ગ્રહણના શ્રેષ્ઠ ફોટોગ્રાફ અને પ્રયત્ન માટે પુરસ્કાર આપવાની જાહેરાત

એક વિશેષ પ્રકારનું સૂર્યગ્રહણ – કંકણાકૃતિ સૂર્યગ્રહણ જોવા માટેનો દશ વર્ષ બાદ સૂર્યગ્રહણ  શ્રેષ્ઠ મોકો.

સૂર્યગ્રહણને લગતી અફવાઓથી ડર્યા વગર વૈજ્ઞાનિક અભિગમ સાથે માણવા કરાઈ અપીલ

જોઈ શકાશે સૂર્યગ્રહણ

આવતી ૨૬ ડીસેમ્બર ૨૦૧૯ના રોજ થનારું કંકાણાકૃતિ સૂર્યગ્રહણ કચ્છ, ગુજરાતમાંથી ખંડગ્રાસ સ્વરૂપે સવારે ૦૮:૦૪ થી ૧૦:૪૬ વાગ્યા દરમ્યાન કુલ ૦૨ કલાક ૪૨ મિનીટ સુધી જોઈ શકાશે.

સ્ટારગેઝીંગ ઇન્ડિયા ભુજના, ગોર નરેન્દ્ર સાગરે તમામ વિગતો આપતાં જણાવ્યું હતું કે,

આ ગ્રહણ મૂળ રીતે કંકણાકૃતિ પ્રકારનું સૂર્ય ગ્રહણ છે, આ ગ્રહણની શરૂઆત પૃથ્વી પર સાઉદી અરેબિયાથી થશે ત્યાર બાદ ગ્રહણપથ ઓમાન થી અરબી સમુદ્ર વાટે ભારતના દક્ષિણી ક્ષેત્રમાંથી પસાર થઇ પ્રશાંત મહાસાગરમાં આ ગ્રહણનો અંત થશે. ભારતમાં કેરળના કુનુરથી તામિલનાડુના મોટાભાગના વિસ્તારમાં મહતમ કંકણાકૃતિ ગ્રહણ જોવા મળશે જયારે બાકીના ભારત અને ગુજરાતમાં તે દિવસે ખંડગ્રાસ પ્રકારનું સૂર્યગ્રહણ જોવા મળશે.

સૂર્યગ્રહણ અંગે વિશેષ માહિતી આપતા સ્ટારગેઝીંગ ઇન્ડિયાના નિશાંત ગોરે જણાવ્યું હતું કે, સૂર્ય ગ્રહણ હમેશા અમાસના દિવસે જ થાય છે, કારણ કે, માત્ર અમાસના દિવસે જ સૂર્ય અને ચંદ્ર એક જ રાશીમાં હોય છે અને તેમનું કોણીય અંતર શૂન્ય ડીગ્રી હોય છે. ચંદ્રનો પરિક્રમા પથ અને પૃથ્વીનો પરિક્રમા પથ એકબીજાને જ્યાં છેદે છે તે છેદન બિંદુ ઉપર સૂર્ય અને ચંદ્ર આવે છે ત્યારે આપણને સૂર્યગ્રહણ જોવા મળે છે. આ છેદન બિંદુઓને ભારતીય ખગોળમાં રાહુ અને કેતુના નામે ઓળખવામાં આવે છે. આકાશમાં મોટા ભાગે સૂર્ય અને ચંદ્ર આપણને એક સરખા જ જોવા મળતા હોય છે કારણ કે, સૂર્ય એ ચંદ્ર કરતા લગભગ ૪૦૦ ગણો મોટો તો છે પરંતુ તેનાથી ૪૦૦ ગણો દુર પણ છે. આ ગ્રહણની વિશેષતાઓ સાથે વિગતો જોઈએ તો ૨૬મી ડિસેમ્બરે સૂર્યનું પૃથ્વીથી સરેરાશ અંતર ૧૪,૯૫,૯૭,૮૭૧ કિલોમીટર કરતા ઓછું હોય ત્યારે સૂર્યનું બિંબ નજીક હોઈ સૂર્ય તેના સરેરાશ કદ કરતા મોટો દેખાય. તેની સાથે સાથે ચંદ્રનું પૃથ્વીથી સરેરાશ અંતર 3,૮૫,૦૦૦ કિલોમીટરના અંતર કરતા વધુ છે, જેથી ચંદ્રનું કદ સામાન્ય કરતાં નાનું દેખાય છે, આ પરિસ્થિતિમાં જો ગ્રહણ થાય તો, આ ગ્રહણ દરમ્યાન ચંદ્રની તકતી સૂર્યની તકતીને પૂરેપૂરી ઢાંકી શકતી નથી, જેથી સંપૂર્ણ ગ્રહણને બદલે સૂર્યની વચ્ચોવચ ચંદ્ર આવી જાય છે, અને તેની આસપાસ સૂર્યનું અગ્નિ વર્તુળ દેખાય છે. જેને અંગ્રેજીમાં રીંગ ઓફ ફાયરના નામે પણ ઓળખવામાં આવે છે. સૂર્ય બંગડી(કંકણ) આકારે દેખાતો હોવાથી તેને કંકાણાકૃતિ સૂર્ય ગ્રહણ કહેવાય છે.

આ ગ્રહણ શા માટે વિશેષ છે તે અંગે વાત કરતા કચ્છના જાણીતા ખગોળશાસ્ત્રી અને સ્ટારગેઝીંગ ઇન્ડીયાના સહસંસ્થાપક નરેન્દ્ર ગોર જણાવે છે કે, આ પહેલા સૂર્યગ્રહણ ભારતમાંથી ૧૫ જાન્યુઆરી ૨૦૧૦ના જોવા મળેલું હતું, તે સમયે નરેન્દ્ર ગોર સાથેની કચ્છની એક ટીમે કન્યાકુમારી જઈ આ ગ્રહણનો અભ્યાસ કરેલો. ત્યાર બાદ ભારતમાં આ થવા જઈ રહેલું આ પ્રથમ સૂર્યગ્રહણ છે. આ રીતે સૂર્યગ્રહણ જોવું એ એક દુર્લભ ઘટના છે, જે કોઈ સ્થળ પરથી જવલ્લે જ જોવા મળે છે.

આ સૂર્યગ્રહણ બાદ ૨૧ જુન ૨૦૨૦ના ફરીથી સૂર્યગ્રહણ જોવા મળશે અને ત્યાર બાદ છેક ૨૦૩૪માં ભારતમાંથી સૂર્યગ્રહણ જોવા મળશે. આજના બાળકો – વિદ્યાર્થીઓમાંથી ખુબ જ ઓછા એવા વિદ્યાર્થીઓ હશે જેમને સૂર્યગ્રહણ જોવાનો મોકો મળ્યો હોય. તો આવી વિરલ ઘટનાનો સૌ કોઈ વૈજ્ઞાનિક અભિગમ સાથે સમજીને અભ્યાસ કરે તે ઇચ્છનીય છે.

સૂર્યગ્રહણને જોવામાં કેટલીક તકેદારીઓ રાખવી અત્યંત જરૂરી છે, સૂર્યની સામે નરી આખે જોવાથી આંખને કાયમી નુકશાન થઇ શકે છે, જેથી સૂર્યની સામે યોગ્ય સલામતી ફિલ્ટર વિના જોવું નહિ. કચ્છના જાણીતા આંખના ડોક્ટર શ્રી સંજય ઉપાધ્યાયે સૂર્યગ્રહણ જોવા બાબતે જણાવ્યું હતું કે, સામાન્ય પરિસ્થિતિમાં સૂર્યની સામે થોડી ક્ષણોથી વધુ જોઈ શકાતું હોતું નથી, અને તેટલા સમયમાં આંખની કિકી ઝીણી થઇ જાય છે, કે આંખમાં પાણી આવી જાય છે, જે આપણી આંખની પ્રતિકારક પ્રક્રિયા છે, જેના કારણે આંખને નુકશાન થતું અટકે છે, હવે જયારે આ જ સ્થિતિ આપણે સૂર્યગ્રહણ વખતે જોઈએ તો શું થાય? ચંદ્ર સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવી જાય છે, એના કારણે સૂર્યની પ્રકાશીતતામાં ઘટાડો નોધાય છે જયારે તેમાંથી આવતા હાનીકારક વિકીરાણોમાં કોઈ ઘટાડો થતો નથી, જેથી આંખને નુકશાની થઇ શકે છે અને તે નુકશાની કાયમી રીતે ખોડ પણ ઉત્પન કરી શકે છે. જેથી સૂર્યગ્રહણને નરી આંખે ન જોવા સલાહ છે, તેના માટે યોગ્ય વૈજ્ઞાનિક ફિલ્ટર તથા ૧૪ નંબરનો વેલ્ડીંગ ગ્લાસ ઉપયોગમાં લઇ શકાય અથવા સૂર્યનું પ્રોજેક્શન કરી ગ્રહણ નિહાળી શકાય પરંતુ એક્ષરે ફિલ્મ, ફોટોગ્રાફિક ફિલ્મ, પાણીમાં પ્રતિબિંબ જેવી તમામ અવૈજ્ઞાનિક પદ્ધતિઓથી આંખને નુકશાન થવાની સંભાવના વધારે રહેલી છે.

સૂર્ય ગ્રહણ જોવા માટેના ખાસ વૈજ્ઞાનિક ફિલ્ટર વાળા ચશ્મામાંથી સલામત રીતે સૂર્ય ગ્રહણ જોઈ શકો છો. વધુ વિગત આપતાં નિશાંત ગોરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં સૂર્યગ્રહણ અંગે સમજ કેળવાય તે માટે કચ્છની અનેક શાળાઓ જેમ કે, નિંગાળ પ્રાથમિક શાળા, આગાખાન શાળા મુન્દ્રા, લાલન કોલેજ, શ્રી લેવા પટેલ કન્યા વિદ્યાલય, આર ડી વરસાણી કુમાર વિદ્યાલય જેવી અનેક શાળાઓમાં પ્રેઝન્ટેશન અને ગ્રહણ કેવી રીતે જોવું એની વૈજ્ઞાનિક સમજ આપવામાં આવી છે.

આ અંગે કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો સ્ટારગેઝીંગ ઇન્ડિયાના ૯૮૭૯૫૫૪૭૭૦ તથા ૯૪૨૮૨૨૦૪૭૨ નંબર પર સંપર્ક સાધી શકો છો. ગુજરાતના ખગોળ રસિકો, શિક્ષકો આ વૈજ્ઞાનિક ઉત્સવ મા ઉમંગભેર જોડાય અને જાહેર જનતા, વિદ્યાર્થીઓ માટે ગ્રહણ દર્શન, સમજ આપતા કાર્યક્રમ કરે તેવી અપીલ કરવામાં આવે છે. ગ્રહણના શ્રેષ્ઠ ફોટોગ્રાફ તથા ઉત્તમ પ્રયત્ન માટે પ્રથમ ત્રણ વ્યક્તિને પુરસ્કાર સહ પ્રમાણપત્ર સ્ટારગેઝિંગ ઇન્ડિયા તરફથી આપવામાં આવશે આ માટે સૂર્યગ્રહણના ફોટોગ્રાફ્સ, સેલ્ફી તથા યોજાયેલ કાર્યક્રમનું વિવરણ સાથે stargazing.in@gmail.com મોકલી આપવું. http://kutchastronomy.blogspot.com/ બ્લોગ એડ્રેસ.

કંકણાકૃતિ સૂર્યગ્રહણ કે જે ગુજરાતમાં ખંડ ગ્રાસ રૂપે દેખાશે તેની માહિતી

તારીખ :- ૨૬ ડીસેમ્બર ૨૦૧૯

સૂર્યોદય ભુજ સવારે ૦૭-૩૦

ગ્રહણ સ્પર્શ સવારે ૦૮-૦૪

ગ્રહણ મધ્ય સવારે ૦૯-૧૯

ગ્રહણ મોક્ષ સવારે ૧૦-૪૬

ગ્રહણ નો કુલ્લ સમયગાળો ૦૨ કલાક ૪૨ મિનીટ

સૂર્યનો ૬૯% ભાગ ગ્રસિત થશે