ગાંધીનગર,તા:૨૨ ગુજરાત સરકારના વિભાગો તેમજ બોર્ડ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર દૂર કરવો કઠિન બનતો જાય છે. સરકારી કરપ્ટ ઓફિસર્સ અને કર્મચારીઓની ચેનલના કારણે લાંચ લેવાનું પ્રમાણ વધી રહ્યું છે. કર્મચારીઓ અને અધિકારીઓની મિલીભગતના કારણે ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા નંબરનું સૌથી વધુ ભ્રષ્ટ રાજ્ય બન્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં રોજની સરેરાશ 21 ફરિયાદ સામે આવી છે, જેથી ગુજરાત સમગ્ર દેશમાં બદનામ થઈ રહ્યું છે.
રાજ્યના મહેસૂલ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર ચાલતો હોવાની કબૂલાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી કરી ચૂક્યા છે અને સઘળી બાબતો ઓનલાઈન કરી છે. ભ્રષ્ટાચાર નિયંત્રણમાં આવ્યો હોવાના દાવા જરૂર કરવામાં આવે છે, પરંતુ સંપૂર્ણ ભ્રષ્ટાચાર કોઈપણ વિભાગમાં બંધ થયો નથી. દેશના એક સર્વેક્ષણમાં આ અંગે ચોંકાવનારી બાબતો સામે આવી છે.
ગુજરાતમાં ભ્રષ્ટાચારના ગુનાઓની સંખ્યા દેશમાં ત્રીજા ક્રમે છે. કેન્દ્ર સરકારના નીતિઆયોગના રિપોર્ટમાં જણાવાયું છે કે, ગુજરાતમાં એક કરોડની વસતીમાં 1677 કેસ સામે આવ્યા છે. તામિલનાડુમાં આ પ્રમાણ 2492 અને ઓરિસ્સામાં 2489 દર્શાવાયું છે. જોવાનું એ છે કે ભ્રષ્ટાચારી રાજ્યમાં ગુજરાતનો ક્રમ બિહાર અને ઉત્તરપ્રદેશ કરતાં પણ આગળ છે.
ગુજરાતના એન્ટિ કરપ્શન બ્યૂરોના આંકડા પ્રમાણે 2018માં ભ્રષ્ટાચારના 729 કેસ સામે આવ્યા હતા, જે 2017માં માત્ર 216 જોવામાં આવ્યા હતા. એટલે કે રાજ્યમાં એક વર્ષમાં ત્રણ ગણા કેસ વધી ગયા છે. એવી જ રીતે વિજિલન્સ કમિશનના આંકડા પ્રમાણે રાજ્યનો મહેસૂલ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ છે. બીજા ક્રમે શહેરી વિકાસ આવે છે અને ત્રીજા સ્થાને ગૃહવિભાગ છે. રાજ્યમાં કોઈ વર્ષમાં શહેરી વિકાસ વિભાગ તો કોઈ વર્ષમાં મહેસૂલ વિભાગ ઉપર-નીચે થયા કરે છે. રાજ્ય સરકારે આ બે કેસમાં છૂપા કેમેરા લગાવવાની જરૂર છે.
ગુજરાતમાં ભ્રષ્ટાચારનો સૌથી મોટો નમૂનો નવેમ્બર-2018માં જોવામાં આવ્યો હતો. ગુજરાત જમીન વિકાસ નિગમમાં જ્યારે એસીબીના અધિકારીઓએ ટેબલ પરથી 56 લાખ રૂપિયા પકડ્યા હતા. આ નિગમમાં મોટાભાગના અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ લેવામાં પાવરધા હતા અને તે પૈકી કેટલાકને પોલીસે પકડ્યા હતા. આજે પણ આ નિગમનો કેસ ચાલી રહ્યો છે. અત્યંત ભ્રષ્ટ થઈ ચૂકેલા આ નિગમને ગુજરાત સરકારે તાળાં મારી દીધાં છે. જો સરકાર ધ્યાન નહીં રાખે તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત રાજ્ય ઔદ્યોગિક વિકાસ નિગમને પણ તાળાં મારવાનો સમય આવી શકે છે.
ગુજરાત વિજિલન્સનો રિપોર્ટ છે કે પાંચ વર્ષમાં ભ્રષ્ટાચારથી સંબંધિત 40,000થી વધુ ફરિયાદ જોવા મળી હતી. આ મામલાઓમાં 800 કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી હતી. આ રિપોર્ટને ખુદ રાજ્યગૃહ nમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રજૂ કર્યો હતો.
જો આટલી બધી ફરિયાદોને જોવામાં આવે તો 1824 દિવસ પૈકી રોજની 21 ફરિયાદ આવતી હોવાનું તારણ કાઢી શકાય છે. આમ પણ રાજ્યનું લાંચ-રુશવત વિરોધી દળ ભ્રષ્ટાચારીઓને પકડવા માટે રોજ બે છટકાં ગોઠવે છે. સવાલ એ થાય છે કે કર્મચારીઓને સાતમું પગારપંચ મળ્યા પછી પગારધોરણ સુધરી ગયા છે, છતાં કેટલાક કર્મચારીઓ લાંચ લેવાનું બંધ કરતા નથી. રોજબરોજ ભ્રષ્ટાચારની ફરિયાદો થાય છે અને લાંચિયા કર્મચારી તેમજ અધિકારીઓ પકડાય છે. જો કે નહીં પકડાવાના કિસ્સા અનેક ગણા વધુ હોઈ શકે છે. સરકાર સરપ્રાઇઝ ચેકિંગ કરે તો સચિવાલયમાં પણ ભ્રષ્ટાચારની બદી બહાર આવી શકે તેમ છે.