[:gj]પિસ્તોલની અણીએ વકીલ પાસે 3.50 કરોડના ચેક લખાવનારની ધરપકડ[:]

[:gj]અમદાવાદ, તા.21
સાત કરોડમાં વેચેલી મિલ્કતનો હિસ્સો લેવા સગા કાકાએ ગુનેગારોની મદદથી એડવોકેટ ભત્રીજા પાસે સાડા ત્રણ કરોડ રૂપિયાના ચેક લખાવી લીધા છે. પિસ્તોલની અણીએ ચેક લખાવનારા સૂરજ પાંડે નામના આરોપીની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. જજીસ બંગલો પોલીસ ચોકી ખાતે પીએસઆઈની તબિયત લથડતા તેનો લાભ લઈને સૂરજ પાંડે નાસી છૂટતાં પોલીસ કર્મચારીઓએ તેનો પીછો કરી ઝડપી લીધો છે. થલતેજ ટાઈટેનિયમ સ્ક્વેરમાં ઓફિસ ધરાવતા વકીલ પાર્થસારથી આનંદભાઈ મ્હેડે (ઉ.40) વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે સગા કાકા અભિજાત પરાસર, સુરજ તેમજ ત્રણ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ આપી છે. વર્ષ 2016માં પાર્થસારથી મ્હેડે એલિસબ્રિજ શાંતિસદન સોસાયટીમાં આવેલો તેમના પિતાની માલિકીનો બંગલો વેચ્યો હતો. જે મિલ્કતનો અડધો હિસ્સો લેવા માટે કાકા અભિજાતે અનેક વખત પ્રયાસ કર્યા હતા, પરંતુ ભત્રીજાએ તેમનો હક્ક નહીં હોવાથી રૂપિયા આપવાની ના પાડી હતી. સુપ્રીમ કોર્ટમાં પરિચયમાં આવેલા એક વકીલે અભિજાતને ગાંધીનગરના સૂરજ પાંડેનો રૂપિયા કઢાવવા માટે સંપર્ક કરવા જણાવ્યું હતું. જેથી અભિજાતે એક ષડયંત્ર રચી સૂરજ ચંદ્રકાંત પાંડે (ઉ.35)ને અસીલ બનાવી પાર્થસારથીની ઓફિસ ખાતે ગત સોમવારે મોકલ્યો હતો. સૂરજ પાંડેએ પાર્થસારથીની ઓફિસ ખાતે પહોંચી મોકાનો લાભ લઈ અભિજાત અને અન્ય શખ્સોને ફોન કરી બોલાવી લીધા હતા. ત્યારબાદ પાર્થસારથીને માર મારી જમીન પર દબાવી દઈ સૂરજ પાંડેએ લમણા પર પિસ્તોલ મૂકી ધમકી આપી હતી. ડરી ગયેલા પાર્થસારથી મ્હેડ પાસે ઘરેથી ચેકબૂક મંગાવી કાકા અભિજાતે 50-50 લાખના સાત ચેક ભત્રીજા પાસે લખાવી લઈ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. વસ્ત્રાપુર પોલીસે આ મામલે સૂરજ પાંડેની ગઈકાલે મંગળવાર રાતે ધરપકડ કરી એક કાર કબ્જે લીધી હતી. આજે સવારે તપાસ અધિકારી પીએસઆઈ વાલાણી સૂરજ પાંડેને જજીસ બંગલો ચોકી ખાતે લઈ ગયા હતા. દરમિયાનમાં પીએસઆઈ વાલાણીની
તબિયત અચાનક લથડતાં તેઓ બેહોશ થઈને ઢળી પડ્યા હતા. આ સમયે મોકાનો લાભ લઈ સૂરજ પાંડે ભાગી છૂટતાં પોલીસ  કર્મચારીઓએ તેનો પીછો કરી થોડેક દૂરથી તેને ઝડપી લીધો હતો. બેહોશ થઈ ગયેલા પીએસઆઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.[:]