકાસ થયો છે કે ખોટો થયો છે ?

એવો અપપ્રચાર શરૂ થયો છે કે, રાજયના બજેટના 45% જેટલી રકમ છે કેવી રીતે માફ કરીએ ? આટલા બધા પૈસા કયાંથી આવશે ? આટલી રકમ ઊભી કરવા માટે વેરો વધારવો પડે.

પણ ખેડૂત સમાજના સાગર રબારી અને નરેશ વિરાણીએ સરકાર સામે પોતાનો પ્રસ્‍તાવ રાખ્‍યો છે અને કહે છે કે ખેડૂતોનું દેવું માફ કરવું હોય તો સરકારે હવે જો પોતાના કર્મો તરફ નજર કરે તો જવાબ મળી જાય તેમ છે.

1 – નિષ્ફળ ટાટા નેનો કાર માટે સાણંદમાં  રૂ.3ર હજાર કરોડ આપ્‍યા તો બજેટ કેમ ના ખોરવાયું ? જેમાંથી રૂ.64,000 દરેક ખેડૂતને આપી શકાયા હોત. અડાધા ખેડૂતોને એક નેનો કાર મફત આપી શકાઈ હોત. તો જો ટાટાને આપી શકાય તો ખેડૂતોને કેમ નહીં.

2 – છેલ્‍લા કેગ અહેવાલ પ્રમાણે જંત્રીના ભાવોના વધારવાથી રાજયને 25 હજાર કરોડનું નુકશાન ગયું છે. જો આ નુકસાન કર્યું ન હોત તો પણ ખેડૂતોને દેવું માફ થઈ શક્યું હોત.

3 –  અદાણીને રૂ.1થી 25ના (સરેરાશ 11 રૂપિયાના) ભાવે જમીન આપી હતી. જો તે બજાર ભાવે આપી હોત તો ગુજરાતના તમામ ખેડૂતોનું એક વખત દેવું માફ થઈ શક્યું હોત.

4 – અદાણી સિવાયના બીજા ઉદ્યોગોને જે જમીન સાફ મફતમાં આપી છે તે બજાર ભાવ પ્રમાણે વેચી હોત તો  10 વર્ષ સુધી ખેડૂતોનું દેવું માફ થઈ શક્યું હોત.

5 – સરકાર અદાણી અને ટાટાના પાવર પ્‍લાન્‍ટોને સુપ્રીમ કોર્ટે ના પાડવા છતાં કેમ ભાવોવધારી આપવાની છે ? એ રકમ બચાવવામાં આવે તો ગુજરાતના તમામ ખેડૂતોનું દેવું માફ થઈ શકે તેમ છે.

6 – છેલ્લાં 22 વર્ષથી ગુજરાત સરકાર વાઈબ્રન્‍ટ ગુજરાત અને તેના જેવા કાર્યક્રમોમાં જે ઉડાઉ કરોડો રૂપિયા વાપરી નાંખ્યા તેમાં કરકસર કરી હોય તો તમામ ખેડૂતોના દેવા માફ થઈ શક્યા હોત.

7 – ઉદ્યોગપતિઓને વેરા માફી આપી છે તેમાંથી ખેડૂતોનું ચાર વખત દેવું માફ થઈ જાય તેમ છે.

8 – છેલ્‍લા 15 વર્ષમાં ગુજરાતમાં ઉદ્યોગોને જે ફાયદા કરાવી આપ્યા તે જો ખેડૂતોને આપ્યા હોત તો ગુજરાતનું કૃષિ ઉત્પાદન વધારી શક્યું હોત.

9 – 22 વર્ષથી એક પણ સિંચાઈનો બંધ બનાવ્યો નથી તે રકમથી પણ દેવું માફ થઈ શકે તેમ છે.

10 – નીલગાય, ભૂંડ, જંગલી પ્રાણીઓ દ્વારા કૃષિ ઉત્પાદનને કરોડોનું નુકશાન થાય છે તે અટકાવી દેવામાં આવે તો પણ ખેડૂતો દેવામાંથી બહાર આવે તેમ છે.

11 – કેગના 22 વર્ષના કૌભાંડોનો સરવાળો કરવામાં આવે તો ખેડૂતોને ત્રણ વખત દેવું માફ થઈ શકે તેમ છે.

12 – રોડ અને સુજલામ સુફલામ નહેર, નર્મદા નહેર અને અન્ય નહેર બનાવવાના જે કૌભાંડ થયા તે ન થવા દેવાયા હોત તો પાંચ વખત દેવું માફ થઈ શક્યું હોત.

13 – અત્યાર સુધી ઉદ્યોગોના દેવા માફ કર્યા છે તે જો ન કર્યા હોત તો પાંચ વખત ખેડૂતોના દેવા માફ થઈ શક્યા હોત.

14 – ખાનગી કંપનીઓ પાસેથી ઊંચા ભાવે વીજળી ખરીદ કરી છે તે સસ્તા ભાવે ખરીદી હોત તો સાડા ત્રણ વખત ખેડૂતોના દેવા માફ થઈ શક્યા હોત.

ખેડૂતોના દેવામાફી કરીને આ પ્રશ્‍નોનું કોઈ નિરાકરણ આવે તેમ નથી. મહારાષ્‍ટ્રની ભાજપ સરકારે કર્યુ એમ ટેકાના ભાવથી નીચા ભાવે ખેડૂત પાસેથી ખરીદીને સજા અને દંડપાત્ર ગુનો ગણતો કાયદો કરો. ખેતી માટે જરૂરી માળખાકીય સગવડો, સિંચાઈ, 24 કલાક વીજળી, જંગલી જાનવરોના ત્રાસથી મુકિત આપો, કુદરતી હોનારતો વખતે સહાયની નીતિ બનાવો,  ખેતીને નામે ઉદ્યોગો કરોડોના ધિરાણ લઈ જાય છે તે બંધ કરો,  ખેડૂતોને સીધા ગ્રાહક સાથે જોડવાની વ્‍યવસ્‍થા ઉભી કરો. આટલું થાય તો ખેડૂતનાં મુદાનો કાયમી ઉકેલ આવશે નહિતર આભ ફાટે ને થીગડા મારીએ એવી દશા થશે.[:]