કે-ન્યૂઝ, ગાંધીનગર,તા:25
ભારતના રાજકારણમાં બદલાવ આવ્યો છે. 1990માં કેડરબેઝ અને સિદ્ધાંતનિષ્ઠ ભારતીય જનતાપાર્ટીની આબરૂનું ધોવાણ થઇ રહ્યું છે. અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીની અસલ ભાજપમાં સત્તા માટે પરિવર્તન થઇ રહ્યું છે. પાર્ટીના ગુજરાત બેઝ સિદ્ધાંતનિષ્ઠ સિનિયર કાર્યકર કહે છે કે- જ્યાં સુધી ભાજપની કમાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના હાથમાં હશે ત્યાં સુધી ભાજપના બઘાં સિદ્ધાંતો નેવે મૂકવામાં આવશે. ભાજપનું ભવિષ્ય ભાખતા તેમણે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી પહેલાં દેશભરની પાર્ટીઓના બઘાં ક્રિમિનલ્સ અને કરપ્ટ નેતાઓ ભાજપમાં ભળી ચૂક્યાં હશે.
મુળ ભારતીય જનતા પાર્ટી આજે ખોવાઈ!!
ભાજપની સ્થાપનાથી 1990 સુધી અને 1995માં ભાજપે ગુજરાતમાં સરકાર બનાવી ત્યાં સુધી એવું માનવામાં આવતું હતું કે ભાજપ એ પાર્ટી વિથ ડિફરન્સ છે. પાર્ટીના સિદ્ધાંતો છે અને મૂલ્યનિષ્ઠા છે. હિન્દુત્વના મુદ્દે સંઘ પરિવારને સપોર્ટ કરનારી ઓરિજનલ ભારતીય જનતા પાર્ટી આજે ખોવાઇ ચૂકી છે. કોંગ્રેસના જીતી શકે તેવા ક્રિમિનલ્સનો સહારો લઇને 1998થી ભાજપની નિષ્ઠા ઓગળતી રહી છે. ગુજરાતમાં 1998 પછી આવેલી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓના સહારે ભાજપ સત્તાના સિંહાસનો પર બેસતી ગઇ છે. આજે એવું કહેવાય છે કે ભારતભરના ક્રિમિનલ્સ અને કરપ્ટ નેતાઓ ભાજપમાં છે.
ભાજપનું કોંગ્રેસીકરણ
ગુજરાત ભાજપના એક અદના કાર્યકરે કહ્યું કે અમારા નેતાઓને એવું કહેવાનો અધિકાર નથી કે કોંગ્રેસ પાર્ટી કરપ્ટ છે. કોંગ્રેસ ભ્રષ્ટાચારી છે, કારણ કે વર્ષો સુધી જે કોંગ્રેસે કર્યું છે તે હવે ભાજપ કરી રહ્યું છે. મને એ જોઇને દુખ થાય છે કે ગુજરાત ભાજપનું કોંગ્રેસીકરણ થયું છે તેવી જ રીતે રાષ્ટ્રીય ભાજપનું પણ કોંગ્રેસીકરણ થયું છે. અત્યારે શાસનમાં બેઠેલા નેતાઓ ઓરિજનલી ભાજપના સંનિષ્ઠ કાર્યકર નથી. બઘાં આયાત કરેલા નેતાઓ છે. ગુજરાતની કેબિનેટમાં કુંવરજી બાવળિયા, જ્યેશ રાદડિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જવાહર ચાવડા કોંગ્રેસના બળવાખોર નેતાઓ અને આયાતી ધારાસભ્યો છે. મોદીના શાસન દરમ્યાન કોંગ્રેસ તૂટી છે અને તૂટતી રહી છે.
કોંગ્રેસના કરપ્ટ નેતા ભાજપમાં ચોખ્ખા અને દુધે ધોયેલા!!
કોંગ્રેસના મજબૂત નેતાઓ કે જેઓ ક્રિમિનલ્સ છે અને કરપ્ટ છે તેમને ભાજપમાં ભેળવીને પાર્ટીએ જાણે કે વાલિયા લૂંટારાને વાલ્મિકી ઋષિ બનાવી દીધાં છે. કોંગ્રેસનો કરપ્ટ નેતા ભાજપમાં જઇને દૂધે ધોયેલો બની જાય છે પરંતુ તેના પરિણામ છેવટે ખરાબ આવે છે. કોંગ્રેસને દૂષિત કરનારા તત્વો ભાજપને પણ દૂષિત કરી રહ્યાં છે. આ સંનિષ્ઠ કાર્યકરે કહ્યું કે અમારી પાર્ટી માત્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહની આંખે જોઇ રહી છે. એવી સત્તા પણ શું કામની કે જે લોકશાહીને ગળે ટૂંપો દઇને બનાવવામાં આવી હોય.
તાજેતરમાં બહુમતિ નહીં હોવા છતાં કર્ણાટકમાં ભાજપે સરકાર બનાવી અને હવે મહારાષ્ટ્રમાં પણ બહુમતિ નહીં હોવાથી પાર્ટીએ દેવેન્દ્ર ફડનવિસને મુખ્મમંત્રીના શપથ લેવડાવી દીધા છે. ભાજપે જે નાયબ મુખ્યમંત્રી પસંદ કર્યા છે તે એનસીપીના અજીત પવારે સિંચાઇ વિભાગમાં મોટું કૌભાંડ કર્યું છે. તેની સામે સીબીઆઇ, ઇન્કમટેક્સ અને ઇડીના દરોડા પડ્યા છે અને તેઓ જેલમાં જાય તેવી નોબત છે, પરંતુ હવે ભાજપને સપોર્ટ કરે છે તેથી તેઓ ચોખ્ખા બની ચૂક્યાં છે.
રેડીમેડ નેતાઓથી બનતી સરકારો બનાવતુ ભાજપ
ભ્રષ્ટાચારની ગંગોત્રી ગાંધીનગર થી દિલ્હી પહોંચી છે. ભાજપને કોંગ્રેસમાં રામ દેખાય છે પરંતુ તેમના ખુદના કાર્યકરોમાં રાવણ નજરે પડે છે. ભાજપ દેશમાં રાજ્યોમાં રામરાજ્ય બનાવતી નથી પરંતુ બઘે રાવણરાજ બનાવી રહી છે. દેશના વિવિધ રાજ્યોમાં મજબૂત નેતાઓ કે જેઓ ભલે ભ્રષ્ટાચારી હોય, કૌભાંડો કર્યા હોય, ક્રિમિનલ હોય પરંતુ ચૂંટણી જીતી શકે તેવા છે તેથી તેઓ ભાજપમાં જોડાય છે અને તેઓ તેમના પાપ ધોઇ રહ્યાં છે પરંતુ હકીકતમાં તેઓ ભાજપની ગંગોત્રીમાં પાપ ઘોવાનું કામ કરી રહ્યાં છે. આજે ભાજપને ધારાસભ્યો કે સંસદસભ્યોની જરૂર નથી, કેમ કે ભાજપ બીજી પાર્ટીઓમાંથી રેડીમેડ નેતાઓ પાર્ટીમાં લઇ રહી છે અને સરકારો બનાવી રહી છે.
અદનો કાર્યકર સાઈડ પર, કોંગ્રેસ ત્યાગી નેતા કેબિનેટ મંત્રી
ગુજરાતમાં ભાજપની સભ્યસંખ્યા 99 પર પહોંચી ત્યારથી નરેન્દ્ર મોદી અને અમિત શાહ રઘવાયા થયાં છે. આ સંખ્યાને ત્રણ આંકડે પહોંચાડવા કોગ્રેસના જીતેલા ધારાસભ્યોને રાજીનામાં અપાવીને ભાજપમાં જોડ્યાં છે. એટલું જ નહીં પાર્ટીનો વર્ષો જૂનો અદનો કાર્યકર સાઇડ પર રહી જાય છે અને કલાકોમાં કોંગ્રેસમાંથી આવેલો નેતા સરકારમાં કેબિનેટ મંત્રી બની જાય છે. ગુજરાતમાં કોંગ્રેસના ભ્રષ્ટાચારી નેતાઓ અત્યારે ભાજપમાં છે અને કોંગ્રેસનો કચરો સાફ થઇ રહ્યો છે. આજે નહીં તો કાલે જ્યારે નવો સૂરજ ઉગશે ત્યારે કોંગ્રેસ પવિત્ર હશે અને ભાજપમાં દેશભરનો ગંદવાડ ફેલાયેલો હશે. આજે જે લોકો કોંગ્રેસને નફરતથી જુએ છે તે લોકો એક સમયે ભાજપને પણ નફરતથી જોશે.
કોંગ્રેસના ઉમેદવાર ભાજપમાં કેમ જોડાઈ જાય છે?
દેશમાં ભાજપની જેમ કોંગ્રેસ અને બીજી પાર્ટીઓ પણ ભૂલ કરી રહી છે. જે ઉમેદવારને ટિકીટ આપે છે તે ઉમેદવાર પાર્ટી છોડીને ભાજપમાં કેમ જાય છે તેનું સંશોધન બીજી પાર્ટીઓએ કરવું પડશે. દેશની તમામ પાર્ટીઓએ હવે એવા ઉમેદવાર પાસે એફિડેવિટ લખાવવું પડશે કે તેઓ કોઇપણ સંજોગોમાં પાર્ટી નહીં છોડી શકે. ગુજરાતના પ્રદેશ નેતાઓ માંયકાંગલા સાબિત થયા છે, કારણ કે તેમના જ ચૂંટાયેલા સભ્યો સામ, દામ, દંડ અને ભેદથી ભાજપમાં જઇ રહ્યાં છે. ગુજરાત કોંગ્રેસમાં અનુશાનસનો અભાવ છે. રાજ્યકક્ષાના એવા કોઇ મજબૂત નેતા રહ્યાં નથી કે જેમના એક બોલથી પાર્ટીમાં સોંપો પડી જાય. આજે મહારાષ્ટ્રમાં ગમે તે થયું—ઉદ્ધવ ઠાકરેએ હાકલ કરી છે અને ચીમકી આપી છે કે અમારો એક પણ ધારાસભ્ય તમે તોડી જુઓ, મહારાષ્ટ્રને રાત્રે ઊંઘવા નહીં દઇએ.