[:gj]ગુજરાત ક્રૂઝ ટુરિઝમની પોલિસી બનાવશે, 3 સ્થળોએ ક્રૂઝ વિકસાવશે[:]

[:gj]ગાંધીનગર,તા.07 ગુજરાત સરકાર કેન્દ્રના પરામર્શમાં રાજ્યમાં ક્રૂઝ પ્રવાસન વિકસાવવા માગે છે. આ હેતુ માટે પ્રથમવાર નવી ક્રૂઝ પોલિસી બનાવવામાં આવી રહી છે. પ્રથમ તબક્કા માટે ત્રણ સ્થળો-પોરબંદર, સોમનાથ અને દ્વારકાનો સમાવેશ કરવાનું વિચારાધિન છે. આ અગાઉ સરકારે ત્રણ સ્થળોએ રો-રો ફેરી સર્વિસ શરૂ કરી છે.

રાજ્યના પ્રવાસન વિભાગના એક અધિકારીએ કહ્યું કે રાજ્ય સરકાર ક્રૂઝ ટુરિઝમને ઉત્તેજન આપવા માગે છે તેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત મેરીટાઇમ બોર્ડના સહયોગમાં કામગીરી કરવા અમારા વિભાગને સૂચના આપી છે. થોડા સમય પહેલાં વિદેશથી પોરબંદર આવેલા ક્રૂઝના પ્રવાસીઓએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થળની મુલાકાત લીધી હતી.

કેન્દ્ર સરકારના નીતિ આયોગે પણ દરિયાકિનારાના રાજ્યો માટે ક્રૂઝ ટુરિઝમ વિકસાવવા અંગે રાજ્યોના મુખ્યસચિવને પત્રો લખ્યા હતા. આવો એક પત્ર રાજ્યના મુખ્યસચિવને મળતાં સરકારે ક્રૂઝ ટુરિઝમ માટે નવી પોલિસી બનાવવાનું નક્કી કર્યું હોવાનું સચિવાલયના સૂત્રોએ કહ્યું છે.

SONY DSC

ક્રૂઝ ટુરિઝમ આવક અને ફોરેન એક્સ્ચેંજ કમાઈ આપે તેવો ટ્રાવેલ બિઝનેસ છે અને ભારતનાં ઘણાં ઓછાં જાણીતાં પ્રવાસન સ્થળોને નવી ઓળખ અપાવી શકે છે. મુંબઈથી જલેશ અને કોસ્ટા ક્રૂઝ શરૂ થયા છે. જે ગોવા, મેંગલુરુ, માલદીવ, કોચીન સેક્ટરને આવરી લે છે. તેમાં વન વે તથા રિટર્ન ક્રૂઝ પણ હોય છે. આ જ રીતે ગુજરાતમાં પણ દેશ-વિદેશના પ્રવાસીઓને દ્વારકા સોમનાથ જેવાં કેટલાંક સ્થળોના પ્રવાસ ઓફર કરતાં ક્રૂઝ પ્રવાસન તરીકે વિકસે તેમ છે.

મેરીટાઇમ બોર્ડના એક અધિકારીએ કહ્યું હતું કે એક અભ્યાસ પ્રમાણે ભારતમાં દસ વર્ષમાં 40 લાખ પ્રવાસીઓ ક્રુઝની મુલાકાત લે તેટલું મોટું બજાર છે. એટલું જ નહીં તેની સાથે અઢી લાખ લોકોને રોજગારી મળે તેમ છે. જોકે, ગુજરાત સરકાર પોલિસી કેવી રાખે છે તેના પર મદાર છે. દિવાળી વેકેશન માટે ગુજરાતીઓ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ ક્રુઝ પસંદ કરે છે, તેથી અમે ગુજરાતથી ક્રુઝ બિઝનેસ વધે તેવી અપેક્ષા રાખી રહ્યા છીએ.

 

 [:]