અમદાવાદ,ગુરૂવાર
ચેનલના પેકેજ ઊંચા જતાં ગુજરાતના શહેરોમાં બેથી ત્રણ સેટ ટોપ બોક્સ લેનારાઓએ હવે તેમના સેટ ટોપ બોક્સ સરેન્ડર કરાવવા માંડ્યા હોવાનું બહાર આવી રહ્યું છે. તેવી જ રીતે એન્ટરટેઈનમેન્ટની ચેનલોના ભાવ ઊંચકાઈ જતાં ગુજરાતના ગામડાંઓમાં 30 ટકા કેબલ કનેક્શન ઓછા થઈ ગયા હોવાનું કેબલ ઓપરેટર્સ એસોસિયેશનના પ્રમોદ પંડ્યાનું કહેવું છે. આ પરિસ્થિતિમાં સુધારો ન જોવા મળે તો ઘણાં કેબલ ઓપરેટરોએ પાટીયા ઉતારી લેવાની નોબત આવશે. પહેલાની સરખામણીએ લોકોએ મહિને આપવા પડતા ભાડાંમાં 33 ટકા સુધીનો વધારો થઈ ગયો છે. તેની સામે સિલેક્ટેડ એન્ટરટેઈનમેન્ટ ચેનલ પસંદ કરનારાઓ પરના ખર્ચ બોજમાં 75 ટકા સુધીનો વધારો આવી ગયો છે.
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટીએ નવા દર નક્કી કરી આપ્યા તે પછી આ વધારો જોવા મળી રહ્યો છે. તેમાંય 26 જેટલી પે ચેનલોને કારણે લોકોના ભાડામાં વધારો આવી રહ્યો છે. એક જ ચેનલવાળા તેમના જુદાં જુદાં દસ પેકેજ બનાવીને આપતા હોવાથી લોકોનો ખર્ચ બોજ વધી રહ્યો છે. અગાઉ 400 ચેનલ જોવા માટે કરવો પડતા ખર્ચ કરતાં વધુ ખર્ચ પે ચેનલો જોવા માટે કરવો પડી રહ્યો છે. આ મુદ્દે ટ્રાય દ્વારા મૂકવામાં આવેલા મુસદ્દા અંગે સંબંધિત કેબલ ઓપરેટર્સ આગામી 11મી ઓક્ટોબર સુધી પોતાના મંતવ્યો રજૂ કરી શકે છે.
તેથી ટીવી ચેનલોના ભાંડાં વધી ગયા હોવાની દેશભરમાંથી બૂમરાણ મચી ગઈ હોવાથી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ મલ્ટી સિસ્ટમ ઓપરેટર્સ (બ્રોડકાસ્ટર્સ પાસેથી સિગ્નલ મેળવીને કેબલ ઓપરેટર્સને આપતા) અને કેબલ ઓપરેટર્સ વચ્ચેના રેવન્યુના શેરિંગ માટેનો સૂચિત મુસદ્દો મૂકીને તેના અંગે દેશભરમાંથી કેબલ ઓપરેટર્સના મંતવ્યો પણ મંગાવ્યા હોવાનું પ્રમોદ પંડ્યાનું કહેવું છે.
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટીએ પે ચેનલના ભાવ નિશ્ચિત કરી આપીને લોકો પરનું ભારણ ઓછું કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ડાયરેક્ટ ટુ હોમ-ડીટીએચમાં લોકોને પહેલા કરતાં વધુ બિલ ભરવા પડી રહ્યા હોવાથી પહેલા એક જ ઘરમાં બે ને ત્રણ ટીવી રાખીને ચલાવનારાઓએ હવે તેમના બીજા ટીવી બંધ કરી દઈને એક જ ટેલિવિઝનથી ચલાવવાનું શરૂ કરી દીધું છે. ગામડાંમાં તો ઘણાં લોકોએ ચેનલો જ બંધ કરાવી દઈને ફ્રી ટુ એર ચેનલોથી ચલાવી લેવાનું પસંદ કરવા માંડ્યું છે. ગ્રામીણ વિસ્તારમાં 30 ટકા જેટલા કનેક્શન ઓછા થઈ ગયા છે. સામાન્યમાં સામાન્ય પેકેજ લેવાની વાત કરવામાં આવે તો મહિને 100થી 150નો ખર્ચ વધી ગયો છે. આમ ટ્રાયના અંદાજને આગળ વધારવામાં આવે તો દેશમાં 20 કરોડ કેબલ કે ડીટીએચ સબસ્ક્રાઈબર્સ છે. તેને આધારે ગણતરી માંડવામાં આવે તો લોકોના ખિસ્સા પર મહિને 2000થી 3000 કરોડનો ખર્ચ બોજ વધી ગયો છે. વાર્ષિક ધોરણે ત્રિરાશી માંડવામાં આવે તો રૂા.24000થી 36000 કરોડનો ખર્ચ બોજ વધી ગયો છે. પરિણામે ઓછામાં ઓછા 2 કરોડ ચેનલ સબસ્ક્રાઈબર્સ ઓછા થઈ ગયા હોવાનું ટ્રાઈના અનુમાનમાં જણાવવામાં આવ્યું છે.
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયામાં કરવામાં આવેલી ફરિયાદોમાં જણાવવામાં આવ્યું છે કે ટ્રાયના નવા ટેરિફ ઓર્ડરને પરિણામે ટેલિવિઝન ચેનલ જોનારાઓનું જરાય હિત થયું નથી. અગાઉ ચેનલ જોનારાઓને એક જ ભાવમાં મોટા ભાગની ચેનલો જોવા મળી જતી હતી. હવે તેનાથી વધુ કિંમત ચૂકવ્યા બાદ પણ તેમને તમામ ચેનલો જોવા મળતી નથી. લગભગ 50થી 60 ટકા કે તેનાથીય ઓછી ચેનલો જોવા મળી રહી છે. ચેનલો દ્વારા સિંગલ ચેનલ અને ચેનલના બુકેના માધ્યમથી અતિ લોકપ્રિય ચેનલોને અલગ અલગ બુકેમાં ગોઠવીને ચેનલ સબસ્ક્રાઈબર્સને ખંખેરવાની કામગીરી ચાલી રહી છે.
આ સ્થિતિમાં દરેક સારી અને લોકપ્રિય ચેનલદીઠ મહિને રૂા.15થી રૂા.19 લેવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે. તેથી એક ચેનલના જ 15થી 19 ભરવાને બદલે લોકોને બુકે ખરીદવાની ફરજ પડી રહી છે. આમ લોકોને ખંખેરવાનો અવળો રસ્તો મલ્ટી સિસ્ટમ ઓપરેટર્સે શોધી કાઢ્યો છે. તેમાંય વળી ઘરના વૃદ્ધો, બાળકો, યુવાનો અને મધ્યમ વયના દર્શકોની ચોઈસ અલગ અલગ આવતી હોવાથી તેમને માથે પે ચેનલના ખર્ચનો બોજ વધી ગયો છે. આ સ્થિતિમાં સબસ્ક્રાઈબર્સ ઘટી રહ્યા છે. એક અંદાજ મુજબ દેશમાં 2 કરોડ સબસ્ક્રાઈબર્સ ઘટી ગયા છે. તેની સામે ટ્રાયના ખુદના આંકડા મુજબ સબસ્ક્રાઈબરની સંખ્યામાં 25 ટકાનો ઘટાડો થયો છે. ત્રણ જ મહિનામાં આ ઘટાડો જોવા મળી રહ્યો છે. ફ્રી ટુ એર ચેનલના ફરજિયાત આપવા પડતા રૂા.130 પણ સબસ્ક્રાઈબર્સનો બોજ વધારી રહ્યા છે. તેમને જોવી ન હોય તેવી ચેનલના પણ પૈસા ચૂકવવાની ફરજ પડી રહી છે. મલ્ટી સિસ્ટમ ઓપરેટર્સ એટલે કે બ્રોડકાસ્ટર્સના સિગ્નલ લઈને કેબલ ઓપરેટર્સ સુધી તે પહોંચાડનારાઓ વચ્ચે રેવન્યુ શેરિંગ કઈ રીતે કરવું તે અંગેનો વિવાદ ઉકેલવાનો અને બ્રોડકાસ્ટર્સ પાસેથી મલ્ટી સિસ્ટમ ઓપરેટર્સ અને તેના પછીના સ્તરે કેબલ ઓપરેટર્સ વચ્ચે કયા દરથી રેવન્યુ શેરિંગ કરી શકાય તે અંગે વિચારણા કરવામાં આવી રહી છે. આ માટે આખું માળખું પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
મલ્ટી સિસ્ટમ ઓપરેટર્સ કહે છે કે બ્રોડકાસ્ટર્સ વધુ ચાર્જ લઈ રહ્યા છે. તેની સામે બ્રોડકાસ્ટર્સ કહે છે કે તેમને ખોટી રીતે ચાર્જ કરવામાં આવી રહ્યા છે. જ્યારે કેબલ ઓપરેટર્સ કહે છે કે તેમને માત્ર નવ ટકા કમિશન મળી રહ્યું છે. આ સંજોગોમાં ટેરિફ ઓર્ડરમાં વધુ કેવા ફેરફારો કરવા અને લોકોને વધુ ચેનલો ઓછી કિંમતે મળે તે અંગે વિચારણા શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ બ્રોડકાસ્ટર્સનું કહેવું છે કે હજી વધુ ફેરફારો ટેરિફ ઓર્ડરમાં કરવા જતાં બાજી ઓર બગડી જવાનું જોખમ રહેલું છે. સબસ્ક્રાઈબર્સની તેમને ન જોવી હોય તેવી ચેનલો માથે મારવામાં આવી રહી હોવાની ફરિયાદ ઊચિત નથી. હજી ફેરફારો કરવામાં આવશે તો 26 ટકા ચેનલોને માટે અસ્તિત્વ ટકાવવું કઠિન બની જશે.