[:gj]ચાંદીમાં ૨૧ ડોલર ઉપરની તેજીની સવારીનો આરંભ[:]

[:gj]ઇબ્રાહિમ પટેલ

મુંબઈ, તા. ૧૬: બુલિયન બજાર ભાગ્યેક સીધી અને સમાંતર રેખામાં આગળ વધતી હોય છે. જુલાઈ ૨૦૧૬મા નવી ઉંચાઈએ ગયા પછી સોના ચાંદીએ બહુ ઓછો સમય મોટાપાયે ભાવ ઘટાડા અનુભવ્યા છે, હવે આવો સમયગાળો પણ પૂરો થયો છે. અલબત્ત, આગામી સપ્તાહો અને મહિનાઓમાં આડાટેઢા ભાવ ઘટાડા (કરેકશન)નાં દોર આવતા રહેશે, પણ પ્રત્યેક નફારૂપી ઘટાડા પછી સુધારાનો દોર ચાલુ રહેશે. ચાંદીએ ૧૭ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ)થી તેજીની સવારી ફરી શરુ કરી છે. ટૂંકાગાળામાં બજારને કઈ દિશામાં જવું છે, તે નક્કી થવા માટેનો સંઘર્ષ પણ શરૂ થઇ ગયો છે. ૨૩ જુલાઈએ ૧૬.૪૮ ડોલરની ૨૦૧૯ની નવી ઊંચાઈ સ્થાપીત કરી દેવાઈ છે.

ભલે જુલાઈ ૨૦૧૬ની ૨૦.૩૧ ડોલરની ટોપ પકડાઈ ન હોય, પણ ચાંદીએ ચોક્કસ પણે લોઅર લોઝ અને લોઅર હાઈની મંદીની પેટર્ન તોડી નાખી છે. અને ૨૧ ડોલર ઉપરની તેજીની સવારીનો આરંભ કરી દીધો છે. શક્ય છે કે પુલબેક (ભાવ ઘટાડાના આંચકા) આવ્યા કરશે, પણ બજારનો ટ્રેન્ડ તમારો મિત્ર બની રહેવો જોઈએ. ફેબ્રુઆરી ૧૯૮૦મા ચાંદીના ભાવે ૩૫.૩૦ ડોલરની ઊંચાઈ સર કરી હતી પણ ત્યાર બાદ સપ્ટેમ્બર ૨૦૦૫ (૨૫ વર્ષ) સુધી, ઘેરી મંદીની સુસુપ્તાવાસ્થામાં સારી પડી હતી. આ સમયગાળો કાગળીયા (ફિયાટ કરન્સી ઇન્સટ્રૂમેન્ટ) નાણાનો સુવર્ણકાળ હતો.

૧૯૮૦થી ૨૦૦૫ સુધી ડોલર, યુરો, યેન, રૂપિયો અને અન્ય તમામ વિદેશી કરન્સી ઇન્સટ્રૂમેન્ટનાં મૂલ્યમાં લોકોનો પૂર્ણ વિશ્વાસ પ્રાપ્ત કરવા સાથે જ સરકારો કાયદેસરના નાણા અને સિક્કા છાપતી હતી, તેની ક્રેડીટ પણ જળવાઈ રહેતી હતી. ગત સદીના અંતભાગમાં કરન્સી મૂલ્યમાં વૃદ્ધિનો યુગ પૂરો થઇ ગયો હતો. અને સોના ચાંદીની મંદી તેની ચરમસીમાએ પહોચી ગઈ હતી. જાન્યુઆરી ૧૯૯૩મા ચાંદીએ ૩.૫૦ ડોલરનું તળિયું સ્થાપિત કરી દીધું. આ તળિયાના ભાવ આસપાસ ચાંદીનાં ભાવ ઓગસ્ટ ૨૦૦૩ સુધી જળવાઈ રહ્યા હતા. ૨૦૧૧મા કિલો દીઠ રૂ. ૬૫,૦૦૦થી ૭૦,૦૦૦ સુધીના ભાવે કેટલાય નવાણીયા કુટાઈ માર્યા હતા. પછી તો લોભિયા અને ડરપોક રોકાણકારોએ ઊંચા ભાવે લઈને નીચા ભાવે ચાંદીમાં નુકસાની બાંધી લીધી હતી.

આ એવો યુગ હતો, જેમાં રોકાણકાર રોકડાના કોથળા ભરીને ઝવેરી બજારમાં ડાંસ કરતા જોવાતા હતા. આપણે જ્યારે ચાંદીમાં રોકાણ કરીએ ત્યારે જોખમી વલણ અપનાવી રહ્યા છીએ તે સમજી લેવું જોઈએ. ચાંદી બુલિયન મેટલ છે, તેમ ઇન્ડસ્ટ્રીયલ મેટલ પણ છે. હાલમાં અર્થતંત્રો ધીમા પડી રહ્યા છે ત્યારે ઔદ્યોગિક ધાતુની માંગ ઘટી રહી છે. આમ છતાં આપણે સમજવું રહ્યું કે કેટલાંક એવા મુદ્દાઓ પણ છે જે ચાંદીને નવી ઉંચાઈએ જવા દોરવણી આપી રહ્યા છે. સૌથી વધુ મહત્વનો મુદ્દો આખું દુનિયામાં વ્યાજદરો ઘટી રહ્યા છે, જે સોના કરતા સસ્તી લાગતી અને વેગથી વધવાની શક્યતા ધરાવતી ચાંદીમાં રોકાણ કરવાને પ્રેરણા આપે છે.

જગતભરમાં અસ્તિત્વ ધરાવતા સરકારી બોન્ડમાંથી ૧૭ ટ્રીલીયન ડોલરના બોન્ડ હાલમાં નકારત્મક યીલ્ડ (વળતર) ઓફર કરે છે. એક ક્ષણાર્ધ માટે વિચાર કરો કે શુ તમે આવા નકારાત્મક યીલ્ડવાળા બોન્ડ ખરીદવાની ઇચ્છા કરશો? હવે તો ચાંદીને પણ સંગ્રહ મુલ્ય મળવા લાગ્યું છે. અને તેથી જ આપણી બચત કે અસ્ક્યામતની સલામતી માટે જ્યાં તકો સંકળાયેલી હોય તે તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. વ્યાજદરો ઘટી રહ્યા છે અને સરકારી નાણાનીતિમાં પાણી નાખવામાં આવી રહ્યું છે ત્યારે નાણાનો પ્રવાહ પ્રેસિયસ મેટલ તરફ પ્રવાહિત થવા લાગ્યો છે. આ વાત માત્ર ચાંદી માટે જ નહિ સોના તેમજ પ્લેટીનમ અને પેલેડીયમને પણ લાગુ પડે છે.

 

 [:]