પુસ્તકોના પ્રચારના અનોખા ભેખધારી ધોરાજીના મુઠ્ઠી ઉંચેરા માનવી સવજીભાઇ પટોળિયા

ધોરાજી,તા:૧૪

જીવનમાં વાંચન વિચારોને સંતુલિત રાખે છે અને મને તંદુરસ્ત રાખે છે તેવી નવી પેઢીને શીખ આપી રહ્યાં છે સવજીભાઇ પટોળિયા. ધોરાજીમાં રહેતાં સવજીભાઇ આજે પણ 59 વર્ષની ઉમરે પણ પુસ્તકોના વાંચન , સંગ્રહ અને લોકોને વાંચવાની પ્રેરણા આપવાનો અનેરો શોખ અને માનો કે અભિયાન ચલાવે છે અને એટલે જ પોતાની ઘર ગણો કે નાની ઓરડી તેને જીવનાથ પુસ્તકાલયમાં રૂપાંતરિક કરી દેવાઇ છે.

સવજીભાઇ પોતાની વાતને અસ્ખલિતરૂપે વાસ્તવિકતા વર્ણવતાં કહે છેકે પોતે ભણવામાં તેજસ્વી હતાં. પ્રથમ નંબરે જ ઉત્તીર્ણ થતાં હતા. પોતાના ભેરૂઓને વટ સાથે કહેતાં હતાંકે હું કોઇને પણ પહેલો નંબર આપવાનો નથી. છાતી ઠોકીને કહેતાં હતાંકે પહેલો નંબર તો મારો જ છે. શિક્ષક બનવાની ઉન્નત આંકાક્ષા  હોવા છતાં પણ ઘરની પાતળી આર્થિક સ્થિતિને કારણે તેજસ્વી હોવા છતાં પણ ભણતર છોડીન પરિવારનું ગુજરાત ચલવવા માટે હિરા ઘસવાની મજૂરી શરૂ કરવા મુંબઇ અને ત્યારબાદ સુરત જવું પડ્યું.. પરંતુ સાહિત્ય પ્રત્યેનો લગાવ અને જીવને કારણે સૂરતમાં પણ સાથે કામ કરતાં કારીગરોને ભણવા પ્રેરતા અને પુસ્તકો વાંચવા માટે કહેતાં. તેઓ ઓછુ ભણેલા પોતાના સાથીદારોને ઘરે પત્ર લખવાનું કામ કરતાં અને ત્રીસેક જેટલી ટપાલ લખી નાંખતાં ત્યારે પણ તેઓ તમામને કહેતાં કે તમે ના ભણતો કંઇ નહીં પણ પોતાના ભાઇ બહેન અને સંતાનને જરૂરથી ભણાવ જો. સુરતમાં તેમણે પુસ્તક વાંચો અને વસાવો અભિયાન પણ આદરીને લોકોને પુસ્તકોના વાંચન પ્રત્યે લોકોને પ્રરિત કર્યા હતાં.

પોતાના શાળાકિય જીવનથીજ લોકસાહિત્ય અને ધાર્મિક પુસ્તકોની ઋચિને કારણે તેમણે પોતાના પેટે પાટા બાંધીને પુસ્તકો વસાવ્યાં છે અને આજે આ પુસ્તકોની સંખ્યા હજારોની થઇ ગઇ છે. પોતાની ઓરડીને જ પુસ્તકાલય બનાવી દેનારા સવજીભાઇએ પુસ્તકો રાખવા માટે અલગ અલગ પતરાંની પેટી પણ રાખી છે અને તેના ઉપર દરેક વિભાગના પુસ્તકોના નામ પણ આપી દીધાં છે. ઝવેરચંદ મેઘાણી અને મુરારિબાપુ લિખિત રામાયણનો પણ પ્રચાર કરી ચૂકેલા સવજીભાઇ આજીવન પુસ્તક પ્રેમી રહેવા માંગે છે.

આજે જ્યારે પુસ્તકો વાંચન ઉપર જાણે કે સૂગ ઉભી થઇ છે ત્યારે સવજીભાઇ પુસ્તકો પ્રત્યેના પ્રેમને કારણે જાણે તેના બ્રાંડ એમ્બેસેડર બની ગયાં છે. આજીવન પુસ્તકને સમર્પિત કરનારા સવજીભાઇ નવી પેઢી માટે પ્રેરણામૂર્તિ છે તેમજ આજની નવી પેઢીને પુસ્તકો તરફ ફરી પ્રયાણ કરવાની જાણે વિનવણી કરી રહ્યાં છે. મોબાઇલ અને ડિજીટલ યુગની સાથેસાથે તન,મનને તંદુરસ્ત રાખવા માટે વાંચન પણ જીવનનું અભિન્ન અંગ  હોવાનું શાનમાં સમજાવી રહ્યાં છે. તેમણે રામકૃષ્ણ પરમહંસની એક પંક્તિને હરહંમેશ માનસપટલ પર અંકિત કરી છે રામકૃષ્ણ પરમહંસે પુસ્તકો વિશે કહ્યું હતુંકે જેમ વાસણને ચળકતું રાખવા માટે તેને માંજવું પડેતેમ મનને ચકચકિત કરવા માટે વાંચન પણ જરૂરી છે. ટેકનોલીજી અને આધુનિક યુગમાં જ્યારે આંગણીના ટેરવે અને એક ક્લિક કરીને તમામ માહિતી મેળવી લેનારી આજની પેઢી પણ વાંચન તરફ આકર્ષાય તે અનિવાર્ય આવશ્યકતા છે.

એક સમયે સરદાર પટેલ પર અઢી દાયકાઓના  અખબારોના કટીંગ ઉપર પોસ્ટર બનાવીને પ્રદર્શન કરી ચૂકેલા સવજીભાઇને ઇચ્છા મહાત્મા ગાંધીજી પરના લખાણોના અઢીદાયકાના પોસ્ટર તૈયાર કરીન તેનું પ્રદર્શન બીજી ઓક્ટોબરે કરવાની ઇચ્છા છે. પોતાના શિક્ષક બનાવીની ઇચ્છા અધૂરી રહી તો પોતાના ભાઇને શિક્ષક બનાવીને પોતાની મહેચ્છા પૂરી કરનારા સવજીભાઇનો પુસ્તક પ્રેમ અનોખો છે